
નવી દિલ્હીઃ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ગેરરીતિઓ અને અનિયમિતતાઓને રોકવા માટે સંસદે શુક્રવારે એક ખરડો પસાર કર્યો હતો. જેમાં અપરાધો માટે મહત્તમ ૧૦ વર્ષની જેલ અને ૧ કરોડ રૂપિયા સુધીના દંડની જોગવાઇનો સમાવેશ કરવામાં આવ્યો છે. કેટલાક વિપક્ષી સભ્યો દ્વારા પ્રસ્તાવિત સુધારાને નકારી કાઢવામાં આવ્યા બાદ રાજ્યસભામાં ધ્વનિ મત દ્વારા બિલ પસાર કરવામાં આવ્યું હતું.
આ બિલ ૬ ફેબ્રુઆરીએ લોકસભામાં પસાર થયું હતું.
રાજ્યસભાં પબ્લિક એક્ઝામિનેશન્સ(પ્રિવેન્શન ઓફ અનફેર મીન્સ) બિલ, ૨૦૨૪ પર ચર્ચાનો જવાબ આપતા કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે ભારપૂર્વક જણાવ્યું કે દેશની યુવા શક્તિ મહત્વપૂર્ણ છે અને આ બિલનો હેતુ એવા લોકોને રોકવાનો છે જેઓ તેમના ભવિષ્ય સાથે રમત રમી રહ્યાં છે. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે, બિન-યોગ્યતા દ્વારા યોગ્યતાને હાઇજેક કરવાની મંજૂરી આપી શકાય નહીં. તેમણે કહ્યું કે, અમે આ દેશની મહત્વપૂર્ણ યુવા શક્તિને મુઠ્ઠીભર લોકોના હાથમાં આત્મસમર્પણ અથવા બલિદાન આપવાની મંજૂરી આપી શકીએ નહીં. અમે ખૂબ જ સાવધાનીપૂર્વક સાચા ઉમેદવારને કાયદાના દાયરામાં રાખ્યા છે,પછી તે નોકરીની ઇચ્છા ધરાવતા હોય કે એક વિદ્યાર્થી.
તેથી એવો સંદેશો નથી જતો કે આ નવો કાયદો આ દેશના યુવાનોને હેરાન કરવા માટે છે. તેનો હેતુ માત્ર એવા લોકોને રોકવાનો છે કે જેઓ તેમના ભવિષ્ય સાથે રમત રમી રહ્યા છે અને તે રીતે રાષ્ટ્રના ભવિષ્ય સાથે પણ, એમ કેન્દ્રીય કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન રાજ્ય મંત્રી સિંહે જણાવ્યું હતું. સિંહે કહ્યું કે, મને ખાતરી છે કે આખું ગૃહ, એક અવાજે આ બિલને સમર્થન આપશે. આ એક ગતિશીલ સફર છે જે અમે શરૂ કરી છે.
વિધેયક સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ગેરરીતિઓ અને અનિયમિતતાઓ સાથે કડક કાર્યવાહી કરવા માંગે છે. જેમાં મહત્તમ ૧૦ વર્ષની જેલ અને ૧ કરોડ રૂપિયા સુધીના દંડની જોગવાઇ છે. આ બિલમાં જાહેર પરીક્ષાઓ પર ઉચ્ચ સ્તરીય રાષ્ટ્રીય તકનીકી સમિતિનો પણ પ્રસ્તાવ છે જે કમ્પ્યુટરાઇઝડ પરીક્ષા પ્રક્રિયાને વધુ સુરક્ષિત બનાવવા માટે ભલામણો કરશે.