સીએમ હાઉસ તરફ જતા રસ્તાઓ બંધ નવી દિલ્હી: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED) દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની આજે ધરપકડ કરે તેવી શક્યતા છે.
દિલ્હી એક્સાઇઝ પોલિસી કૌભાંડ કેસમાં પૂછપરછ માટે હાજર થવાની EDની ત્રીજી નોટીસની પણ અરવિંદ કેજરીવાલે અવગણના કરી હતી, ગઈ કાલે બુધવારે તેઓ હાજર થયા ન હતા. ત્યાર બાદ હવે આમ આદમી પાર્ટીના નેતાઓ દાવો કરે છે કે EDની ટીમ આજે સીએમ કેજરીવાલની ધરપકડ કરી શકે છે.
AAP સૂત્રોના જણાવ્યા અનુસાર પોલીસે દિલ્હીના સીએમના નિવાસસ્થાન તરફ જતા બંને રસ્તાઓ બંધ કરી દીધા છે. મુખ્ય પ્રધાન આવાસના સ્ટાફને પણ ત્યાં જતા રોકવામાં આવી રહ્યા છે.દરમિયાન, આમ આદમી પાર્ટીના નેતાઓએ દાવો કર્યો છે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ આજે અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી શકે છે. પાર્ટીના નેતાઓએ અંગે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને આ દાવો કર્યો છે.AAP નેતાઓએ સ્પષ્ટ કર્યું છે કે જો ED કેજરીવાલના ઘરે પહોંચશે તો વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.
AAPના નેતાઓ પણ પાર્ટી કાર્યાલય પહોંચવા લાગ્યા છે. બીજી તરફ EDની નોટિસ પર તપાસ એજન્સી સમક્ષ હાજર ન થવા પર ભાજપે કેજરીવાલ પર સવાલો ઉઠાવ્યા છે. બીજેપીના દિલ્હી યુનિટના ચીફ વીરેન્દ્ર સચદેવાએ કહ્યું કે ED સમક્ષ હાજર ન થઈને કેજરીવાલ બતાવી રહ્યા છે કે તેમને દેશની વહીવટી અને ન્યાયિક વ્યવસ્થામાં કોઈ વિશ્વાસ નથી.