
નવી દિલ્હીઃ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં આયોજિત G-20 સમિટમાં આફ્રિકન યુનિયનને G-20નું સભ્યપદ મળવા બદલ દરેક વ્યક્તિ ભારત અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય સ્તરે આ નિર્ણયને ભારત સરકારની મોટી રાજદ્વારી જીત માનવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે પ્રસ્તાવ રજૂ કર્યા બાદ આફ્રિકન યુનિયનને G-20નું કાયમી સભ્યપદ મળ્યું હતું. આ નિર્ણય બાદ સંઘ પ્રમુખ અજલી અસોમાનીએ પીએમ મોદી અને ભારતની પ્રશંસા કરી હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આફ્રિકન યુનિયનને G20 પરિવારમાં ઔપચારિક રીતે સામેલ કર્યા પછી અજલી અસોમાનીને ગળે લગાવ્યા. જી-20 સમિટમાં ગૌરવની એ ક્ષણોને યાદ કરતા અજલી અસોમાનીએ જણાવ્યું હતું કે, ‘હું તો રડી પડવાનો હતો. મારા માટે એ ઘણી ભાવનાત્મક ક્ષણ હતી. મેં તો એવું જ વિચાર્યું હતું કે આ મુદ્દે અનેક વિચારવિમર્શ થશે, દલીલો થશે અને પછી નિર્ણય લેવામાં આવશે, પરંતુ સમિટની શરૂઆતમાં જ જાહેરાત કરવામાં આવી હતી કે અમે G20 ના સભ્ય છીએ.’
ઉલ્લેખનીય છે કે જી-20 સમિટમાં સંબોધનની શરૂઆતમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આફ્રિકન યુનિયનના પ્રમુખને જી-20ના સભ્ય તરીકે બેઠક લેવા આમંત્રણ આપ્યું હતું.
આફ્રિકન યુનિયનના અધ્યક્ષે ઐતિહાસિક સમાવેશ માટે G20 સભ્ય દેશોનો આભાર વ્યક્ત કર્યો અને ટ્વિટર પર પોસ્ટ કર્યું, “ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના અવાજ દ્વારા G20 એ આફ્રિકન યુનિયનના સભ્યપદની પુનઃ પુષ્ટિ કરી છે. આફ્રિકન મહાદ્વીપ વતી, હું આ ઐતિહાસિક મંજૂરી માટે તમામ G20 સભ્ય દેશોનો હૃદયપૂર્વક આભાર માનું છું.