રાયપુર/નવી દિલ્હીઃ ચાર રાજ્યની વિધાનસભાની ચૂંટણીના ત્રીજી ડિસેમ્બરના પરિણામો પછી તેલંગણાના મુખ્ય પ્રધાન (સીએમ)નું નામ નક્કી કરવામાં આવ્યું હતું. એના સિવાય ત્રણ રાજ્યમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ને બહુમતી મળ્યા પછી પણ મુખ્ય પ્રધાન તરીકે કોઈ નામ નક્કી કરી શક્યા નહોતા, જેમાં અઠવાડિયાના અંતે છત્તીસગઢના મુખ્ય પ્રધાનના પદે વિષ્ણુદેવ સાયનું નામ જાહેર કર્યું છે.
છત્તીસગઢની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને નોંધપાત્ર બેઠક પરથી જીત મળી હતી, જેમાં 54 બેઠક પર ભાજપનો વિજય થયો હતો. સૌથી મોટો પડકાર એ હતો કે મુખ્ય પ્રધાન તરીકે કોને આગળ કરે. અઠવાડિયાની લાંબી બેઠકો પછી હવે સીએમનું નામ નક્કી થયું છે. વિષ્ણુદેવ સાય છત્તીસગઢના આગામી મુખ્ય પ્રધાન રહેશે.
વિષ્ણુદેવ સાય છત્તીસગઢની કુનકુરી વિધાનસભામાંથી જીત્યા હતા. રાજ્યમાં આદિવાસી સમુદાયની સૌથી વધુ વસ્તી છે, જ્યારે રાય પણ આ જ સમુદાયના છે. વિષ્ણુદેવ સાય 2020માં ભાજપના પ્રદેશપ્રમુખ પણ રહી ચૂક્યા છે. સાંસદ અને કેન્દ્રીય પ્રધાન પણ રહી ચૂક્યા છે. એટલું જ નહીં, તેમના સંબંધો પણ આરએસએસ વધુ છે, જ્યારે રમણ સિંહના પણ નજીક છે. વર્ષ 1999થી 2014 સુધી તેઓ રાયગઢના સાંસદ પણ રહી ચૂક્યા છે. મોદી સરકારના પહેલા કાર્યકાળમાં સાયને કેન્દ્રીય પ્રધાન બનાવવામાં આવ્યા હતા, ત્યારબાદ તેમને સંગઠન પદ પરથી રાજીનામું આપ્યું હતું.
તમારી જાણ ખાતર જણાવી દઈએ કે છત્તીસગઢમાં મુખ્ય પ્રધાનના પદની રેસમાં ભાજપના પ્રમુખ અરુણ સાવનું નામ પણ ચર્ચામાં હતું. તેઓ ઓબીસી સમાજના હતા. એના સિવાય સરોજ પાંડેયનું નામ પણ હતું. સરોજ પાંડેયની રાષ્ટ્રીય ઉપપ્રમુખ અને રાજ્યસભાનાં સાંસદ છે. ભાજપના મહિલા મોરચાના રાષ્ટ્રીય પ્રમુખ પણ રહી ચૂક્યા છે. 2009ની લોકસભામાં ચૂંટણી જીતી ચૂક્યા હતા. જોકે, 2014માં મોદી લહેર વખતે પણ ચૂંટણી હારી ગયા હતા. મુખ્ય પ્રધાનના પદ માટે બ્રિજમોહન અગ્રવાલનું પણ નામ હતું. સાત વખત વિધાનસભ્ય રહી ચૂકેલા બ્રિજમોહન રમન સિંહની સરકારમાં પણ પ્રધાન હતા.
વિષ્ણુદેવ સાયનું નામ જાહેર કરીને વિરોધીઓની બોલતી બંધ કરી છે, ત્યારબાદ રાજસ્થાન અને મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન તરીકે કોને જાહેર કરે છે એ જોવાનું રહેશે. જોકે, છત્તીસગઢમાં મુખ્ય પ્રધાનનું નામ નક્કી કરવા માટે ભાજપના કેન્દ્રીય નેતૃત્વ દ્વારા નિમણૂક કરવામાં આવેલા નિરીક્ષક કેન્દ્રીય પ્રધાન અર્જુન મૂંડા, સર્વાનંદ સોનોવાલ અને પક્ષના મહાસચિવ દુષ્યંત કુમાર ગૌતમને જવાબદારી સોંપવામાં આવી હતી.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને