બંગાળમાં TMC કાર્યકર પર બોમ્બથી હુમલો, મમતા સરકારે CPMને ઠેરવ્યા જવાબદાર
કોલકાતાઃ દેશમાં આજે લોકસભા ચૂંટણીના ચોથા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. ગત મોડી રાત્રે પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના કાર્યકરની અજાણ્યા લોકોએ હત્યા કરી હતી. પૂર્વ બર્ધમાનના કેતુગ્રામ વિસ્તારમાં TMC કાર્યકર મિન્ટુ શેખ પર અજાણ્યા બદમાશોએ કથિત રીતે ક્રૂડ બોમ્બ ફેંક્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ મૃતક ટીએમસી કાર્યકર મિન્ટુ શેખ (45) પોતાના એક સાથી સાથે મોટરસાઈકલ પર ઘરે જઈ રહ્યો હતો, ત્યારે રસ્તામાં કેટલાક લોકોએ અચાનક તેના પર હુમલો કર્યો હતો. પહેલા મિન્ટુ પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો અને બાદમાં તેના પર બોમ્બથી હુમલો કરવામાં આવ્યો. હુમલામાં તેનું મોત થયું હતું. ઘટના બાદ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને મામલાની તપાસ હાથ ધરી છે. ઘટનાને લઈને વિસ્તારમાં તંગદિલીનો માહોલ છે.
પાર્ટી કાર્યકરની હત્યા માટે સીપીએમને જવાબદાર ઠેરવતા તૃણમૂલ કોંગ્રેસે કહ્યું હતું કે હિંસા અને રક્તપાતના 34 વર્ષના શાસનકાળની જેમ જ સીપીઆઈ (એમ) એ કેતુગ્રામમાં અમારા પક્ષના કાર્યકરની નિર્દયતાથી હત્યા કરી હતી. મિન્ટુ શેખ ચૂંટણીની ફરજ પૂરી કરીને ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે તેના પર ક્રૂડ બોમ્બથી હુમલો કરીને તેની હત્યા કરવામાં આવી હતી. બંગાળમાંથી વુલુપ્ત થવાની આરે આવી ગયેલા CPM પાસે હવે એક જ એજન્ડા છે, લોકોને આતંકિત કરવાના અને કાળા દિવસો પાછા લાવવાના. અમે ચૂંટણી પંચને આ અંગે તાત્કાલિક પગલાં લેવા વિનંતી કરીએ છીએ.
દરમિયાન આસનસોલ અને બિરભૂમ જિલ્લામાં પણ હિંસાના સમાચાર જાણવા મળ્યા છે.