
ભારતીય મસાલાઓની ચર્ચા તો દુનિયાભરમાં થતી હોય છે, પણ હાલમાં કંઇક ખોટા જ કારણસર ભારતીય મસાલાઓ ચર્ચામાં આવ્યા છે. ભારતીય મસાલાઓમાં કેન્સર પેદા કરતા કેમિકલ્સ મળી આવ્યા બાદ સિંગાપોર અને હોંગકોંગમાં તેના ઉપયોગ અંગે ચેતવણી જારી કરવામાં આવી છે અને આ મસાલાઓને બજારમાંથી પાછા ખેંચવામાં આવ્યા છે. આવા સમયે આપણને સહેજે એવો સવાલ થાય કે શું ભારતીય ચીજો સ્વાસ્થ્યની દ્દષ્ટિએ સલામત નથી હોતા? તો કમનસીબે એનો જવાબ છે કે હા, ભારતીય ખાદ્યચીજો સ્વાસ્થ્યની દ્દષ્ટિએ સલામત નથી.
એક સમાચાર અનુસાર યુરોપિયન ફૂડ સેફ્ટી ઓથોરિટીને સપ્ટેમ્બર 2020 થી એપ્રિલ 2024 દરમિયાન ભારતમાંથી નીકળેલી 527 ખાદ્ય ચીજોમાં કેન્સર સંબંધિત રસાયણ- ઇથિલિન ઓક્સાઈડ જોવા મળ્યું છે. જે વસ્તુઓમાં ઇથિલિન ઓક્સાઈડ જોવા મળ્યું છે તેમાં ડ્રાય ફ્રૂટ્સ પ્રથમ સ્થાને છે. આ રસાયણ ડ્રાય ફ્રૂટ્સ સાથે સંબંધિત 313 વસ્તુઓમાંથી મળી આવ્યું હતું. આ પછી, આ રસાયણ જડીબુટ્ટીઓ અને મસાલા સાથે સંબંધિત 60 વસ્તુઓ, આહાર સંબંધિત 48 ખાદ્યપદાર્થો અને 34 અન્ય ખાદ્ય પદાર્થોમાં મળી આવ્યું હતું.
ઇથિલિન ઓક્સાઇડ એ એક જંતુનાશક છે જેનો ઉપયોગ કૃષિમાં જંતુઓને મારવા માટે થાય છે. આ ઉપરાંત, તે જંતુરહિત એજન્ટ તરીકે પણ કામ કરે છે. ખાદ્યપદાર્થોમાં મિશ્રણ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેનું મુખ્ય કામ તબીબી ઉપકરણોને જંતુમુક્ત કરવાનું છે. ઉપરાંત, તેનો ઉપયોગ મર્યાદિત માત્રામાં જ મસાલામાં કરી શકાય છે.
ઇથિલિન ઓક્સાઇડનું વધુ પડતું સેવન પેટ અને સ્તન કેન્સરનું જોખમ વધારે છે. જો લાંબા સમય સુધી કોઈ પણ સ્વરૂપે ઈથિલિન ઓક્સાઈડનું સેવન કરવામાં આવે તો પેટમાં ઈન્ફેક્શન, પેટનું કેન્સર અને અન્ય બીમારીઓ થવાનો ખતરો રહે છે. તે ડીએનએ, મગજ અને નર્વસ સિસ્ટમને પણ નુકસાન પહોંચાડી શકે છે. અમેરિકન નેશનલ કેન્સર ઇન્સ્ટિટ્યૂટ અનુસાર, તેના ઉપયોગથી લિમ્ફોમા અને લ્યુકેમિયા જેવા રોગો પણ થઈ શકે છે.