કાકાની મુલાકાત બાદ અજિત પવાર અમિત શાહ અને ફડણવીસ-મોદીને મળતા રાજકારણ ગરમાયું…
દિલ્હીમાં આજે શું થશે, તેના પર મહારાષ્ટ્રના રાજકીય વર્તુળનું ધ્યાન છે. બીજી તરફ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રની રાજનીતિની ગરમીનો અનુભવ નવી દિલ્હીમાં ગુરુવારે જોવા મળ્યો હતો. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર અત્યારે દિલ્હીમાં છે. તેમની ઝડપી હિલચાલ જોવા મળી હતી. અજિત પવારે પોતાના કાકા અને અત્યારના વિરોધી શરદ પવારની મુલાકાત ગૃહ પ્રધાન અમિત શાહને મળવા પહેલાં લીધી હતી અને ફડણવીસ અમિત શાહને મળ્યા પછી વડા પ્રધાન મોદીને મળવા માટે તેમના નિવાસસ્થાને ગયા હતા. આ બધાને કારણે હવે રાજ્યના રાજકારણ પર નજર રાખી રહેલા બધા ચકરાઈ ગયા છે.
આ પણ વાંચો: મહારાષ્ટ્ર સરકારમાં મંત્રીઓની ફોર્મ્યુલા નક્કી થઇ ગઇ! ભાજપને 20 તો શિંદે, અજિત પવારને આટલા વિભાગ
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી-એસપી)ના અધ્યક્ષ શરદચંદ્ર પવારનો આજે જન્મદિવસ છે. તેમના જન્મદિવસ નિમિત્ત સાધીને નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર તેમની પત્ની સુનેત્રા પવાર સાથે શરદ પવારને તેમના દિલ્હી ખાતેના નિવાસસ્થાને મળ્યા હતા. આ મુલાકાતના કારણે રાજકીય વર્તુળોમાં ચર્ચા જાગી છે, આ મુલાકાત બાદ અનેક તર્ક-વિતર્કો થઈ રહ્યા છે. અજિત પવાર અને પાર્ટીના અન્ય વરિષ્ઠ નેતાઓ શરદ પવારને તેમના દિલ્હી ખાતેના નિવાસસ્થાને મળ્યા હતા. આ પછી અજિત પવાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળવા સંસદ પહોંચ્યા છે. સુનેત્રા પવાર, સુનીલ તટકરે પણ તેમની સાથે હતા. આ તમામ ઘટનાક્રમની પૃષ્ઠભૂમિમાં આજે દિલ્હીમાં શું થશે તેના પર મહારાષ્ટ્રના રાજકીય વર્તુળનું ધ્યાન ગયું છે.
બીજી તરફ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.
શરદ પવારને મળ્યા બાદ અજિત પવાર અમિત શાહને મળ્યા
અજિત પવાર આજે શરદ પવારને તેમના જન્મદિવસ નિમિત્તે મળ્યા હતા અને તેમને શુભેચ્છા આપી હતી, પરંતુ છેલ્લા કેટલાક મહિનામાં અને રાજ્યમાં યોજાયેલી બે ચૂંટણીમાં બંને વચ્ચે થયેલા કલુષિત વાતાવરણ બાદ હવે આ અચાનક થયેલી મુલાકાતે અનેક ચર્ચાઓ શરૂ કરી છે. આ મુલાકાત માત્ર જન્મદિવસ માટે હતી કે પછી તેની પાછળ અન્ય કોઈ કારણ હતું તેવી ચર્ચાઓ પણ રાજકીય વર્તુળોમાં શરૂ થઈ છે. દરમિયાન શરદ પવારને મળ્યા બાદ હવે અજિત પવાર અમિત શાહને મળવા ગયા છે, આજે મોટા પાયે થયેલી મીટિંગના કારણે તમામનું ધ્યાન રાજકીય બાબતો તરફ ગયું છે.
