નવી દિલ્હીઃ મોદી 3.0 કાર્યકાળનું બજેટ રજૂ થઇ ગયું છે. ફેબ્રુઆરીએ નાણાપ્રધાન નિર્મલા સીતારામને તેમના બજેટમાં 12 લાખ રૂપિયા સુધીની આવક ટેક્સ ફ્રી કરવાની જાહેરાત કરી છે. સરકારની કમાણીની વાત કરીએ તો તેમની આવક આવકવેરા અને જીએસટી તેમ જ અન્ય કરમાંથી આવે છે, પણ તેમાંથી લગભગ 20 ટકા જેટલી રકમ તો લોનની ચૂકવણીમાં જતી રહે છે. આ ઉપરાંત આ વખતે સરકારે 15 લાખ કરોડ રૂપિયાની લોન પણ લેવી પડશે. સરકારે એ પણ જણાવ્યું છે કે તેમની પાસે રૂપિયો ક્યાંથી આવશે અને તેને તો ક્યાં અને કેવી રીતે ખર્ચ કરશે. આપણે આ વિશે જાણીએ.
આ પણ વાંચો: Budget 2025: પ્રથમ વખત 50 લાખ કરોડથી વધુનું બજેટ; જાણો કયા મંત્રાલયને મળ્યું કેટલું બજેટ?
સરકારના આવકના સ્ત્રોતઃ-
જો આપણે સરકારના આવકના સૌથી મોટા સ્ત્રોતની વાત કરીએ તો સરકારને સૌથી વધુ આવક વ્યાજમાંથી થાય છે સરકાર જો એક રૂપિયાની આવક રળે છે તો તેમાંથી તેમણે આપેલી લોનના વ્યાજમાંથી 24 પૈસા, આવકવેરામાંથી 22 પૈસા, જીએસટી અને અન્ય વસૂલાતમાંથી 18 પૈસા, કોર્પોરેટ ટેક્સમાંથી 17 પૈસા કસ્ટમ ડ્યુટીમાંથી ચાર પૈસા, યુનિયન એક્સાઇઝ ડ્યુટીમાંથી પાંચ પૈસા અને બાકીના અન્ય સ્ત્રોત મારફતથી તેને આવક થાય છે. સરકારને અન્ય દેશોને આપેલી લોનમાંથી પણ કમાણી થાય છે.
સરકારે નેબરહુડ ફર્સ્ટ પોલિસી હેઠળ ભૂતાનને સૌથી વધુ 2150 કરોડ રૂપિયાની સહાય આપી છે. આ ઉપરાંત નેપાળને 700 કરોડ રૂપિયા, શ્રીલંકાને 300 કરોડ રૂપિયા, બાંગ્લાદેશને 120 કરોડ રૂપિયા, અફઘાનિસ્તાનને 100 કરોડ રૂપિયા, મ્યાનમારને 350 કરોડ રૂપિયા, માલદિવ્સને 600 કરોડ રૂપિયા, સેશલ્સને 19 કરોડ રૂપિયા, મોરિશિયસને 500 કરોડ રૂપિયા ચાબહારને 100 કરોડ રૂપિયા, આફ્રિકન દેશોને 225 કરોડ રૂપિયા અને લેટિન અમેરિકન દેશોને 60 કરોડ રૂપિયાની લોન આપી છે. આ બધી લોનમાથી સરકારને ઘણું વ્યાજ મળે છે.
