ગુજરાતમાં ભાજપે આ 7 ઉમેદવારના નામ કર્યા જાહેર, જાણો કોનું પત્તુ કપાયું અને કોણ થયું રિપીટ?

નવી દિલ્હી: જેની ખુબ જ આતુરતાથી રાહ જોવાઈ રહી તે ભાજપના ઉમેદવારોની બીજી યાદી જાહેર થઈ ગઈ છે. આજે ભાજપે કુલ 72 ઉમેદવારોની જાહેરાત કરી છે જેમાં ગુજરાતમાં પણ 7 ઉમેદવારોને ટિકિટ મળી છે. આ સાત ઉમેદવારોમાં સુરતથી મુકેશ દલાલ,ભાવનગરમાં નિમુબેન બાભણીયા, સાબરકાંઠામાં ભીખાજી ઠાકોર, અમદાવાદ પૂર્વમાં હસમુખભાઈ પટેલ, વડોદરામાં રંજનબેન ભટ્ટ, છોટાઉદેપુરમાં જશુભાઈ રાઠવા, વલસાડમાં ધવલ પટેલનો સમાવેશ થાય છે. ઉલ્લેખનિય છે કે, ભાજપે સાબરકાંઠા, ભાવનગર, છોટાઉદેપુરમાં અને સુરત, વલસાડના સાંસદની ટિકિટ કાપીને નવા ચહેરાને તક આપી છે.
ભાજપે બીજી યાદી જાહેર કરી છે, જેમાં ગુજરાતમાં સુરતના સાંસદ અને વર્તમાન કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશની ટિકિટ કાપી મુકેશ દલાલને ટિકિટ આપી છે. તે જ રીતે ભાવનગરના વર્તમાન સાંસદ અને ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ભારતીબેન શિયાળને ટિકિટ નથી મળી. તેમના સ્થાને ભાવનગરના પૂર્વ મેયર નિમુબેન બાંભણીયાને ટિકિટ અપાઇ છે. વલસાડમાં વર્તમાન સાંસદ કે.સી.પટેલના બદલે ધવલ પટેલને અપાઇ ટિકિટ, છોટાઉદેપુરમાં ગીતાબેન રાઠવાનું પત્તુ કપાયું છે તેમના સ્થાને જશુભાઈ રાઠવાની પસંદગી થઈ છે. સાબરકાંઠા બેઠક પર હાલમાં દીપસિંહ રાઠોડના બદલે ભીખાજી ઠાકોરને ટિકિટ મળી છે.
ગુજરાત ભાજપે અત્યાર સુધી 22 ઉમેદવારોના નામનો જાહેરાત કરી દીધી છે. ભાજપે 22માંથી પૈકી 10 બેઠકો પર સાંસદના પત્તા કાપ્યા છે. અમરેલી, જૂનાગઢ, મહેસાણા અને સુરેન્દ્રનગર બેઠક પર હજુ ઉમેદવારના નામ પર સસ્પેંસ યથાવત છે.