બાબા સિદ્દીકીના મૃત્યુથી મહારાષ્ટ્રની ચૂંટણી પર શું અસર પડશે? આ વિસ્તારમાં ધરાવે છે પ્રભુત્વ
મુંબઈ: શનિવારે રાત્રે મુંબઈના બાંદ્ર ઇસ્ટમાં એનસીપી (અજીત પાવર જૂથ) નેતા બાબા સિદ્દીકી(Baba Siddique) ની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી, જેને કારણે મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. બાબા સિદ્દીકી ત્રણ વખત વિધાનસભ્ય રહી ચૂક્યા છે અને અગાઉની કોંગ્રેસ સરકારમાં પ્રધાન પદ પર પણ રહી ચૂક્યા છે. તેમણે તેમનું આખું જીવન કોંગ્રેસમાં વિતાવ્યું પરંતુ લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ છોડીને NCP (અજિત પવાર જૂથ)માં જોડાયા હતાં. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા તેમની હત્યા થતાં રાજકારણમાં ગંભીર અસર પડી શકે છે.
મહારાષ્ટ્રમાં આવતા 2 મહિનામાં વિધાનસભાની ચૂંટણી યોજાવની છે. મુંબઈ શહેરના રાજકારણમાં બાબા સિદ્દીકીની મજબૂત પકડ છે, બાબા સિદ્દીકીની મુસ્લિમ પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાં સારી પકડ છે. બાબા સિદ્દીકી બોલિવૂડ પર પણ પ્રભુત્વ ધરાવે છે. તેમની ઈફ્તાર પાર્ટીઓ જાણીતી છે, જેમાં મોટાભાગના બોલિવૂડ સ્ટાર હાજરી આપે છે.
બાબા સિદ્દીકીનો જન્મ બિહારના ગોપાલગંજ જિલ્લામાં થયો હતો પરંતુ તેમને ઓળખ મુંબઈથી જ મળી હતી. બાબા સિદ્દીકીએ પોતાની રાજકીય કારકિર્દી 1977માં કોંગ્રેસમાંથી વિદ્યાર્થી નેતા તરીકે શરૂ કરી હતી. તેઓ કોર્પોરેટર તરીકે ચૂંટાયા હતા. આ પછી તેઓ 1999, 2004 અને 2009માં સતત ત્રણ વખત વિધાનસભ્ય તરીકે ચૂંટાયા હતા. તેમને 2004માં પ્રધાન પદ આપવામાં આવ્યું.
બાબા સિદ્દીકી 48 વર્ષ સુધી કોંગ્રેસમાં રહ્યા અને તેઓ આ વર્ષે જ અજિત પવારની NCPમાં જોડાયા હતા. બાબા સિદ્દીકીના પુત્ર જીશાન સિદ્દીકી બાંદ્રા પૂર્વના વિધાનસભ્ય છે. તેઓ કોંગ્રેસની ટિકિટ પર વિધાનસભ્ય તરીકે ચૂંટાયા હતા. પરંતુ જ્યારે બાબા ફેબ્રુઆરી 2024માં એનસીપીમાં જોડાયા ત્યારે કોંગ્રેસે ઓગસ્ટ 2024માં જીશાન સિદ્દીકીને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા હતા.
મુંબઈમાં મોટી સંખ્યામાં ઉત્તર ભારતીયો રહે છે. યુપી અને બિહારથી આવેલા મુસ્લિમો મોટી સંખ્યામાં બાંદ્રા અને આસપાસના વિસ્તારોમાં રહે છે. ઉત્તર ભારતીય મુસ્લિમોમાં બાબા સિદ્દીકીની લોકચાહના વધુ છે.
2019ની વિધાનસભા ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં 10 મુસ્લિમ વિધાનસભ્યો જીત્યા હતા, જેમાંથી 6 વિધાનસભ્યો મુંબઈ વિસ્તારમાંથી જ છે. રિપોર્ટ્સ અનુસાર, ઉત્તર ભારતીય મુસ્લિમોની વસ્તી મુંબઈમાં કુલ મુસ્લિમોના લગભગ 70 ટકા છે. માનખુર્દ શિવાજી નગર વિધાનસભા બેઠક, બાંદ્રા પશ્ચિમ વિધાનસભા બેઠક, મુંબઈની અનુશક્તિ નગર વિધાનસભા બેઠક મુસ્લિમ પ્રભુત્વવાળી બેઠકો છે અને ઉત્તર ભારતીય મુસ્લિમ નેતાઓનું વર્ચસ્વ છે. અનુશક્તિ નગર સીટના વિધાનસભ્ય નવાબ મલિક છે, જેઓ ઉત્તર પ્રદેશથી આવે છે. જ્યારે માનખુર્દ શિવાજી નગર સીટના વિધાનસભ્ય અબુ આસીમ આઝમી છે, જેઓ સમાજવાદી પાર્ટીની ટિકિટ પર ચૂંટણી લડે છે.