આપણું ગુજરાતઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

આણંદનો પરિવાર અમેરિકામાં વિખરાયો: દોહિત્રએ જ કરી નાના-નાની અને મામાની હત્યા

ન્યુજર્સી: આણંદના બાકરોલના રહેવાસી અને પોલીસ ખાતામાં નોકરી કરી નિવૃત્ત જીવન વિતાવી રહેલા દિલીપ બ્રહ્મભટ્ટ, બિંદુબેન બ્રહ્મભટ્ટ અને તેમના પુત્ર યશ બ્રહ્મભટ્ટની હત્યા દિલીપભાઈના પુત્રી રિંકુના જ પુત્ર ઓમએ કરી હોવાના અહેવાલોએ ખળભળાટ મચાવી દીધો છે.

દિલીપભાઈ અને બિંદુબેન અમેરિકાના ન્યૂજર્સીમાં રહેતા તેમના પુત્ર યશ અને દોહિત્ર ઓમ સાથે જ રહેતા હતા અને અચાનક દોહિત્ર ઓમએ પોઈન્ટ બ્લેક રેન્જથી નાના-નાની અને મામાની હત્યા કરી નાખી હતી. જોકે ઓમએ આવું કેમ કર્યું તે હજુ જાણવા મળ્યું નથી, પરંતુ અહેવાલો દ્વારા મળતી માહિતી અનુસાર ઓમ ડ્રગ્સના રવાડે ચડી ગયો હતો અને સુધાર ગૃહમાં રહેવા છતાં તેની આદત છૂટી ન હતી.


ઘટનાની મળતી માહિતી અનુસાર ઓમના માતા રિંકુના લગ્ન અમેરિકા ખાતે થયા હતા અને તેનાથી તેમને એક પુત્ર ઓમ થયો હતો. જોકે પતિ-પત્ની વચ્ચે મનદુઃખ થતાં તેમણે છૂટાછેડા લીધા હતા. રિંકુબેન આણંદ આવ્યા હતા અને સાથે ઓમ પણ અહીં રહેતો હતો. રિંકુબેનનો ભાઈ યશ પણ પહેલા કેનેડા અને પછી અમેરિકામાં સેટ થયો હતો અને તેના પણ અહીં લગ્ન થયા હતા, પરંતુ કમનસીબે તેનું લગ્નજીવન પણ વેરવિખેર થી રહ્યું હતું. આથી છેલ્લા પાંચ વર્ષથી બિંદુબેન અમેરિકા રહેતા હતા અને દિલીપભાઈ અવરજવર કરતા હતા.


દરમિયાન પોતે વતન આવ્યો ત્યારે મામા યશએ જ ભાણેજ ઓમને અમેરિકા ફરી આવવા કહ્યું હતું અને તે મામા સાથે અમેરિકા ગયો હતો. જોકે ત્યાં તે ડ્રગ્સના રવાડે ચડ્યો હોવાનું જાણવા મળે છે. અચાનક ગઈકાલે તેણે પહેલા મામા યશને ગોળી મારી, તેનો અવાજ આવતા દોડી આવેલા નાના-નાનીને પણ ગોળી મારી હતી. તેણે પોલીસ સામે આ કબૂલ્યુ હોવાના અને હેન્ડગન ઑનલાઈન ખરીદી હોવાનું પણ જણાવ્યું હતું. આ ઘટનાએ આણંદ અને બાકરોલ ગામમાં સોંપો પાડી દીધો હતો જ્યારે આખા પરિવારમાં એકલા થઈ ગયેલા રિંકુબેનને શોકમાં ડૂબાડી દીધા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button