આમચી મુંબઈટોપ ન્યૂઝમહારાષ્ટ્ર

બાળાસાહેબનું સપનું વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પૂરું કર્યું: એકનાથ શિંદે

શિવસેનાને તૂટતી રોકવા માટે પાંચ વખત પ્રયાસ કર્યા હોવાનો દાવો કર્યો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ રવિવારે કહ્યું હતું કે બાળાસાહેબનું સપનું વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પૂરું કર્યું છે. શિવસેના તૂટે નહીં તે માટે પાંચ વખત પ્રયાસો કર્યા હોવાનો દાવો કરતાં તેમણે કહ્યું હતું કે ઉદ્ધવ ઠાકરેએ રાજ ઠાકરેને ઘરની બહાર ફેંકી દીધા હતા અને બાળ ઠાકરેને તેમના અંતિમ દિવસોમાં ભારે ત્રાસ આપવામાં આવતો હતો.


તેમણે એક ન્યૂઝ ચેનલને જણાવ્યું હતું કે બાળાસાહેબના વિચારોને સન્માન આપવા બદલ હું વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માનું છું. ખુરશી માટે બાળાસાહેબના સિદ્ધાંતો અને મૂલ્યોનો ત્યાગ કરનારાઓ સાથે મતભેદ હતા. તેમના પુત્રે જ ખુરશી માટે તેમની વિચારધારાનો ત્યાગ કર્યો હતો. બાળ ઠાકરેની વિચારધારાનો વારસો અમે જાળવી રાખ્યો છે. ધનુષ્યબાણ અને અમારી સાથેના બધા કાર્યકરો જ અસલી શિવસેના છે. ઉદ્ધવ ઠાકરેની વિચારધારા અત્યંત સંકુચિત છે. ઉદ્ધવ ઠાકરે બાળ ઠાકરેની સંપત્તિના વારસદાર છે, તેમના વિચારોના વારસદાર અમે છીએ, એમ એકનાથ શિંદેએ કહ્યું હતું.


એકનાથ શિંદેેએ કહ્યું હતું કે વ્યક્તિગત રીતે ઉદ્ધવ ઠાકરેની મદદ કરવાની વાત વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મહાનતા દર્શાવે છે. બાળાસાહેબ પ્રત્યેના પ્રેમને કારણે તેમણે આવી તૈયારી દાખવી છે. અમને બાળાસાહેબની સંપત્તિ જોઈતી નથી, તેમની વિચારધારા અમારી છે. દેશભક્ત મોદીને ગાળો આપવાની પ્રવૃત્તિ ખરાબ છે. દેશભક્ત મોદીને ગાળો આપવી એ દેશને ગાળો આપવા સમાન છે. હાથી બજારમાં ચાલ્યો જાય છે.. આગળનું હું નહીં બોલું એમ તેમણે કટાક્ષ કર્યો હતો.


પહેલાં દુશ્મનોએ સૈનિકોનાં ગળા કાપ્યા હતા. આજે તેમની હિંમત નથી કે આવું કરી શકે. જેટલી વધારે મોદીજીને ગાળો આપશો એટલી જ જનતા તેમને વધારે આશીર્વાદ આપશે. મોદીજીનો આ પ્રભાવ છે કે આજે ભારત બોલે છે અને આખી દુનિયા સાંભળે છે.


તેમણે કહ્યું હતું કે હું ઈમાનદારીથી કહું છું કે મેં પાંચ વખત શિવસેના તૂટતી રોકવા માટે પ્રયાસો કર્યા હતા. ઉદ્ધવ ઠાકરેની લડાઈ ફક્ત ખુરશી માટે હતી. તેમની ઈચ્છા પાંચ વર્ષ માટે ખુરશી પર રહેવાની હતી.


બાળ ઠાકરેનું સપનું નરેન્દ્ર મોદીએ પૂરું કર્યું છે. એક શિવસૈનિકને મુખ્ય પ્રધાન બનાવ્યો છે. મને ન બનાવ્યો હોત તો અન્ય શિવસૈનિકને બનાવી દેત. બાળ ઠાકરેને અસલી શ્રદ્ધાંજલિ વડા પ્રધાન મોદીએ આપી છે. ઉદ્ધવે શિવસૈનિકોના રૂ. 50 કરોડ હડપ કરી નાખ્યા છે. ઉદ્ધવ ઘણા ઈનસિક્યોર વ્યક્તિ છે. ઉલટા ચોર કોતવાલકો ડાંટે કહેવત તેમના પર લાગુ પડે છે. તેમની વહુને ઘરમાંથી કાઢી મૂકી. ઉદ્ધવ ઠાકરેએ રાજ ઠાકરેને ઘરમાંથી કાઢી મૂક્યા હતા. તેઓ બાળ ઠાકરેને પણ ટોર્ચર કરતા હતા. લોકોને ઈમોશનલ કાર્ડ સાથે નહીં, વિકાસ સાથે લેવાદેવા છે.


ઉદ્ધવ ઠાકરેના કાર્યકાળમાં હનુમાન ચાલીસાનું પઠન કરનારાને જેલમાં મોકલવામાં આવ્યા. કંગના રણૌતનું ઘર તોડી પાડવામાં આવ્યું. પત્રકારોને જેલમાં નાખી દેવામાં આવ્યા. મેં આવીને બધા જ ષડયંત્રો પર ફૂલ સ્ટોપ લગાવી દીધું હતું.


તેમણે એવો વિશ્ર્વાસ વ્યક્ત કર્યો હતો કે એનડીએ દેશમાં 400 બેઠકો જીતશે અને તેમાં મહારાષ્ટ્રનું યોગદાન નોંધનીય હશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button