નવી દિલ્હીઃ ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતનું 8 ડિસેમ્બર 2021ના રોજ તમિલનાડુના કન્નુર પાસે Mi-17 V5 હેલિકોપ્ટર ક્રેશમાં મૃત્યુ થયું હતું. આ અકસ્માતમાં જનરલ રાવતના પત્ની મધુલિકા રાવત સહિત કુલ 12 લોકોના મોત થયા હતા. હવે રક્ષા મંત્રાલયની સ્ટેન્ડિંગ કમિટીએ આ તમામ લોકોના મોતને લઈને એક રિપોર્ટ રજૂ કર્યો છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે આ અકસ્માતનું કારણ માનવીય ભૂલ હતી.
18મી લોકસભાની સ્થાયી સમિતિના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે નાણાકીય વર્ષ 2017 થી 2022 દરમિયાન ‘તેરમા ડિફેન્સ પીરિયડ પ્લાન’ દરમિયાન કુલ 34 IAF અકસ્માતો થયા છે. નાણાકીય વર્ષ 2021- 2022 દરમિયાન કુલ નવ અકસ્માતો થયા હતા અને 8 ડિસેમ્બર, 2021ના રોજ જે અકસ્માત થયો હતો તે માનવ ભૂલને કારણે થયો હતો. આ ઘટનાની તપાસ કરી રહેલા અધિકારીઓએ શરૂઆતમાં કહ્યું હતું કે હવામાનમાં ફેરફારને કારણે આ અકસ્માત થયો હતો.
8 ડિસેમ્બર, 2021ના રોજ શું થયું હતું?:-
જનરલ રાવત, તેમની પત્ની મધુલિકા અને અન્ય 12 સશસ્ત્ર દળોના જવાનોને લઈને Mi-17 V5 વિમાને તમિલનાડુના કોઈમ્બતુરમાં સુલુર એરફોર્સથી ડિફેન્સ સ્ટાફ સર્વિસ કોલેજ, વેલિંગ્ટન માટે ઉડાન ભરી હતી, પરંતુ તેની થોડી મિનિટોમાં જ પહાડીઓમાં અકસ્માત થયો હતો અને હેલિકોપ્ટર તૂટી પડ્યું હતું.
આ દુર્ઘટનામાં CDS જનરલ રાવત, તેમના પત્ની અને અન્ય 11 લોકોના મોત થયા હતા. શૌર્ય ચક્રથી સન્માનિત ગ્રૂપ કેપ્ટન વરુણ સિંહ હેલિકોપ્ટર દુર્ઘટનામાં એકમાત્ર બચી ગયા હતા, પરંતુ એક અઠવાડિયા પછી સારવાર દરમિયાન તેમનું પણ મૃત્યુ થયું હતું. ગ્રૂપ કેપ્ટન સિંહને વેલિંગ્ટનથી તમિલનાડુના કુન્નુર સુધી એરલિફ્ટ કરવામાં આવ્યા હતા અને ગંભીર રીતે દાઝી ગયેલી હાલતમાં સારવાર માટે બેંગલુરુની લશ્કરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને લાઈફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા હતા.
Also Read – પુતિન યુક્રેન સાથે સમજૂતી માટે તૈયાર! ટ્રંપ સાથે ફોન પર…
આ અકસ્માતમાં માર્યા ગયેલા અન્ય લોકોમાં સીડીએસ રાવતના પત્ની મધુલિકા રાજે સિંહ રાવત, તેમના સંરક્ષણ સહાયક બ્રિગેડિયર એલએસ લીડર, લેફ્ટનન્ટ કર્નલ હરજિંદર સિંહ, Mi-17V5 પાયલોટ વિંગ કમાન્ડર પૃથ્વી સિંહ ચૌહાણ, કો-પાયલટ સ્ક્વોડ્રન લીડર કુલદીપ સિંહ, જુનિયર વોરંટ ઓફિસર રાણા પ્રતાપ, જુનિયર વોરંટ ઓફિસર અરક્કલ પ્રદીપ, હવાલદાર સતપાલ રાય, નાઈક ગુરસેવક સિંહ, નાઈક જિતેન્દ્ર કુમાર, લાન્સ નાઈક વિવેક કુમાર અને લાન્સ નાઈક બી સાઈ તેજા વગેરેનો સમાવેશ થાય છે.