રૂપાલા મુદ્દે ભાજપના ક્ષત્રિય નેતાઓ મેદાનમાં: આવતીકાલે મહત્વની બેઠક
(અમારા પ્રતિનિધિ તરફથી)
ગાંધીનગર: ભાજપના રાજકોટના ઉમેદવાર અને કેન્દ્રિય પ્રધાન પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ઉકળતા ચરુ જેવા વિવાદને શાંત પાડવા અને ડેમેજ કન્ટ્રોલ માટે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની આગેવાનીમાં બેઠક ગાંધીનગરમાં યોજાઈ હતી જેમાં ક્ષત્રિય આગેવાનોને જવાબદારી સોંપવામાં આવી હતી અને એ માટે લગભગ ૯૦ જેટલા સભ્યોની બનેલી ક્ષત્રિય સંગઠનની સંકલન સમિતિ સાથે આવતીકાલે બુધવારે બેઠક કરી પ્રશ્નનો નિવેડો સત્વરે લાવવા પ્રયાસ કરશે.
લોકસભાની રાજકોટની બેઠકના ભા્.જ.પ.ના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના ઉચ્ચારણો સામે ક્ષત્રિય સમાજના વધી રહેલા રોષને ખાળવા અને વિરોધને ઠંડો પાડવા માટે ભા.જ.પ.દ્વારા સક્રિય પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. આ પ્રયાસના એક ભાગરૂપે આ અંગે આજે મંગળવારે બપોરે ૧૨:૩૦ વાગ્યે પક્ષના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના અધ્યક્ષસ્થાને અને તેમના ગાંધીનગરમાં સેકટર નંબર-૯મા આવેલા નિવાસસ્થાને એક ઉચ્ચકક્ષાની બેઠક યોજવામાં આવી હતી.
આ બેઠકમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ,ઉદ્યોગ પ્રધાન બલવંતસિંહ રાજપૂત,ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી,પૂર્વ શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ, ચુડાસમા, રાજ્યસભાના સભ્ય કેસરીદેવસિંહ, પ્રદેશ અગ્રણી આઈ.કે. જાડેજા, પૂર્વ ધારાસભ્ય જયરાજ સિંહ જાડેજા,ધારાસભ્ય કિરીટસિંહ રાણા,ભા.જ.પ.ના સંગઠન મહામંત્રી રત્નાકર,પ્રદેશ મહામંત્રી રજની પટેલ, પક્ષના સિનિયર નેતા સુરેન્દ્ર પટેલ અને પક્ષના મહામંત્રી, ક્ચ્છની બેઠકના ઉમેદવાર તથા પાટીલના અત્યંત વિશ્વાસુ ગણાતા વિનોદ ચાવડા વગેરે હાજર રહ્યા હતા.