અમદાવાદથી અયોધ્યાની પહેલી સીધી ફ્લાઇટ આજથી શરૂ, જયશ્રીરામના નાદ સાથે ગુંજી ઉઠ્યુ એરપોર્ટ.. | મુંબઈ સમાચાર

અમદાવાદથી અયોધ્યાની પહેલી સીધી ફ્લાઇટ આજથી શરૂ, જયશ્રીરામના નાદ સાથે ગુંજી ઉઠ્યુ એરપોર્ટ..

અમદાવાદ: અયોધ્યામાં 22 જાન્યુઆરીના રોજ ભવ્ય રામમંદિરમાં રામલલ્લાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાનો દિવ્ય કાર્યક્રમ યોજાવાનો છે જેને પગલે રામભક્તોમાં ઉમંગ અને ઉત્સાહનો માહોલ છે. ત્યારે આજથી અમદાવાદથી અયોધ્યા સુધીની પહેલી સીધી ફ્લાઇટ શરૂ થઇ ગઇ છે. સુરતના ધારાસભ્ય પુર્ણેશ મોદીએ કેટલીક તસવીરો સોશિયલ મીડિયા સાઇટ X પર શેર કરી હતી. તેઓ પોતે પણ આ જ ફ્લાઇટમાં પ્રવાસ કરીને અયોધ્યા પહોંચ્યા છે.
વર્ષો બાદ પ્રભુ શ્રીરામના ભવ્ય મંદિરનું નિર્માણ થઇ રહ્યું હોવાથી રામભક્તો કાગડોળે રાહ જોઇ રહ્યા છે કે ક્યારે તેમને આ ભવ્ય કાર્યક્રમના સાક્ષી બનવાનો અવસર પ્રાપ્ત થાય. ગુજરાતમાં પણ દરેક ખૂણે રામમય વાતાવરણ છે. સરકાર દ્વારા જ્યારે ટ્રેન સેવા અને ફ્લાઇટ સેવા શરૂ કરી દેવામાં આવી છે ત્યારે એરપોર્ટ અને રેલવે સ્ટેશન પર ભક્તોનો ધસારો સતત વધશે.

આજે જ્યારે પહેલી ફ્લાઇટ ટેક ઓફ થઇ રહી હતી ત્યારે સમગ્ર એરપોર્ટ જયશ્રીરામના નાદ સાથે ગુંજી ઉઠ્યું હતું, કેટલાક પ્રવાસીઓ તો જાણે રામલીલામાં પાત્ર ભજવવાના હોય તેમ પોતે જ શ્રીરામ, જાનકી, લક્ષ્મણ, હનુમાનજી સહિતના પાત્રોનો વેશ ધારણ કરીને આવ્યા હતા. અમુક મીડિયા અહેવાલો મુજબ ફ્લાઇટમાં બેસનારા પ્રવાસીઓનું પણ ઇન્ડિગો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ ફ્લાઇટમાં 100થી વધુ મુસાફરો હતા.

ઉલ્લેખનીય છે કે રેલવે રાજ્યપ્રધાન દર્શના જરદોશે પણ અયોધ્યાને જોડતી સીધી ટ્રેનો ક્યારથી શરૂ થશે તેની તારીખવાર માહિતી તેમના સોશિયલ મીડિયામાં મુકી છે. ગુજરાતના શ્રદ્ધાળુઓ માટે રેલવે પ્રધાને ખાસ ‘આસ્થા ટ્રેન’ દોડાવવાની જાહેરાત કરી છે. જેમાં અમદાવાદ-અયોધ્યા-અમદાવાદ 10 ફેબ્રુઆરીથી, સુરત-અયોધ્યા-સુરત 10 ફેબ્રુઆરીથી, ભાવનગર-અયોધ્યા-ભાવનગર 9 ફેબ્રુઆરીથી, રાજકોટ-અયોધ્યા-રાજકોટ 10 ફેબ્રુઆરીથી શરૂ થશે. સૌથી વહેલી ટ્રેન ઇન્દોર-અયોધ્યા-ઇન્દોરની 3 ફેબ્રુઆરીથી શરૂ થશે.

સંબંધિત લેખો

Back to top button