પાકિસ્તાનની ટીમને આંચકો, ચીફ સિલેક્ટરે લીધો સૌથી મોટો નિર્ણય
ઈસ્લામાબાદઃ વન-ડે વર્લ્ડ કપમાં અપેક્ષા પ્રમાણે રમી નહીં શકનારી પાકિસ્તાનની ટીમ અગાઉથી વિવાદમાં રહી છે, જેમાં આજે સુકાની બાબર આઝમની વોટસએપ ચેટ લીક થવાના અહેવાલ વચ્ચે પાકિસ્તાનની ટીમના કંગાળ પ્રદર્શનને કારણે ટીમના ચીફ સિલેક્ટર ઈન્ઝમામ ઉલ હકે રાજીનામું આપ્યું છે. આ રાજીનામું પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)ના ચીફ જકા અશરફને મોકલી પણ આપ્યું છે.
ભારતના ઘરઆંગણે રમાઈ રહેલા વન-ડે વર્લ્ડ કપની વચ્ચે પાકિસ્તાનમાંથી સૌથી મોટા સમાચાર જાણવા મળ્યા છે, જેમાં પાકિસ્તાન ક્રિકેટ ટીમના ચીફ સિલેક્ટર ઈન્ઝમામ ઉલ હકે પોતાના હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે. હકે તેનું રાજીનામું પાકિસ્તાન કિક્રેટ બોર્ડને મોકલી આપ્યું છે.
53 વર્ષના હકે હારુન રશીદે છોડેલા હોદ્દા પછી આ વર્ષે ઓગસ્ટ મહિનામાં પીસીબીના ચીફ સિલેક્ટર બન્યા હતા. ત્રણ મહિનાથી ઓછા સમયગાળામાં કામ કર્યા પછી એકાએક રાજીનામું આપીને પાકિસ્તાન ક્રિકેટ જગતને આંચકો આપ્યો છે.
આ અગાઉ 2016-19 દરમિયાન ચીફ સિલેક્ટરના પદે પણ હોદ્દો સંભાળ્યો હતો. ચીફ સિલેક્ટર બન્યા પછી 2017ની આઈસીસી ચેમ્પિયન ટ્રોફી જીતી હતી. પીસીબીએ પાંચ સબ્યની ફેક્ટ ફાઈન્ડિંગ કમિટીનું ગઠન કર્યું હતું, જે ટીમ સિલેક્શન પ્રોસેસના સંબંધિત મીડિયામાંથી આવેલા આરોપોની તપાસ કરશે. આ કમિટીએ પોતાનો રિપોર્ટની સાથે અન્ય ભલામણ તુરંત પીસીબી મેનેજમેન્ટને સોંપશે.
તમારી જાણ ખાતર જણાવી દઈએ કે પાકિસ્તાનના જાણીતા બેટરની યાદીમાં ઈઝંમામ ઉલ હકનું નામ લેવાય છે, જેના નામે પાકિસ્તાનવતીથી સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ છે. 375 વન-ડે મેચમાં પાકિસ્તાનવતીથી 11,701 રન બનાવ્યા છે, જ્યારે વન-ડે ઈન્ટરનેશનલમાં ઈંઝમામે 10 સદી અને 83 હાફ સેન્ચુરી કરી છે.