દેશના આઠ મહાનગરોમાં Ahmedabad શહેર સૌથી ગરમ, ઉત્તર ગુજરાતમાં હિટવેવની આગાહી…

અમદાવાદઃ ગુજરાતમાં માર્ચ મહિનાના અંતિમ દિવસોમાં ગરમીનો પારો સતત ઉપર ચઢી રહ્યો છે. મંગળવારે દેશના આઠ મોટા શહેરોમાં અમદાવાદનું(Ahmedabad)તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું. ત્યાર બાદ નવી દિલ્હી અને પુનામાં 36 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. કોલકાતા, બેંગ્લુરૂ અને હૈદરાબાદમાં 33 ડિગ્રી અને ચેન્નાઈમાં 32 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. દેશના મહાનગરો સિવાય અનેક મોટા શહેરમાં પણ વધુ તાપમાન નોંધાયું હતું. જેમાં ભોપાલમાં 35 ડિગ્રી, જયપુરમાં 37 ડિગ્રી, અને નાગપુરમાં 38 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.
હવામાન વિભાગે યલો એલર્ટ આપી આગામી 24 કલાક સુધી ઉત્તર ગુજરાતમાં હિટવેવની આગાહી કરી હતી.
ગુજરાતમાં અમદાવાદમાં સૌથી વધારે ગરમી નોંધાઈ છે. શહેરમાં 40 ડિગ્રી તાપમાન અને લઘુત્તમ તાપમાન 22.1 ડિગ્રી સેલ્સિયસ થઈ જતાં રાત્રે પણ ગરમીમાં રાહત નથી મળતી. ભારતીય હવામાન વિભાગ પ્રમાણે શહેરમાં તાપમાનનો પારો 41 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની શક્યતાઓ છે. રાજ્યમાં સતત વધી રહેલી ગરમીનું કારણ સુકૂ વાતાવરણ હોવાનું માનવામાં આવે છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિકોના મતે સ્વચ્છ આકાશ અને તિવ્ર તડકાને કારણે શહેરમાં તાપમાનમાં વધારો થઈ રહ્યો છે.
અમદાવાદ સિવાય ગુજરાતના અનેક શહેરોમાં પણ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. રાજકોટ, કેશોદ અને વલ્લભ વિદ્યાનગરમાં સૌથી વધુ તાપમાન 41 ડિગ્રી નોંધાયું હતું. કચ્છમાં ભૂજ 41 ડિગ્રી, કંડલામાં 40 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ઉત્તર ઝોનમાં અમદાવાદ અને ગાંધીનગરમાં 40 ડિગ્રી, ડિસામાં 39 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. જ્યારે વડોદરામાં 40 ડિગ્રી, સુરતમાં 37 ડિગ્રી તાપમાન નોંધાતા અહીં થોડી ઠંડક હોવાનું હવામાન વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું.
આ પણ વાંચો : ગુજરાતમાં છેલ્લા એક વર્ષમાં HMPV વાયરસના કુલ 10 કેસ નોંધાયા, એક પણ મૃત્યુ નહિ
કચ્છના નલિયામાં 18 ડિગ્રી સેલ્સિયસ સૌથી ઓછુ તાપમાન
જ્યારે કચ્છના નલિયામાં 18 ડિગ્રી સેલ્સિયસ સૌથી ઓછુ તાપમાન નોંધાયું હતું. ભારતીય હવામાન વિભાગે આણંદમાં હિટવેવની આગાહી કરી હતી. જ્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છના દરિયાઈ વિસ્તારોમાં પણ ગરમીની અસર વર્તાઈ શકે છે. આગામી સાત દિવસ સુધી રાજ્યમાં સુકૂ વાતાવરણ રહેશે.