
નવી દિલ્હી: લોકસભાની ચૂંટણીની તારીખની જાહેરાત પહેલાં કેન્દ્ર સરકારે ઇંધણના ભાવ ઘટાડીને સૌને ચોંકાવ્યા છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરીને વાહનચાલકોને રાહત આપી છે. ઇંધણના ભાવ ઘટાડયા છે, જે 15મી માર્ચે સવારથી અમલી બનશે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
પેટ્રોલના લીટર દીઠ બે રૂપિયા અને ડીઝલમાં પણ બે રૂપિયાનો ઘટાડો કર્યો છે, જે આવતીકાલ સવારે 6 વાગ્યાથી નવો ભાવ અમલી બનશે. ભાવ ઘટાડતા વાહનચાલકોને રાહત થઈ શકે છે, પણ આ ઘટાડો ચૂંટણીલક્ષી છે, એવો રાજકીય પક્ષોએ દાવો કર્યો હતો.
ભાવમાં ઘટાડો કર્યા પછી પાટનગર દિલ્હીમાં પેટ્રોલ 94.72 રૂપિયા પ્રતિ લિટર અને એક લિટર ડીઝલ 87.62 રૂપિયામાં મળશે. મુંબઈમાં પેટ્રોલ 104.21 રૂપિયા અને ડીઝલ 92.15 રૂપિયા પ્રતિ લિટરના ભાવે મળશે.
ઇંધણના ભાવમાં ઘટાડા મુદ્દે કેન્દ્રીય પ્રધાન હરદીપ સિંહ પુરીએ ટ્વીટ કરીને પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કર્યો હોવાની એક્સ પર જાહેરાત કરી હતી.
વિશ્વ મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે અને વિકસિત અને વિકાસશીલ દેશોમાં પણ ઇંધણના ભાવમાં 50થી 72 ટકાનો વધારો થયો છે, જ્યારે પડોશી દેશમાં પણ પેટ્રોલ મળવાનું બંધ થયું છે. પચાસ વર્ષના સૌથી મોટા તેલ સંકટનું નિર્માણ થયું હોવા છતાં પીએમ મોદીએ દેશવાસીઓ પર એની અસર વર્તાવા દીધી નથી, એમ તેમણે જણાવ્યું હતું.