
મુંબઈઃ ભારતીય જનતા પાર્ટીએ ગઈકાલે એકસાથે 195 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહના નામ પણ છે. જોકે આ યાદીમાં મહારાષ્ટ્રની એક પણ બેઠક પર ઉમેદવારની જાહેરાત કરવામાં આવી નથી, પણ તમને જાણીને નવાઈ લાગશે કે મુંબઈના ત્રણ નામ આ યાદીમાં છે. હા, આ યાદીમાં એવા ત્રણ નામ છે જેઓ રહે છે મુંબઈમાં, પણ તેમને ટિકિટ ઉત્તર પ્રદેશથી મળી છે. એક નામ તો છે ભાજપના બે ટર્મના સાંસદ અને પ્રસિદ્ધ અભિનેત્રી-નૃત્યાંગના હેમા માલિની. હેમા માલિની 2014 અને 2019માં મથૂરાથી ચૂંટણી લડ્યા અને જીત્યા પણ છે.
બીજુ નામ છે ભોજપુરી અને હિન્દી ફિલ્મોના અભિનેતા રવિ કિશન શુક્લાનું. મોટે ભાગે દિલ્હી અને મુંબઈ રહેતા રવિ કિશનને ગોરખપુરની ટિકિટ આપવામાં આવી છે. આ બેઠક વારાણસી પછી યુપીની સૌથી મજબૂત બેઠક માનવામાં આવે છે. જ્યારે ત્રીજું નામ રાજકારણજગતનું જ છે અને મહારાષ્ટ્ર અને મુંબઈમાં સક્રિય એવા નેતાનું છે. આ નામ જાહેર થતાં સૌ કોઈ ચોંકી ગયા હતા અને એ છે કૃપાશંકર સિંહ. એક સમયે કૉંગ્રેસના મુંબઈ અધ્યક્ષ રહી ચૂકેલા કૃપાએ ભાજપમાં પ્રવેશ મેળવ્યો હતો. જોકે ઘણા સમય બાદ તેમનું નામ ફરી બહાર આવ્યું છે.
ભાજપે તેમને જૌનપુરથી ટિકિટ આપી છે. બેનામી સંપત્તિ મામલે તેમની સામે કાર્યવાહી પણ કરવામા આવી હતી. 2021માં તેઓ ભાજપમાં જોડાયા હતા. યુપીની અમુક બેઠકો પર તેમનું પ્રભુત્વ હોવાનું માનવામાં આવે છે. રહી વાત મહારાષ્ટ્રના ઉમેદવારોની તો જે રાજ્યોમાં ભાજપની અન્ય પક્ષ સાથે યુતિ છે તે રાજ્યોની બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કરાવમાં આવ્યા નથી. મહારાષ્ટ્ર અને બિહારમાં ભાજપ અન્ય પ્રાદેશિક પક્ષો સાથે યુતિ ધરાવે છે અને આ પક્ષોનું પણ તે રાજ્યો પર વર્ચસ્વ છે. હવે મોટો અવરોધ એ છે કે ભાજપનું 370 બેઠક સર કરવાનું સપનું આ બન્ને રાજ્યોની બેઠકો પરની જીત પર પણ આધારિત છે. આ બન્ને રાજ્યોના પક્ષોના ઉમેદવારો ભાજપના ચિહ્ન પર લડે તો જ આ આંકડો હાંસિલ કરી શકાય તેમ છે, આથી મહારાષ્ટ્રના ઉમેદવારોની યાદી બહાર આવવામાં સમય લાગશે, તેમ સૂત્રો જણાવી રહ્યા છે.