Acharya shri Vidyasagar: જૈન મુનિ આચાર્ય વિદ્યાસાગર મહારાજ કાળધર્મ પામ્યા, વડા પ્રધાને દુઃખ વ્યક્ત કર્યું
જૈન મુનિ આચાર્ય શ્રી વિદ્યાસાગર મહારાજ કાળ કરી ગયા છે. છત્તીસગઢના ડોંગરગઢમાં દિગંબર મુનિ પરંપરા અનુસાર સમાધિમાં આચાર્ય શ્રી વિદ્યાસાગર મહારાજ કાળધર્મ પામ્યા હતા.
મળતી માહિતી મુજબ આચાર્ય શ્રી વિદ્યાસાગરે 3 દિવસ પહેલાં અન્ન-જળનો સંપૂર્ણ ત્યાગ કરીને સંથારો લીધો હતો અને ગઈ કાલે રાત્રે 2.30 કલાકે ચંદ્રગિરી તીર્થ ખાતે તેમણે પ્રાણ ત્યાગી દીધા હતા.
આચાર્ય શ્રી વિદ્યાસાગર મહારાજની માંડલી આજે રવિવારના રોજ બપોરે 1 કલાકે કરવામાં આવશે. આચાર્ય શ્રી વિદ્યાસાગર મહારાજના કાળધર્મથી દેશભરના જૈન સમુદાયમાં શોકની લાગણી છે. છેલ્લા કેટલાક દિવસોથી આચાર્યશ્રીની તબિયત ખરાબ રહેતી હતી. છેલ્લા ત્રણ દિવસથી તેમણે ખોરાક અને પાણીનો ત્યાગ કર્યો હતો. આચાર્ય તેમના અંતિમ શ્વાસ સુધી ચેતન અવસ્થામાં રહ્યા અને પ્રભુ નામસ્મરણ કરતાં કરતાં તેમણે દેહ પરિવર્તન કર્યું હતું.
વડા પ્રધાન મોદીએ પણ આચાર્ય શ્રી વિદ્યાસાગરજી મહારાજને શ્રદ્ધાંજલિ પાઠવી છે. તેમણે કહ્યું કે મારી પ્રાર્થના તેમના અસંખ્ય ભક્તો સાથે છે. સમાજમાં તેમના અમૂલ્ય યોગદાન માટે આવનારી પેઢીઓ તેમને યાદ કરશે, ખાસ કરીને લોકોમાં આધ્યાત્મિક જાગૃતિ, ગરીબી નાબૂદી, આરોગ્ય સંભાળ, શિક્ષણ અને અન્ય કાર્યો માટેના તેમના પ્રયાસો માટે.
વડા પ્રધાને કહ્યું કે મને વર્ષોથી વિદ્યાસાગરજી મહારાજના આશીર્વાદ મળ્યા છે.
સમાધિ સમયે તેમની સાથે મુનિશ્રી યોગસાગરજી મહારાજ, શ્રી સમતસાગરજી મહારાજ, શ્રી પ્રસાદસાગરજી મહારાજ સહિત સંઘ ઉપસ્થિત રહ્યા હતા. દેશભરના જૈન સમુદાયના લોકો અને આચાર્યશ્રીના ભક્તોએ તેમના માનમાં આજે એક દિવસ માટે તેમના પ્રતિષ્ઠાન બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. માહિતી મળતાં જ આચાર્યશ્રીના હજારો શિષ્યો ડોંગરગઢ જવા રવાના થઈ ગયા છે.
આચાર્યજીનો જન્મ 10મી ઓક્ટોબર, 1946ના રોજ કર્ણાટક રાજ્યના બેલગવી જિલ્લાના સદલગા ગામમાં થયો હતો. તેમણે રાજસ્થાનના અજમેર શહેરમાં 30મી જૂનz 1968ના રોજ તેમના ગુરુ આચાર્યશ્રી જ્ઞાનસાગરજી મહારાજ પાસેથી મુનિદીક્ષા લીધી હતી. તેમની કઠોર તપસ્યા જોઈને આચાર્યશ્રી જ્ઞાનસાગરજી મહારાજે તેમને આચાર્ય પદ સોંપ્યું હતું.
આચાર્યશ્રી 1975ની આસપાસ બુંદેલખંડ આવ્યા હતા. તેઓ બુંદેલખંડના જૈન સમુદાયની નિષ્ઠા અને સમર્પણથી એટલા પ્રભાવિત થયા કે તેમણે તેમનો મોટાભાગનો સમય બુંદેલખંડમાં સ્થિરતામાં પસાર કર્યો હતો. આચાર્યશ્રીએ 350 જેટલી દિક્ષાઓ આપી છે. તેમના શિષ્યો જૈન ધર્મના પ્રચાર માટે દેશભરમાં વિહાર કરી રહ્યા છે.
Taboola Feed