હાજીપુર : બિહારના હાજીપુરમાં એક મોટી દુર્ઘટના સામે આવી છે. કાવડિયાઓને લઈ જઈ રહેલી ડીજે ટ્રોલીને વીજ કરંટ લાગ્યો હતો. જેમાં 9 કાવડિયાના મોત થયા હતા. વીજ કરંટ લાગવાથી છ લોકો દાઝી ગયા હતા. વહીવટીતંત્રએ તમામને સદર હોસ્પિટલમાં દાખલ કર્યા છે. કાવડિયા હાજીપુરના સુલતાનપુર ગામના રહેવાસી છે. સોમવારે સવારે બધા બાબા હરિહરનાથ મંદિરમાં જલાભિષેક કરવા જઈ રહ્યા હતા.
હાઈ ટેન્શન વાયરથી ટ્રોલી અથડાઈ
ઘટના વિશે પ્રાપ્ત માહિતી અનુસાર, તેઓ વૈશાલી જિલ્લાના હાજીપુર-ઈન્ડસ્ટ્રીયલ પોલીસ સ્ટેશન વિસ્તારના સુલતાનપુર ગામમાં રાત્રે 11:00 વાગ્યે ગામ છોડીને જઈ રહ્યા હતા. તે દરમિયાન 11,000 હાઇ ટેન્શન વાયરના સંપર્કમાં આવવાને કારણે આ કરૂણ અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં નવ કાવડિયાના મોત થયા હતા, જ્યારે અડધો ડઝન ગંભીર રીતે દાઝી ગયા હતા. માહિતી મળતાં જ પોલીસ પહોંચી અને તમામ ઘાયલોને હાજીપુર સદર હોસ્પિટલમાં દાખલ કર્યા.
કેવી રીતે થયો અકસ્માત?
તમામ મૃતકોની ઓળખ થઈ ગઈ છે. તમામ હાજીપુરના ઈન્ડસ્ટ્રીયલ પોલીસ સ્ટેશન વિસ્તારના સુલતાનપુર ગામના રહેવાસી છે. કાવડિયાની ટીમ ડીજે ટ્રોલી લઈને સુલતાનપુર ગામથી સોનપુર સ્થિત પહેલજા ઘાટ સુધી પહોંચી હતી. કાવડિયાઓ સોમવારે સવારે પહેલજા ઘાટ પરથી જળ લઈને બાબા હરિહરનાથ મંદિરે જલાભિષેક કરવા જઈ રહ્યા હતા. ત્યાર બાદ ગામના મંદિરમાં પૂજા અને જલાભિષેક કરવાનું આયોજન હતું. પરંતુ યાત્રા નિપર ગેટ પાસે બાબા ચૌહરમલ સ્થાને પહોંચી હતી ત્યારે ડીજે ટ્રોલી હાઇ ટેન્શન વાયર સાથે અથડાઇ હતી અને ઘણા લોકો અકસ્માતનો ભોગ બન્યા હતા.
લોકોમાં નારાજગી જોવા મળી હતી
ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છે .લોકોમાં વીજળી વિભાગ પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે. સમયસર વીજલાઈન કપાઈ ન હતી અને વહીવટી તંત્ર અને પોલીસ સમયસર પહોંચી ન હતી. જેને લઈને તેઓએ નારાજગી વ્યક્ત કરી છે.