ભાજપમાં જોડાવાની અટકળો અંગે અર્જુન મોઢવાડિયાએ કર્યો મોટો ખુલાસો

અમદાવાદ: જેમ જેમ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતમાં પક્ષપલટાનો માહોલ જામતો જાય છે. થોડા સમય પહેલા જ ગુજરાત કોંગ્રેસના વિજાપુરના ધારાસભ્ય સી.જે. ચાવડાએ રાજીનામું આપી દીધું હતું. તેની પહેલા આમ આદમી પાર્ટી (આપ)ના ધારાસભ્યોએ કેસરિયો ખેસ ધારણ કરી લીધો હતો, એવામાં કોંગ્રેસમાંથી પણ અમુક ધારાસભ્યોના રાજીનામા પડવાની અટકળો વહેતી થઇ છે.
પોરબંદરથી કોંગ્રેસ ધારાસભ્ય અને ભૂતપૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયા ભાજપમાં જોડાય તેવા પ્રબળ શક્યતા અમુક રાજકીય સૂત્રોએ વ્યક્ત કરી હતી, જો કે વાત આગળ વધે તે પહેલા અર્જુન મોઢવાડિયાએ પોતે જ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મુકી અફવાઓનો કોલાહલ શાંત પાડી દીધો છે.
અર્જુન મોઢવાડિયાએ સોશિયલ મીડિયા સાઇટ X પર પોસ્ટ મુકીને ખુલાસો આપ્યો હતો કે, “મારા કોઇપણ ખુલાસા વિના વિવિધ મીડિયા ચેનલો દ્વારા મારી ભાજપમાં જોડાવાની વાતો થઇ રહી છે. જેનો કોઇ આધાર નથી. હું કોંગ્રેસમાં છું અને પક્ષનો ચૂંટાયેલ ધારાસભ્ય છું.”
મારા કોઈ પણ ખુલાસા વિના વિવિધ મીડિયા ચેનલો દ્વારા મારી ભાજપમાં જોડાઈ રહ્યાની વાતો થઈ રહી છે, જેનો કોઈ આધાર નથી.
— Arjun Modhwadia (@arjunmodhwadia) January 24, 2024
હું કોંગ્રેસ માં છું અને પક્ષનો ચૂંટાયેલ ધારાસભ્ય છું.
ઉલ્લેખનીય છે કે ભાજપમાં હાલ ભરતીમેળો ચાલી રહ્યો છે અને આજે જ હિંમતનગર વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર રહી ચુકેલા કોંગ્રેસ નેતા વિપુલ પટેલ તેમના સમર્થકો સાથે ભાજપમાં જોડાઇ ચુક્યા છે.
તેમની સાથે અરવલ્લીના મેઘરજ જિલ્લા પંચાયતના સભ્ય જતીન પંડ્યા અને મહિલા મોરચા પ્રમુખ રૂપલબેન પંડ્યા અને મહુધાના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રજિતસિંહ ઠાકોરે પણ કેસરિયા કર્યા છે. આ સાથે જ સ્થાનિક સ્તરે કોંગ્રેસ અને આપના ઘણા કાર્યકર્તાઓ, પંચાયત પ્રમુખો, હોદ્દેદારો અને વિવિધ સમાજના આગેવાનો ભાજપમાં જોડાયા હતા.