નવી દિલ્હીઃ રાજ્યસભામાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના (Union Home Minister Amit Shah) ભાષણ બાદ વિપક્ષ સતત ડો. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરના (Dr Babasaheb Ambedkar) મુદ્દે અમિત શાહની માફીની માંગ કરી રહ્યું છે. લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ (Rahul Gandhi) કહ્યું હતું કે દેશ બંધારણના ઘડવૈયાનું અપમાન સહન નહીં કરે, ગૃહમંત્રીએ માફી માંગવી જોઈએ.
રાહુલ ગાંધીએ સંસદના પરિસરમાં વિપક્ષના વિરોધ પ્રદર્શનની તસવીરો પણ શેર કરી હતી અને આ મામલે હવે સાથી પક્ષો પણ કૂદી પડ્યા છે અને અમિત શાહ પાસે માફીની માંગ કરી રહ્યા છે. આજે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પ્રેસ કોન્ફરન્સ કરી કૉંગ્રેસને આ મુદ્દે આડેહાથ લીધી હતી અને મલ્લિકાર્જુન ખડગેને પણ સલાહ આપી હતી.
કૉંગ્રેસ તથ્યોને તોડી-મરોડીને કરે છે રજૂ
અમિત શાહે કહ્યું હતું કે સંસદમાં પક્ષ અને વિપક્ષનો દૃષ્ટિકોણ અલગ-અલગ હોય છે. સંસદમાં જ્યારે કોઈ વાતની ચર્ચા થાય ત્યારે એક વાત ગૌણ હોય છે, દરેક વાત તથ્ય અને સત્યના આધારે થવી જોઈએ. કોંગ્રેસ પાર્ટીએ ગઇકાલથી જે રીતે તથ્યોને તોડી-મરોડીને રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે તે અત્યંત નિંદનીય છે. ભાજપના પ્રવક્તાઓએ આ વિષયને ઉદાહરણો સાથે જનતા સમક્ષ મૂક્યો હતો તેથી કૉંગ્રેસ ગભરાઈ ગઈ હતી.
આ પણ વાંચો : અમિત શાહની આંબેડકર પર ટિપ્પણી સામે વિપક્ષનું વોકઆઉટ
કૉંગ્રેસે આંબેડકર અને સાવરકરનું કર્યું અપમાન
બંધારણ વિરોધી પક્ષ બાબાસાહેબ આંબેડકર વિરોધી પક્ષ છે તેવું નક્કી કરવામાં આવ્યું હતું. કૉંગ્રેસે વીર સાવરકરનું અપમાન કર્યું, ન્યાયતંત્રનું અપમાન કર્યું, સેનાના શહીદોને અપમાનિત કર્યા અને કૉંગ્રેસ પાર્ટીએ ભારતની જમીન તોડી વિદેશોને આપવાની હિંમત કરી. જ્યારે આ સંપૂર્ણ સત્યનો પર્દાફાશ થયો ત્યારે કૉંગ્રેસ પાર્ટીએ ફરીથી પોતાના શબ્દોને વિકૃત કરીને સમાજમાં ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે સંસદમાં ચર્ચા ચાલી રહી હતી, ત્યારે એ સાબિત થયું કે કૉંગ્રેસે બાબાસાહેબ આંબેડકરનો સખત વિરોધ કર્યો હતો. બાબાસાહેબની ગેરહાજરીમાં પણ કૉંગ્રેસે બાબાસાહેબને હાંસિયામાં ધકેલવાનો પ્રયાસ કર્યો હતો, એમ તેમણે જણાવ્યું હતું.
ભાજપ બાબાસાહેબનું અપમાન નથી કરતી
19 નવેમ્બર, 2015ના રોજ નરેન્દ્ર મોદીએ આંબેડકરના સન્માનમાં 26 નવેમ્બરને બંધારણ દિવસ તરીકે જાહેર કર્યો હતો. વર્ષ 2018માં પ્રધાનમંત્રી મોદીએ મહાપરિનિર્વાણ સ્થળ ખાતે ડૉ. આંબેડકર સ્મારકસ્થળનું ઉદ્ઘાટન કર્યું હતું. રાજ્યસભામાં મારા નિવેદનને તોડી-મરોડીને રજૂ કરવામાં આવ્યું હતું. જ્યારે ચૂંટણી ચાલી રહી હતી, ત્યારે મારા નિવેદનને AIનો ઉપયોગ કરીને એડિટ કરવામાં આવ્યું હતું અને સમગ્ર દેશમાં પ્રસારિત કરવામાં આવ્યું હતું. આજે આંબેડકર અંગે મારા નિવેદનોને તોડી-મરોડીને રજૂ કરવામાં આવી રહ્યા છે. મારું આખું નિવેદન જનતા સમક્ષ મૂકવું જોઈએ. હું એવી પાર્ટીમાંથી આવું છું, જે ક્યારેય બાબાસાહેબનું અપમાન કરે નહીં.
સમગ્ર દેશ બાબા સાહેબનો આભારી છેઃ અમિત શાહ
અમિત શાહે આગળ કહ્યું હતું કે સમગ્ર દેશ બાબા સાહેબનો આભારી છે. હું ફરી એકવાર કૉંગ્રેસના આ કૃત્યની નિંદા કરું છું. સંસદના બંને ગૃહોએ બંધારણ પર ચર્ચા કરી હતી. ભાજપે ચર્ચાનું સ્તર જાળવી રાખવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો અને અમે આગ્રહ કર્યો કે ચર્ચા હકીકતોના આધારે થવી જોઈએ, પરંતુ કૉંગ્રેસે તેને નકારી કાઢી હતી. અમિત શાહે કહ્યું કે મલ્લિકાર્જુન ખડગેએ રાહુલ ગાંધીના દબાણમાં આવીને કૉંગ્રેસના આ પ્રયાસનો ભાગ ન બનવું જોઈએ.