પીએમ મોદીની કલ્પનાને કારણે 140 કરોડ લોકો બન્યા આત્મનિર્ભર: અમિત શાહ
અમદાવાદ: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજે ગુજરાતના પ્રવાસે છે. ગાંધીનગરમાં લોકોને અવનવા વિકાસકાર્યોની ભેટ તથા અમદાવાદમાં પીએમ સ્વનિધિ યોજનાના લાભાર્થીઓ તથા તેમના પરિવાર સાથે મુલાકાત કરશે.
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે લોકોને સંબોધન કરતા જણાવ્યું હતું કે “પીએમ મોદીએ ‘આત્મનિર્ભર ભારત’ની કલ્પના કરી છે. આ એક મોટી કલ્પના છે. અવકાશ અને સંરક્ષણ ક્ષેત્રે ભારત આત્મનિર્ભર બની રહ્યું છે. વેપાર-ઉદ્યોગ અને ભારતના 140 કરોડ લોકો ‘આત્મનિર્ભર’ બની રહ્યા છે. પીએમ મોદી અવકાશ, વિકાસ અને સંરક્ષણ પર વધુ ધ્યાન આપે છે પરંતુ તેમણે જે કર્યું છે તે દેશના 60 કરોડ ગરીબોની જીવનશૈલીને ઉપર ઉઠાવવાનું કાર્ય કર્યું છે.” તેવું કેન્દ્રીય ગૃહપ્રધાને જણાવ્યું હતું.
રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ઉપસ્થિત લોકોને સંબોધન કરતા જણાવ્યું હતું કે “પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ દ્વારા શરૂ કરાયેલી યોજનાઓનું જ પરિણામ છે કે દેશના ગરીબો હવે આત્મનિર્ભર જીવન જીવી રહ્યા છે. પીએમ મોદીએ ઘણી લોકકલ્યાણકારી યોજનાઓ બનાવી અને એ પણ સુનિશ્ચિત કર્યું કે આ યોજનાઓ દરેક વ્યક્તિ સુધી પહોંચે, હવે લોકો સમજી રહ્યા છે કે સરકાર જ તેમની સમસ્યાઓનું નિરાકરણ કરશે.” તેવું સીએમ ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું હતુ.