ન્યૂયોર્કમાં BAPS મંદિરમાં તોડફોડ, ભારતીય કોન્સ્યુલેટે કડક કાર્યવાહીની માંગ કરી... | મુંબઈ સમાચાર
ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

ન્યૂયોર્કમાં BAPS મંદિરમાં તોડફોડ, ભારતીય કોન્સ્યુલેટે કડક કાર્યવાહીની માંગ કરી…

ન્યુયોર્ક: યુસએસના ન્યૂયોર્કના મેલવિલેમાં આવેલા BAPS સ્વામિનારાયણ મંદિર(Melville BAPS Temple)માં તોડફોડની ઘટના બની હતી. ભારતીય કોન્સ્યુલેટે (Indian consulate in New York) મંદિરમાં તોડફોડ અંગે પ્રતિક્રિયા આપી છે, ભારતીય કોન્સ્યુલેટે આ ઘટનાને “અસ્વીકાર્ય” ગણાવી હતી. ગુનેગારો સામે ત્વરિત કાર્યવાહી શરૂ કરવા માટે કોન્સ્યુલેટે યુએસના અધિકારીઓ સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો હતો.

કોન્સ્યુલેટે સોશિયલ પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં લખ્યું કે, “ન્યૂયોર્કના મેલવિલના BAPS સ્વામિનારાયણ મંદિરમાં થયેલી તોડફોડ અસ્વીકાર્ય છે; કોન્સ્યુલેટ @IndiainNewYork સમુદાયના સંપર્કમાં છે અને આ ઘૃણાસ્પદ કૃત્યના ગુનેગારો સામે ત્વરિત કાર્યવાહી માટે અમેરિકી અધિકારીઓ સાથે મામલો ઉઠાવ્યો છે.”

મેલવિલે નાસાઉ વેટરન્સ મેમોરિયલ કોલિઝિયમથી લગભગ 28 કિમી દૂર છે, અહીં વડા પ્રધાન નરેન્દ્ર મોદી 22 સપ્ટેમ્બરના રોજ ભારતીય સમુદાયના કાર્યક્રમને સંબોધવાના છે.

હિંદુ અમેરિકન ફાઉન્ડેશને યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટને આ કૃત્યની તપાસ કરવા અરજી કરી કરી હતી. હિંદુ અમેરિકન ફાઉન્ડેશને જણાવ્યું હતું કે આગામી સપ્તાહના અંતમાં નજીકના નાસાઉ કાઉન્ટીમાં એક વિશાળ ભારતીય સમુદાયના મેળાવડાનું આયોજન કરવામાં આવ્યું છે, એ પહેલા આ ઘટના બની છે. આ ઘટના કેલિફોર્નિયા અને કેનેડાના હિંદુ મંદિરો પર તાજેતરમાં થયેલા હુમલા જેવી જ છે.

હિન્દુ અમેરિકન ફાઉન્ડેશન X પર લખ્યું કે ‘સિખ્સ ફોર જસ્ટિસના ગુરપતવંત પન્નુનએ તાજેતરમાં જ HAF સહિતની હિંદુ અને ભારતીય સંસ્થાઓને ધમકી આપતો વિડિયો પોસ્ટ કર્યો હતો. આ તોડફોડની ઘટના ન્યૂ યોર્ક, કેલિફોર્નિયા અને કેનેડામાં હિંદુ મંદિરો પર થયેલા હુમલાઓ જેવી જ છે.’

હિંદુ અમેરિકન ફાઉન્ડેશનના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર સુહાગ શુક્લાએ આ કૃત્યને “કાયરતા પૂર્ણ” ગણાવ્યું હતું, તેમણે જણવ્યું કે આ ઘટનાનો ઉદ્દેશ્ય “ચુંટાયેલા નેતા પ્રત્યે દ્વેષ ફેલાવવાનો” હતો.

BAPS સ્વામિનારાયણ સંસ્થા એ એક પ્રેસ રિલીઝમાં જણાવ્યું હતું કે, “આ કૃત્યોની સખત નિંદા કરીએ છીએ” અને “તમામ સમુદાયો વચ્ચે શાંતિ માટે પ્રાર્થના કરીએ છીએ”.

અગાઉ જુલાઈ મહિનામાં કેનેડાના એડમોન્ટનમાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ કરવામાં આવી હતી.

Back to top button