ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

Indonesia Earthquake: ઇન્ડોનેશિયામાં 6.1 ની તીવ્રતાનો ભૂકંપ, જાણો સુનામી અંગે અધિકારીઓએ શું કહ્યું

જાકાર્તા: આજે બુધવારે સવારે ઇન્ડોનેશિયાના ઉત્તર સુલાવેસી પ્રાંતમાં 6.1 ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો (Earthquake in Indonesia) હતો. યુનાઇટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વે (USGS) અનુસાર, ભૂકંપ સ્થાનિક સમય મુજબ સવારે 6:55 વાગ્યે (2255 GMT) સમુદ્રમાં 10 કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો. ભૂકંપનો આંચકો અનુભવાતા જ લોકો પોતાના ઘરોમાંથી બહાર નીકળી આવ્યા હતા. ઇન્ડોનેશિયા સુનામી માટે સંવેદનશીલ વિસ્તાર હોવાને કારણે લોકોમાં ગભરાટ ફેલાયો હતો. જોકે, ઇન્ડોનેશિયન હવામાન એજન્સી (BMKG) એ સ્પષ્ટતા કરી છે કે સુનામીનું કોઈ જોખમ નથી અને અત્યાર સુધી કોઈ મોટા નુકસાનના અહેવાલ નથી.

લોકો સતર્ક રહેવા ચેતવણી:
અહેવાલ મુજબ ભૂકંપથીનુકસાન થયું નથી, પરંતુ ઇન્ડોનેશિયન અધિકારીઓ સતત નજર રાખી રહ્યા છે. ભૂકંપગ્રસ્ત વિસ્તારોના રહેવાસીઓને સતર્ક રહેવા અને સ્થાનિક અધિકારીઓ દ્વારા જાહેર કરવામાં આવેલી સલામતી સૂચનાઓનું પાલન કરવાની સૂચના આપવામાં આવી છે.

Also read: જાપાનમાં 6.9 રિક્ટર સ્કેલના ભૂકંપના આંચકા પછી સુનામીનું એલર્ટ

નોંધનીય છે કે, ઇન્ડોનેશિયા પ્રશાંત મહાસાગરના “રિંગ ઓફ ફાયર” પર સ્થિત છે. “રિંગ ઓફ ફાયર” પર આવેલા વિસ્તારોમાં અવારનવાર ભૂકંપ આવતા રહે છે. આ વિસ્તારમાં ટેક્ટોનિક પ્લેટો અથડાય છે, જેના પરિણામે ભૂકંપ અને જ્વાળામુખી ફાટી નીકળે છે.

તાજેતરના વર્ષોમાં ઇન્ડોનેશિયામાં આવેલા વિનાશક ભૂકંપ:

  1. જાન્યુઆરી 2021: સુલાવેસીમાં 6.2 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, જેમાં 100 થી વધુ લોકોના મોત થયા હતાં અને હજારો લોકો બેઘર થયા.
  2. 2018: સુલાવેસીના પાલુમાં 7.5 ની તીવ્રતાનો ભૂકંપ અને સુનામી, જેમાં 2,200 થી વધુ લોકો માર્યા ગયા હતાં.
  3. 2004: આચેહ પ્રાંતમાં 9.1 ની તીવ્રતાના ભૂકંપથી સુનામી આવી હતી, જેમાં ફક્ત ઇન્ડોનેશિયામાં જ 1,70,000 થી વધુ લોકો માર્યા ગયા હતાં.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button