
દિલ્હીની ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ(AIIMS) અને રામ મનોહર લોહિયા હોસ્પિટલ સહીત કેન્દ્ર સરકાર સંચાલિત ચાર હોસ્પિટલોએ 22 જાન્યુઆરીએ એટલે કે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમના દિવસે અડધા દિવસ માટે બંધ રાખવાની જાહેરાત કરી છે. આ નિર્ણય અંગે વિરોધ પક્ષોના નેતાઓએ કેન્દ્ર પર સવાલ ઉઠાવ્યા છે.
આ નિર્ણય અંગે પ્રતિક્રિયા આપતા શિવસેના (UBT) સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ, સોશિયલ મીડિયા પર લખ્યું કે હેલ્લો હ્યુમન્સ, 22મીએ મેડિકલ ઈમરજન્સીમાં ન જતા, અને જો તમારે જવું હોય તો બપોરે 2 વાગ્યા પછી જજો કારણ કે એઈમ્સ દિલ્હી મર્યાદા પુરુષોત્તમ રામને આવકારવા માટે સમય ફાળવી રહી છે. આશ્ચર્ય છે કે શું ભગવાન રામ સંમત થશે કે તેમના સ્વાગત માટે આરોગ્ય સેવાઓ ખોરવાઈ છે. હે રામ, હે રામ!
તૃણમૂલ કોંગ્રેસના રાજ્યસભા સાંસદ સાકેત ગોખલેએ કહ્યું કે “લોકો અપોઈન્ટમેન્ટની રાહ જોતા એઈમ્સના દરવાજાની બહાર ઠંડીમાં રાહ જોતા સૂઈ રહે છે. ગરીબ અને મારી રહેલા લોકો રાહ જોઈ શકે છે કારણ કે કેમેરા અને પીઆર માટે મોદીની મહત્વકાંક્ક્ષાને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.”
કોંગ્રેસના પ્રવક્તા શમા મોહમ્મદે પણ આ નિર્ણય પર પ્રતિક્રિયા આપી છે, તેમણે X પર એક પોસ્ટમાં લખ્યું હતું કે, “તે માન્યાની બહાર છે કે દર્દીઓના જીવન જોખમમાં મૂકવામાં આવે છે, કારણ કે @narendramodi તેમની રાજકીય ઘટનાનું અવિરત કવરેજ ઇચ્છે છે.”
રામ મનોહર લોહિયા હોસ્પિટલે પણ કહ્યું હતું કે તેની ઓપીડી, લેબ સેવાઓ અને નિયમિત સેવાઓ અયોધ્યામાં રામ મંદિરમાં અભિષેક સમારોહના દિવસે બપોરે 2.30 વાગ્યા સુધી બંધ રહેશે. જોકે, આ હોસ્પિટલોએ સ્પષ્ટતા કરી છે કે ક્રિટિકલ કેર અને ઈમરજન્સી સેવાઓ ચાલુ રહેશે.