વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે રાષ્ટ્રને સંબોધિત કર્યું હતું અને ઐતિહાસિક લાલ કિલ્લા પરથી 78માં સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં દેશનું નેતૃત્વ કરતી વખતે ભારતમાં મહિલાઓની સુરક્ષા અને મહિલાઓ સામે વધતા ગુનાઓ વિશે વાત કરી હતી. કોઈ ચોક્કસ કેસનું નામ લીધા વિના મહિલાઓ વિરુદ્ધ વધી રહેલા અપરાધો પર ચિંતા વ્યક્ત કરતા પીએમ મોદીએ કહ્યું કે આપણે ગંભીરતાથી વિચારવું પડશે. આપણી માતાઓ, બહેનો અને પુત્રીઓ પર થઈ રહેલા અત્યાચારને લઈને સામાન્ય લોકોમાં રોષ છે. દેશ, સમાજ, આપણી રાજ્ય સરકારોએ આને ગંભીરતાથી લેવું પડશે. મહિલાઓ વિરૂદ્ધના ગુનાઓની વહેલી તકે તપાસ થવી જોઈએ. રાક્ષસી કૃત્ય કરનારાઓને વહેલી તકે કડકમાં કડક સજા મળવી જોઈએ. આ માટે સમાજમાં આત્મવિશ્વાસ જગાવવો જરૂરી છે.
પીએમ મોદીના સંબોધન બાદ એક વાત તો હકીકત છે કે દેશમાં મહિલા સ્વતંત્રતા સૌથી મોટો મુદ્દો બની ગયો છે. કોલકાતામાં ડોક્ટર પર બળાત્કારની ઘટના બાદ દેશભરમાં મહિલાઓની સુરક્ષા અને સ્વતંત્રતા પર ચર્ચા ચાલી રહી છે. લેડીડૉક્ટર પર કાર્યસ્થળે થયેલા રેપ અને મર્ડર બાદ લાગે છે કે મહિલાઓ કામના સ્થળે પણ સુરક્ષિત નથી. સોશિયલ મીડિયા પર પણ આ અંગે ઘણો આક્રોશ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે, પણ આ માટે જવાબદાર આપણે જ છીએ. આ માટે ઘરનું વાતાવરણ પણ કારણભૂત છે. ઘરનું વાતાવરણ પણ બાળકને મોટા થતાં જ મહિલાઓ વિરુદ્ધ અપરાધ કરવા માટે ઉશ્કેરે છે. ટીવી પર જોવા મળતી વેબસિરિઝો અને અશ્લીલતા પણ બળતામાં ઘી હોમવાનું કામ કરે છે.
આ પણ વાંચો : મેડીકલ અભ્યાસ માટે લાલ કિલ્લા પરથી PM મોદીની મોટી જાહેરાત, આટલા હજાર બેઠકો વધશે
આ અંગે સમાજના કેટલાક જાણીતા લોકોના વિચારો જાણીએ.
પીપલ્સ રાઈટર્સ એસોસિએશનની સેન્ટ્રલ કાઉન્સિલના સભ્ય અને વરિષ્ઠ પત્રકાર સમીના ખાન જણાવે છે કે અહીં મુદ્દો માનસિકતાનો છે. આ અંગે ફોડ પાડતા તેઓ કહે છે કે હાલમાં કોલકાતામાં લેડી ડૉક્ટરની હત્યા થઇ, તેના વિરોધમાં મેડિકલ ફિલ્ડના લોકો ઉતરશે, પણ એન્જિનિયરિંગ ફિલ્ડના લોકો નહીં ઉતરે. આ ઘટનાના વિરોધમાં દર્દનાક ઘટના સાથે વકીલો, ઈજનેરો અને સામાન્ય લોકો આગળ નહીં આવે.
મહિલા સશક્તિકરણ માટે કામ કરતી પ્રીતિ થાપલિયાલ જણાવે છે કે આપણો સમાજ હજુ પણ પુરૂષ પ્રધાન સમાજ છે અને મહિલાઓને ઉપભોગની વસ્તુ જ ગણવામાં આવે છે. મહિલાઓ ઘરમાં હિંસાનો ભોગ બને છે. તેમની પાસે આર્થિક સ્વતંત્રતા નથી હોતી. મહિલાઓ પર થતી હિંસા રોકવા માટે નવી પેઢી સાથે શરૂઆતથી જ લિંગ ભેદભાવ પર કામ કરવું જરૂરી છે. આ ઉપરાંત પોર્ન વીડિયો જોવાથી પણ લોકોમાં વિકૃતિ આવે છે. એના પર સખત પ્રતિબંધ મૂકવો જરૂરી છે.
30 વર્ષથી શિક્ષણ ક્ષેત્રે સક્રિય ઉષા છાબરા જણાવે છે કે પુરુષો ઘરની સ્ત્રીઓ પર હાથ ઉપાડે છે, જે જોઇને ઘરના બાળકો વિચારે છે કે છોકરીઓ તેમના કરતા નબળી છે, છોકરીઓ વિચારે છે કે આમ માર ખાવો એ પરંપરા છે.
2012માં થયેલા નિર્ભયા કેસ બાદ પણ હકીકત જેમની તેમ છે, એમ જણાવતા કવિયત્રી શુભ્રા ઠાકુર જાહેરાતોમાં ણહિલાઓને એક પ્રોડક્ટ તરીકે દર્શાવવાનો વિરોધ કરતા લોકોની માનસિકતા સુધારવા પર કામ કરવાની જરૂરિયાત પર ભાર મૂકે છે.