આ પણ વાંચો: કેન્દ્રીય બજેટ 2025-26: મધ્યમવર્ગ ભલે ખુશ હોય પણ આ વર્ગની આશાઓ ન ફળી
સરકારના ખર્ચના ક્ષેત્રોઃ-
હવે આપણે જોઇએ કે સરકાર તેને મળેલા એક રૂપિયાનો ખર્ચ કેવી રીતે કરે છે. સરકાર જુદા જુદા રાજ્યોના હિસ્સાના કર અને ચુકવણી પેટે 22 પૈસા, લીધેલી લોનના વ્યાજ પેટે 20 પૈસા, કેન્દ્રની યોજનાઓ પાછળ આઠ પૈસા, ફાઇનાન્સ કમિશનની યોજનાઓ પાછળ આઠ પૈસા, રક્ષા ક્ષેત્ર માટે આઠ પૈસા, કેન્દ્રીય યોજનાઓ પાછળ 16 પૈસા, અન્ય ખર્ચ પાછળ આઠ પૈસા, પેન્શન પાછળ ચાર પૈસાનો અને સબસડી માટે છ પૈસાનો ખર્ચ કરે છે.
સરકાર લોન શા માટે લે છે? :-
હવે આપણે વાત સમજીએ કે સરકાર લોન શા માટે લે છે. સરકારનો ખર્ચ હંમેશા તેની આવક કરતા વધારે જ હોય છે ખર્ચ અને કમાણી વચ્ચેનું અંતરને દૂર કરવા માટે સરકારને લોન લેવાની જરૂર પડે છે. સરકાર બે રીતે લોન લે છે દેશમાંથી જ અથવા તો બીજા દેશોમાંથી. સરકારને તેમની જંગી યોજનાઓ પાર પાડવા માટે બહારના દેશો પાસેથી લોન લેવાની જરૂર પડે છે આ લોનની વ્યાજની ચુકવણી કરવા માટે સરકારને સૌથી વધુ નાણાં ખર્ચવા પડે છે.
દેશમાંથી જ લેવાતી લોનઃ-
સરકાર બેંકો, વીમા કંપનીઓ, રિઝર્વ બેંક, કોર્પોરેટ કંપનીઓ, મ્યુચ્યુઅલ ફંડ વગેરે દ્વારા લોન લે છે. આ ઉપરાંત સરકાર ગવર્નમેન્ટ સિક્યોરિટીઝ દ્વારા પણ લોન લે છે. આ નાણા બોન્ડ, ટ્રેઝરી બિલ, ગોલ્ડ બોન્ડ, સ્મોલ સેવિંગ સ્કીમ, કેશ મેનેજમેન્ટ બિલ વગેરે દ્વારા મેળવવામાં આવે છે. સરકાર આ રીતે લીધેલી લોન વ્યાજ સહિત નિયત સમયમાં પરત કરે છે. ઘણી વાર દેશમાં માળખાકીય વિકાસ માટે ગવર્નમેન્ટ સિક્યોરિટીઝ દ્વારા લોન લેવામાં આવે છે. દા. ત. કોંકણ રેલવે બાંધવા સરકારે બોન્ડ બહાર પાડ્યા હતા. એવી જ રીતે નર્મદા નદી પર બંધ બાંધવા સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ દ્વારા બોન્ડ જારી કરવામાં આવ્યા હતા. આમ રસ્તાઓ, હૉસ્પિટલ, બંધ, રેલવે વગેરેના નિર્માણ માટે લોન લેવામાં આવે છે.
અન્ય દેશો પાસેથી લેવાતી લોનઃ-
સરકાર તેની જરૂરિયાતો માટે અન્ય દેશો પાસેથી કે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ અને વર્લ્ડ બેંક જેવી સંસ્થાઓ પાસેથી લોન લે છે. જોકે, વિદેશી દેવું સારું માનવામાં આવતું નથી કારણ કે તે લોનની ચૂકવણી જે તે દેશની કરન્સીમાં જ કે પછી અમેરિકન ડૉલરમાં જ કરવી પડે છે. ભારતને લોન આપનારા દેશોમાં અમેરિકા, જાપાન અને યુરોપિયન યુનિયનના દેશો સામેલ છે. ભારતે વિદેશી લોનમાં સૌથી વધુ લગભગ 53 ટકા જેટલી લોન એકલા અમેરિકા પાસેથી જ લીધી છે.