ભારતની પ્રાથમિકતા છે AI અને 5G: Vibrant Gujarat Summitમાં પીએમ મોદીએ કહી મોટી વાતો..

ગાંધીનગર: ‘ભારત ટોપ-3 ઇકોનોમી બનશે, મોદીની ગેરંટી છે’. આજે Vibrant Gujarat Summitમાં સામેલ હજારો મહેમાનો વચ્ચે પીએમ મોદીએ સંબોધન કર્યું હતું. આ સંબોધનમાં તેમણે જણાવ્યું હતું કે “તાજેતરમાં જ ભારતે આઝાદીના 75 વર્ષ પૂર્ણ કર્યા છે. હવે, ભારત આગામી 25 વર્ષ માટે તેના લક્ષ્ય પર કામ કરી રહ્યું છે. અમારું લક્ષ્ય છે કે ભારત આઝાદીના 100 વર્ષની ઉજવણી કરે ત્યાં સુધીમાં તેને વિકસિત દેશ બનાવવાનો છે. તેથી, આ 25 વર્ષનો સમયગાળો ભારતનો અમૃત કાળ છે.”
UAEના રાષ્ટ્રપતિ અલ નાહ્યાનને પીએમ મોદીએ તેમના ભાઇ સમાન ગણાવ્યા હતા. પીએમ મોદીએ કહ્યું હતું કે UAEના રાષ્ટ્રપતિ મારા ભાઇનું સમિટમાં આગમન એ ઘણી મોટી વાત છે, તેમનું આવવું એ દર્શાાવે છે કે ભારત અને UAE વચ્ચે આત્મીયતાનો સંબંધ છે. પોર્ટ ડેવલપમેન્ટ માટે UAE સાથે કરાર કર્યો છે. ગિફ્ટ સિટીમાં તે માટે કામગીરી શરૂ થવાની છે, જેનો શ્રેય UAEના રાષ્ટ્રપતિને જાય છે. ભારત માટે આફ્રિકાનું ગ્લોબસ સાઉથમાં સામેલ થવું એ મહત્વની વાત છે.
આ વખતની થીમ છે ‘ગેટ વે ટુ ધી ફ્યુચર.’ તમારા સપના જેટલા મોટા એટલો મારો સંકલ્પ પણ મોટો હશે. ભારતના નાગરિકો વધુ એમ્પાવર બની રહ્યા છે. વિતેલા 20 વર્ષમાં આ સમિટે ગુજરાતને મોટું પ્લેટફોર્મ આપ્યું છે. ભારત વિશ્વ મિત્રની ભૂમિકામાં આગળ વધી રહ્યું છે. વિશ્વ કલ્યાણ માટે ભારતની પ્રતિબદ્ધતા વિશ્વને વધુ સુંદર બનાવી રહ્યા છે.
ભારત આજે વિશ્વની 5મી મોટી ઇકોનોમી છે. 10 વર્ષ પહેલા 11મા સ્થાને હતા, હવે મારી ગેરન્ટી છે કે આવનારા સમયમાં ભારત વિશ્વની ત્રીજા નંબરની મોટી ઇકોનોમી બની જશે. ભારતની પ્રાથમિકતા નક્કી છે, ન્યુએજ સ્કિલ, મેન્યુફેક્ચરિંગ, ફ્યુચરિસ્ટીક ટેકનોલોજી, AI અને 5G એ ભારતની પ્રાથમિકતા હશે. સ્ટાર્ટઅપ, બ્લ્યુ ઇકોનોમી, દરેક ક્ષેત્રમાં ઇન્વેસ્ટમેન્ટ માટે નવા અવસર મળશે. 10 વર્ષમાં સ્ટ્રક્ટર રિફોર્મ ડેવલપમેન્ટ થશે.
ભારતમાં ગ્લોબલ બિઝનેસ રૂટ માટે ગ્રીન એનર્જી પર ભાર મુકવામાં આવી રહ્યો છે. 10 વર્ષમાં સસ્તો ડેટા અને કનેક્શનથી ડિજીટલ પ્રગતિ થઇ છે. આજે ભારતમાં 1.15 લાખ સ્ટાર્ટઅપ છે. ભારતના નાગરિકો માટે આ એક સારો સંકેત છે. જી-20 દરમિયાન જે જાહેરાતો થઇ છે તેમાં બિઝનેસની વિશાળ તકો છે.