કોલકાતા: પશ્ચિમ બંગાળમાં નોર્થ કોલકાતાના કૈખાલી વિસ્તારમાં રહેતા માત્ર ત્રણ વર્ષ, આઠ મહિના અને 20 દિવસની ઉંમરના અનિશ સરકાર નામના બાળકે નવો ઇતિહાસ સરજ્યો છે. તે આટલી વયે સૌથી યુવાન રૅટેડ ચેસ પ્લેયર બન્યો છે. વિશ્વના ક્રમાંકિત ચેસ ખેલાડીઓમાં તે યંગેસ્ટ બન્યો છે.
અનિશનો જન્મ 2021ની 26મી જાન્યુઆરીએ (પ્રજાસત્તાક દિને) થયો હતો. તે 2023માં બે વર્ષનો થયો ત્યારે તેની ચેસ-સફર શરૂ થઈ હતી.
2023ના ઓક્ટોબરમાં યોજાયેલી વેસ્ટ બેંગાલ સ્ટેટ અન્ડર-9 ઓપન ચેસ સ્પર્ધાથી અનિશે સ્પર્ધાત્મક ઇવેન્ટમાં ભાગ લેવાનું શરૂ કર્યું હતું. એમાં તેણે આઠ રાઉન્ડ રમીને 5.5 પોઇન્ટ મેળવ્યા હતા. તેણે બે ક્રમાંકિત પ્લેયરને હરાવ્યા હતા.
અનિશ એ સ્પર્ધામાં 24મા સ્થાને રહ્યો હતો, પરંતુ સૌથી નાની ઉંમરે રૅટેડ સ્પર્ધા રમવા બદલ તે ઇતિહાસના ચોપડે આવી ગયો.
જોકે તેની સફર ત્યાં જ અટકી નહોતી, તેણે થોડા જ દિવસમાં સ્ટેટ અન્ડર-13 ઓપન સ્પર્ધામાં ભાગ લીધો હતો. એમાં તેણે પોતાનાથી મોટી ઉંમરના અને અનુભવી ખેલાડીઓને પડકાર્યા હતા. ટૂર્નામેન્ટમાં ફિડેના નિયમ મુજબ ઓછામાં ઓછા પાંચ રેટેડ પ્લેયર હોવા જોઈતા હતા અને અનિશને ફિડેના પ્રારંભિક 1,555 રેટિંગ મળ્યા હતા.
ભારતનો બીજા નંબરનો ગ્રેન્ડ માસ્ટર (જીએમ) દિબ્યેન્દુ બરુઆ હાલમાં અનિશનો કોચ છે.
અનિશના પરિવારમાં આ પહેલાં કોઈને પણ ચેસ વિશે કંઈ જ જ્ઞાન નહોતું. તેની મમ્મીએ એક મુલાકાતમાં કહ્યું છે કે ‘યુટયૂબ પર ચેસની ગેમના વીડિયો ફૉલો કરતા રહીને અનિશને ચેસ રમવાનું વળગણ શરૂ થયું હતું. તેનો એ ક્રેઝ જોઈને અમે તેને ચેસની તાલીમ અપાવવાની શરૂ કરી હતી. હાલમાં તે રોજના આઠ કલાક ચેસની પ્રેક્ટિસ કરે છે.’
Also Read – ભારતની શરમજનક હાર પર શું બોલ્યા પૂર્વ દિગ્ગજ ક્રિકેટરો?
વર્લ્ડ ચેમ્પિયન મેગ્નસ કાર્લ્સનને હરાવી ચૂકેલા ભારતના ટોચની રેન્કના ગ્રાન્ડ માસ્ટર અર્જુન એરિગેસી સામે અનિશ એક એક્ઝિબિશન મૅચ રમી ચૂક્યો છે.
અનિશ ઘણીવાર ચેસ બોર્ડ સુધી ન પહોંચી શકવાને કારણે ખુરસી પર ઊભા રહીને અથવા ખુરસી પર ઘૂંટણીયે ઊભા રહીને ચેસ રમતો હોય છે.
ભારતમાં થોડા વર્ષોથી ચેસની લોકપ્રિયતા ખૂબ વધી ગઈ છે. ભારતે ચેસ વિશ્વને છેલ્લા થોડા વર્ષોમાં આર. પ્રજ્ઞાનાનંદ અને ડી. ગુકેશ વગેરે ચેમ્પિયન ટીનેજ ખેલાડીઓ આપ્યા છે જેઓ વિશ્વ વિજેતા કાર્લ્સનને હરાવી ચૂક્યા છે. વિશ્વનાથન આનંદ ભારતનો ચેસ-લેજન્ડ છે.