આજની હેટ્રિકએ 2024ની હેટ્રિકની ગેરન્ટી છે! કોણે કહ્યું જાણો
ચૂંટણીના પરિણામો અંગે નવ વાગ્યાની મોટી અપડેટ જાણી લો…
નવી દિલ્હીઃ રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને તેલંગણામાં મળી રહેલા પરિણામો ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ રીતે બહુમતી મળી રહી છે. મધ્ય પ્રદેશમાં 2003થી ભાજપની સરકાર હતી (ડિસેમ્બર 2018માં કમલનાથના નેતૃત્વમાં બનેલી સરકાર 2020માં પડી હતી) અને હવે આ વખતે એન્ટી ઈનકમ્બન્સી ફેક્ટર જોવા મળી રહ્યું છે.
આજની હેટ્રિક (રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ)એ 24 (2024ની લોકસભાની ચૂંટણી)ની હેટ્રિકની ગેરન્ટી આપી છે. આજના જનાદેશે એ સાબિત કર્યું છે કે દેશમાં ભ્રષ્ટાચાર, તુષ્ટિકરણ અને પરિવારવાદને જરાય સહન કરી લેવામાં આવશે નહીં. આજની ચૂંટણીના પરિણામ એમપી, રાજસ્થાન, છત્તીસગઢ સુધી સીમિત રહેશે નહીં, પરંતુ દુનિયામાં પડઘા પડશે. દુનિયાના વિશ્વાસને વધુ મજબૂત કરશે અને દુનિયાભરના રોકાણકારોને પણ નવો વિશ્વાસ મળશે, એમ પીએમ મોદીએ જણાવ્યું હતું.
ચાર રાજ્યની વિધાનસભાની ચૂંટણીના પરિણામમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળ્યા પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કાર્યકર્તાઓને સંબોધિત કરવા માટે મુખ્યાલય પહોંચ્યા હતા. ત્રણ રાજ્યની જીત અંગે પીએમ મોદીએ કહ્યું હતું કે આજની જીત ઐતિહાસિક છે. અભૂતપૂર્વ છે. આજે સૌનો સાથ, સૌના વિકાસની જીત થઈ છે. આજે ઈમાનદારી, પારદર્શકતા અને સુશાસનની જીત થઈ છે.
ચૂંટણી પંચના અહેવાલ અનુસાર રાજસ્થાનની 199 બેઠકમાંથી હાલમાં 115 બેઠક પર ભાજપની બહુમતી છે, જ્યારે 70 બેઠક પર કોંગ્રેસ અને 14 બેઠક પર અન્ય પક્ષની છે. મધ્ય પ્રદેશમાં 230 બેઠકમાં ભાજપ 165, કોંગ્રેસ 64 અને અન્ય પક્ષમાં એક બેઠક પણ આગળ છે, જ્યારે છત્તીસગઢમાં ભાજપની 54, કોંગ્રેસની 35, અન્ય એક બેઠકમાં આગળ છે. ઉપરાંત, તેલંગણામાં કોંગ્રેસના પક્ષે 65, બીઆરએસને 39 અને અન્ય પાર્ટીને 15 બેઠક મળી છે.
આઝાદીના અમૃતકાળમાં જે વિકસિત ભારતનો સંકલ્પ લેવામાં આવ્યો છે, જ્યારે જનતાનું સમર્થન મળ્યું છે. ભારતની જનતાને સંપૂર્ણ બહુમતીમાં રસ છે, તેથી સમજી વિચારીને મત આપી રહી છે. દેશની જનતાએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે. અમુક લોકો એવા છે જે ભ્રષ્ટાચારીઓને કવચ આપે છે, જ્યારે તપાસ એજન્સીને બદનામ કરવામાં દિવસ રાત સક્રિય રહે છે. હવે એક વાત સમજી લેજો કે ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડાઈમાં જનસમર્થન છે, એમ પીએમ મોદીએ જણાવ્યું હતું.
કોંગ્રેસ પર નિશાન સાધતા પીએમ મોદીએ કહ્યું હતું કે જે કોંગ્રેસે આદિવાસી સમાજને પૂછ્યું નહોતું, આજે એ સમાજે કોંગ્રેસના સુપડા સાફ કરી નાખ્યા છે. એ જ વાતનું રાજસ્થાન અને છત્તીસગઢમાં પુનરાવર્તન થયું છે, જ્યાં આદિવાસી વસ્તીવાળા વિસ્તારમાં પણ કોંગ્રેસને જાકારો મળ્યો છે, એમ તેમણે જણાવ્યું હતું.
આ અગાઉ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટવિટ કરીને લોકોને શુભેચ્છા આપી હતી. ચૂંટણી પંચના અહેવાલ અનુસાર અત્યાર સુધીમાં રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢમાં ભારતીય જનતા પાર્ટીને જોરદાર જીત તરફ આગેકૂચ કરી છે ત્યારે આજે રાતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કાર્યકરોને સંબોધતા કહ્યું હતું કે ભારતની જનતાને વિશ્વાસ ફક્ત અને ફક્ત સુશાસન અને વિકાસના રાજકારણમાં છે, જ્યારે તેનો વિશ્વાસ પણ ભાજપમાં છે.
બીજી બાજુ કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ ત્રણ રાજ્યની હારને સ્વીકારીને જનાદેશને સ્વીકાર્યો હતો, જ્યારે આગામી ચૂંટણીમાં વધુ મજબૂત કામગીરી કરીને ફરી પાછા ફરીશું એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.