
અમદાવાદ: હાલ સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. અમદાવાદ, ખેડા સહિતના અનેક જિલ્લામાં મુશળધાર વરસાદ પડી રહ્યો છે. બપોરે બે વાગ્યા સુધીમાં રાજ્યના ૧૫૫ તાલુકામાં મેઘમહેર થઇ હતી. અમદાવાદના દસક્રોઈમાં છ કલાકમાં જ સાડા નવ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જેના પગલે જનજીવન ભારે પ્રભાવિત થયું હતું.
રાજ્યમાં પડી રહેલા વ્યાપક વરસાદની પરિસ્થિતિની માહિતી મેળવવા મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સ્ટેટ ઇમરજન્સી કંટ્રોલરૂમની મુલાકાતે પહોંચ્યા હતા. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે સુરેન્દ્રનગર, પાટણ, અરવલ્લી, અમદાવાદ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા અને ખેડાના જિલ્લા કલેક્ટર સાથે ટેલીફોનિક વાતચીત કરીને જિલ્લામાં વરસાદને કારણે સર્જાયેલી સ્થિતિની માહિતી મેળવી હતી.
આપણ વાંચો: ત્રણ સિસ્ટમ સક્રિય થતાં ફરી ગુજરાતમાં વરસાદી માહોલ જામશે, જાણો હવામાન વિભાગની આગાહી
મુખ્ય પ્રધાને તમામ જિલ્લા કલેક્ટરોને એલર્ટ મોડ પર રહીને વરસાદી સ્થિતિ પર સતત નજર રાખવા તેમજ સમગ્ર વહીવટી તંત્રને સતર્ક રહી સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર સાથે સંપર્કમાં રહી જિલ્લાની સ્થિતિથી વાકેફ રાખવા સૂચના આપી હતી.
આજે સવારે છ વાગ્યાથી લઈને બપોરે બે વાગ્યા સુધીમાં રાજ્યના ૧૫૫ તાલુકામાં મેઘમહેર થઈ છે, જેમાં સૌથી વધુ વરસાદ અમદાવાદ જિલ્લામાં નોંધાયો હતો. અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકામાં 9.29 ઇંચ વરસાદ પડ્યો હતો.
આપણ વાંચો: દેશભરમાં આજે વરસાદી માહોલ! દિલ્હી અને મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી
ખેડા જિલ્લાના મહેમદાવાદમાં ૭.૪૪ ઇંચ, નડિયાદમાં ૭.૨૮ ઇંચ, માતરમાં 6.06 ઇંચ, કઠલાલમાં ૪.૭૨ ઇંચ, વસોમાં ૪.૬૧ ઇંચ, મહુધામાં ૩.૯૪ ઇંચ તેમ જ ખેડામાં ૩.૭૪ ઇંચ વરસાદ પડ્યો હતો.
બનાસકાંઠા જિલ્લામાં પડેલા ભારે વરસાદને કારણે ગોઢ અને દાંતીવાડા વચ્ચેનો કોઝવે તૂટી ગયો હતો અને જેના કારણે ગોઢા, છત્રાલા, મોરથલ, ગોળીયા, ચંદાજી ગોળીયા વગેરે ગામડાઓ સંપર્ક વિહોણા થયા હતા.
આ મામલે સ્થાનિકો દ્વારા ડિઝાસ્ટર વહીવટી તંત્રને કરી જાણ કરવામાં આવી હતી. વહીવટી તંત્રએ સત્વરે બાબતની નોંધ લઈ માર્ગ ચાલુ કર્યો હતો.