
હૈદરાબાદ: તેલંગણામાં થયેલી ઉથલપાથલ રાજકીય દૃષ્ટિએ ઘણી મહત્વની છે. અહીં કૉંગ્રેસ જે રીતે વિજયી થઈ છે તે દક્ષિણી પટ્ટામાં મહત્વનું સાબિત થઈ જશે. દેશનું સૂકાન સંભાળવાના સપના જોતા કેસીઓના પક્ષ બીઆરએસની હાર લગભગ નક્કી છે ત્યારે તેમના સાથે બીજા એક પક્ષનું સપનું પણ રોળાયું છે અને તે છે અસદુદ્દીન ઔવેસી. જો કેસીઆર બહુમતી સ્થાપિત કરવામાં ટૂંકા પડેત તો ઔવેસીને સત્તામાં ભાગીદારી મળવાની સંભાવના ઉભી થાત, પરંતુ આમ કંઈ થયું નથી.
અત્યાર સુધીના ટ્રેન્ડ પર નજર કરીએ તો તેલંગાણામાં કોંગ્રેસ સરકાર બનાવવા જઈ રહી છે. અહીં ભાજપનો તસવીરમાં જ નથી. ભાજપ માત્ર આઠ બેઠકો પર આગળ છે, પરંતુ આ ત્રણ મોટા પક્ષો સિવાય તેલંગાણામાં અન્ય એક પરિબળ છે. અને તે છે – ઓવૈસી પરિબળ. હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીની ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM) એ નવ બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા હતા. MIM જે નવ બેઠકો પર ચૂંટણી લડી રહી છે તેમાંથી સાત હૈદરાબાદમાં છે. ઓવૈસી હૈદરાબાદના સાંસદ છે. MIM એ ચારમિનાર, બહાદુરપુરા, મલકપેટ, ચંદ્રયાનગુટ્ટા, નામપલ્લી, યાકુતપુરા, કારવાં, રાજેન્દ્ર નગર અને જ્યુબિલી હિલ્સમાં ઉમેદવારો ઉભા રાખ્યા હતા. આ નવમાંથી છ સીટો પર પાર્ટી આગળ ચાલી રહી છે.
અહેમદ બિન અબ્દુલ્લા બલાલા મલકપેટથી, મીર ઝુલ્ફીકાર અલી ચારમિનારથી, અકબરુદ્દીન ઓવૈસી ચંદ્રયાંગુટ્ટાથી અને મોહમ્મદ મુબીન બહાદુરપુરાથી આગળ છે. અસદુદ્દીન ઓવૈસીના ભાઈ અકબરુદ્દીન લગભગ 10 હજાર મતોથી આગળ છે. 2018માં પણ તેણે મોટી જીત હાંસલ કરી હતી. ત્યારબાદ તેમને 60 ટકા વોટ મળ્યા હતા.
ઓવૈસીની પાર્ટી તેલંગાણામાં કિંગમેકર બનવા માગતી હતી. ચૂંટણી પરિણામો પહેલા જ એવું કહેવામાં આવી રહ્યું હતું કે જો કેસીઆરની બીઆરએસ બહુમતીથી ઓછી પડે છે તો ઓવૈસીની પાર્ટી તેમને સમર્થન આપી શકે છે. જો કે ઓવૈસી કોંગ્રેસ સાથે જવાની શક્યતાઓ ઘણી ઓછી છે ત્યારે હવે લગભગ તેમણે વિરોધપક્ષમાં બેસીને જ સંતોષ માનવો પડશે.