નવી દિલ્હીઃ કેન્દ્રીય NDA સરકારની કેબિનેટની બેઠક બુધવારે યોજાઈ હતી. બેઠકમાં સૌથી મોટી ચર્ચા વન નેશન, વન ઈલેક્શન પર થઈ હતી. આ સંબંધિત પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અહેવાલને કેન્દ્રીય કેબિનેટે મંજૂરી આપી હતી. આ અહેવાલમાં સમગ્ર દેશમાં તમામ મુખ્ય ચૂંટણીઓ એક સાથે કેવી રીતે યોજી શકાય તે અંગે વિગતવાર સૂચનો આપવામાં આવ્યા હતા. વન નેશન, વન ઈલેક્શન અંતર્ગત લોકસભા, વિધાનસભા, મ્યુનિસિપલ બોડી અને પંચાયતની ચૂંટણીઓ એકસાથે કરાવવાનો ઈરાદો છે. આ એક બંધારણીય સુધારો અધિનિયમ હોવાથી, મોદી સરકારે તેના માટે સમર્થન મેળવવા માટે સખત મહેનત કરવી પડશે. જોકે, ઘણા રાજકીય પક્ષો આ મામલે સહમતી દર્શાવી ચૂક્યા છે.
| Also Read: one nation, one election: રામનાથ કોવિંદ સમિતિએ રાષ્ટ્રપતિને અહેવાલ સોંપ્યો, આ ભલામણોનો સમાવેશ
દેશના લોકો તરફથી પણ સરકારના આ મુદ્દાને વ્યાપક સમર્થન મળ્યું છે, જેને કારણે અત્યાર સુધી જે પાર્ટીઓ આ મુદ્દે વિરોધમાં હતી, તે પાર્ટીઓ પણ દબાણ અનુભવી શકે છે. આપણે આ બધી વાતને કોરાણે મૂકીએ તો પણ એક વાત જરૂરથી જાણવી જોઇએ કે ભાજપ છેલ્લા 40 વર્ષથી આ મુદ્દો ઉઠાવી રહી છે.
છેલ્લા કેટલાક વર્ષોથી ભાજપ માગ કરી રહી છે કે દેશમાં વન નેશન, વન ઈલેક્શન હોવું જોઇએ, જેના આપણે સાક્ષી છીએ. આપણે પીએમના મોઢે વન નેશન, વન ઈલેક્શન વિશે ઘણી વાર સાંભળ્યું છે, પણ ભાજપની આ માગ બહુ જ પુરાણી છે. ભાજપ 1984થી માગ કરી રહી છે કે દેશમાં વન નેશન, વન ઈલેક્શન હોવું જોઇએ. ભાજપે પહેલી વાર 1984માં સંપૂર્ણ ભારતમાં લોકસભાની ચૂંટણી લડી હતી. તે સમયે પણ તેમના ચૂંટણી ઢંઢેરામાં ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન અને દેશભરમાં એક સાથે ચૂંટણી કરાવવાની વાત હતી. પાર્ટીએ એમ પણજણાવ્યું હતું કે સ્વસ્થ અને સફળ લોકશાહી માટે આ સુધારા ઘણા જ જરૂરી છે.
| Also Read: બ્રેકિંગઃ Modi સરકારનો મોટો નિર્ણયઃ One Nation-One Election પ્રસ્તાવને મંજૂરી
જોકે, 1984માં લોકસભાની ચૂંટણીમાં કૉંગ્રેસે રેકોર્ડ 414 સીટ જીતી હતી અને ભાજપને માત્ર બે જ બેઠક મળી હતી. તેમ છતાં ભાજપે તેમની ચૂંટણી સુધારાની માગ ચાલુ રાખી હતી. 1984 બાદ 1989માં પણ પાર્ટીએ ફરજિયાત મતદાન અને કોર્પોરેટ દાન પર પ્રતિબંધ મૂકવાની માંગ કરીને તેમની ચૂંટણી સુધારાની માગ દોહરાવી હતી. 1991 અને 1996 માં તેમણે કોર્પોરેટ ફંડિગ વિશેનું તેમનું વલણ બદલ્યું હતું. 1998 અને 1999ની ચૂંટણીમાં ભાજપે ચૂંટણી સુધારણા બિલની વાત કરી હતી. 2004 અને 2009ની ચૂંટણીઓમાં પાર્ટીએ તેના અગાઉના વચનોનું જ પુનરાવર્તન કર્યું હતું. 2014માં પાર્ટીએ કલંકિત રેકોર્ડ ધરાવતા લોકોને ઉમેદવારી નહીં આપવા અને ચૂંટણી ખર્ચ પર મર્યાદા લગાવવાનો પ્રયાસ કર્યો હતો. 2019માં ભાજપે વન નેશન, વન ઈલેક્શનની વાત કરી હતી.
જ્યાં સુધી આ બિલ સંસદના બે ગૃહમાં પાસ કરાવવાની વાત છે તો એ તો ભાજપ અને તેના સહયોગી દળ માટે લોઢાના ચણા ચાવવા જેવું મુશ્કેલ કામ છે. વન નેશન વન ઇલેક્શન કાયદો પસાર કરવાની કવાયત ઘણી મુશ્કેલ છે. અને આ કાયદાને કારણે ભાજપને કંઇ મોટો ફાયદો પણ થઇ રહ્યો નથી, કેમ કે આ કોઇ ચોક્કસ જાતિ, સમુદાય, પ્રદેશના લોકો માટેનો કાયદો નથી. આ કાયદો સમગ્ર દેશના હિતમાં છે, પણ તેને માટે જનજાગૃતિનો અભાવ છે. મોટા ભાગના લોકો આ કાયદાથી થનારા દેશહિતથી અજાણ છે.