દેવેન્દ્ર ફડણવીસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા પહોંચ્યા હતા. ગઈકાલે (બુધવારે) અમિત શાહ અને જેપી નડ્ડા સાથે વાતચીત કર્યા બાદ દેવેન્દ્ર ફડણવીસ ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા પહોંચ્યા હતા. આ મુલાકાત દરમિયાન દેવેન્દ્ર ફડણવીસે વડાપ્રધાન મોદીને છત્રપતિ શિવાજી મહારાજની અશ્ર્વારૂઢ પ્રતિમા ભેટમાં આપી હતી. તેમની મુલાકાતની તસવીરો પણ સામે આવી છે. મુખ્ય પ્રધાનપદના શપથ લીધા બાદ દેવેન્દ્ર ફડણવીસ પહેલીવાર મોદીને મળ્યા છે. દેવેન્દ્ર ફડણવીસ બુધવારથી પાર્ટીના વિવિધ મહાનુભાવોને મળ્યા છે. ત્યારબાદ ગુરુવારે નીતિન ગડકરી, રાજનાથ સિંહ, અમિત શાહ નરેન્દ્ર મોદીને મળવા પહોંચ્યા હતા. બીજી તરફ અજિત પવાર સંસદમાં અમિત શાહને મળવા ગયા છે. દરેકનું ધ્યાન આ ઘટનાક્રમ તરફ દોરવામાં આવ્યું છે.
આ પણ વાંચો: શિંદે જૂથને કોઈ ક્રિમી મંત્રાલય નહીં! અમિત શાહના ઘરે મોડી રાત્રે નડ્ડા-ફડણવીસ વચ્ચે મંથન
જગદીપ ધનખડે શરદ પવારને અભિનંદન પાઠવ્યા
શરદ પવારના જન્મદિવસ નિમિત્તે આજે રાજ્યસભામાં સ્મૃતિસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યસભાના સ્પીકર જગદીપ ધનખડે શરદ પવારને અભિનંદન પાઠવ્યા અને તેમની કારકિર્દીની પ્રશંસા કરી. આ પહેલા અજિત પવાર શરદ પવારને તેમના દિલ્હી ખાતેના નિવાસસ્થાને મળ્યા હતા. આ પછી અજિત પવાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળવા સંસદ પહોંચ્યા હતા. સુનેત્રા પવાર, સુનીલ તટકરે પણ તેમની સાથે છે. આ તમામ ઘટનાક્રમની પૃષ્ઠભૂમિમાં આજે દિલ્હીમાં શું થશે તેના પર મહારાષ્ટ્રના રાજકીય વર્તુળનું ધ્યાન ગયું છે.
ફડણવીસની દિલ્હી મુલાકાતમાં 7 નેતાઓ, 5 મૂર્તિઓ!
દેવેન્દ્ર ફડણવીસે મુખ્ય પ્રધાન બન્યા બાદ બે દિવસની દિલ્હીની પહેલી મુલાકાત પર આવ્યા છે. તેઓ ઘણા નેતાઓને મળ્યા હતા. સદ્ભાવના મુલાકાતમાં પણ દેવેન્દ્ર ફડણવીસે દિલ્હીમાં મહારાષ્ટ્રીયન સંસ્કૃતિનું અનોખું દર્શન કરાવ્યું છે. દેવેન્દ્ર ફડણવીસ દિલ્હીમાં કુલ 7 નેતાઓને મળ્યા છે. જેમાં 5 અલગ-અલગ મૂર્તિઓ આપીને મહારાષ્ટ્રની સંસ્કૃતિને રજૂ કરવામાં આવી હતી. દેવેન્દ્ર ફડણવીસે રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિને વિઠ્ઠલ-રુક્મણીની મૂર્તિઓ અર્પણ કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને છત્રપતિ શિવાજીની મૂર્તિ આપવામાં આવી છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને સ્વાતંત્ર્ય સેનાની વિનાયક દામોદર સાવરકરની પ્રતિમા ભેટમાં આપવામાં આવી છે. ભાજપ પ્રમુખ જે.પી. નડ્ડાને ગાય-વાછરડાની મૂર્તિ જ્યારે કેન્દ્રીય પ્રધાન રાજનાથ સિંહ અને નીતિન ગડકરીને સિદ્ધિવિનાયકની મૂર્તિઓ ભેટમાં આપવામાં આવી છે.