વર્ષ 2024 સાબિત થશે ચૂંટણી વર્ષઃ ભારત, પાકિસ્તાન, અમેરિકા સહિત આટલા દેશોમાં ચૂંટણી
અમદાવાદઃ વર્ષ 2023 પૂરું થવા તરફ જઈ રહ્યું છે અને વર્ષ 2024ને આવકારવા વિશ્વ થનગની રહ્યું છે ત્યારે આવનારું વર્ષ રાજકીય રીતે ખૂબ જ મહત્વનું સાબિત થશે કારણ કે આ વર્ષમાં વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતા ભારત સહિત મહાસત્તા અમેરિકાની સામાન્ય ચૂંટણી યોજાશે. આ સાથે આપણા પડોશી દેશ પાકિસ્તાનમાં પણ ચૂંટણી યોજાશે. જોકે માત્ર આ ત્રણ દેશ નહીં, પણ વિશ્વના 70થી વધારે દેશ કે શહેરોમાં ચૂંટણી યોજાવાની છે, તેમ એક અહેવાલ જણાવે છે.
આ માહિતી વોશિંગ્ટન સ્થિત થિંક ટેન્ક એટલાન્ટિક કાઉન્સિલ દ્વારા મળી છે. તેમના કહેવા અનુસાર 2024 પછી આગામી 24 વર્ષ સુધી સમગ્ર વિશ્વમાં આટલી બધી ચૂંટણીઓ નહીં થાય. વર્ષ 2048માં ફરી એવો સંયોગ બની શકે છે કે એક વર્ષમાં આટલા દેશોમાં એકસાથે ચૂંટણી યોજાશે. કોઈપણ દેશ માટે પોતાના દેશ ઉપરાંત વિશ્વના અન્ય દેશોમાં કેવી સરકારો આવે છે અને તેની સાથે સંબંધોનું ગણિત કેવું બેસે છે તે પણ મહત્વનું છે.
આવનારા વર્ષમાં વિશ્વના દરેક ખંડમાં ક્યાક ને ક્યાંક ચૂંટણી યોજાશે. જોકે સૌથી વધારે એશિયા માં યોજાશે. બ્રાઝિલ અને તૂર્કીમાં સ્થાનિક ચૂંટણીઓ છે તે જ રીતે યુરોપિયન યુનિયનના 27 સભ્ય દેશ બ્લોકની આગામી સંસદની ચૂંટણી કરશે.
એક અખબારી અહેવાલ અનુસાર જે દેશોમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે તેમાંથી ઘણા વિશ્વના G20 અને G7 જેવા શક્તિશાળી દેશનો ભાગ છે. જેનો અર્થ એ થયો કે તેમના ચૂંટણી પરિણામોની ભૌગોલિક રાજકીય અસરો પણ પડશે અને આંતરરાષ્ટ્રીય ચિત્ર પણ બદલાઈ શકે. આ બધા વચ્ચે અમેરિકાના પ્રેસિડેન્ટની ચૂંટણી મહત્વની છે જ્યારે પરિવર્તનની આશા નહીંવત હોય તેવો દેશ રશિયા માનવામાં આવે છે જ્યાં વ્લાદિમીર પુતિનનું પરત ફરવું નિશ્ચિત માનવામાં આવે છે.
આ મોટા ચૂંટણી વર્ષ 2024ના પહેલા મહિનામાં 7મી જાન્યુઆરીએ બાંગ્લાદેશમાં સામાન્ય ચૂંટણીઓ સાથે શરૂ થશે. જ્યાં વર્તમાન વડાપ્રધાન શેખ હસીના ફરી સત્તામાં આવવા માટે ભરપૂર પ્રયાસ કરી રહ્યા છે. આ પછી, ફેબ્રુઆરીમાં, વિશ્વમાં સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતા બે દેશો – પાકિસ્તાન અને ઇન્ડોનેશિયામાં એક અઠવાડિયાના અંતરે ચૂંટણી યોજાશે. પાકિસ્તાનમાં પીપીપી, પીએમએલએન અને પીટીઆઈ વચ્ચે ત્રિકોણીય મુકાબલો માનવામાં આવી રહ્યો છે. જ્યારે નિષ્ણાતો ઇન્ડોનેશિયામાં વર્તમાન સરકારની વાપસીની સંભાવના વ્યક્ત કરી રહ્યા છે.
દક્ષિણ આફ્રિકામાં મે મહિનામાં ચૂંટણી યોજાશે, આ ચૂંટણીઓ 1994માં રંગભેદના અંત પછી સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. દક્ષિણ આફ્રિકાના આ ખંડમાં અલ્જીરિયા, બોત્સ્વાના, ચાડ, કોમોરોસ, ઘાના, મોરિટાનિયા, મોરિશિયસ, મોઝામ્બિક, નામીબિયા, રવાન્ડા, સેનેગલ, સોમાલીલેન્ડ, દક્ષિણ સુદાન, ટ્યુનિશિયા અને ટોગોમાં પણ ચૂંટણી યોજાવાની છે. વર્ષ 2024માં આફ્રિકા મહાદ્વીપમાં સૌથી વધુ ચૂંટણીઓ જોવા મળશે.
યુરોપમાં પણ આગામી વર્ષમાં અનેક દેશોમાં સત્તા માટે સંઘર્ષ થશે. યુરોપમાં 2024માં 10થી વધુ સંસદીય અને રાષ્ટ્રપતિની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. જે દેશોમાં ચૂંટણી યોજાવાની છે તેમાં ફિનલેન્ડ, બેલારુસ, પોર્ટુગલ, યુક્રેન, સ્લોવાકિયા, લિથુઆનિયા, આઈસલેન્ડ, બેલ્જિયમ, યુરોપિયન પાર્લામેન્ટ, ક્રોએશિયા, ઓસ્ટ્રિયા, જ્યોર્જિયા, મોલ્ડોવા અને રોમાનિયાનો સમાવેશ થાય છે. આગામી વર્ષે યુરોપિયન યુનિયનના 27 દેશોમાં ચૂંટણી યોજાવાની છે. તેમાં ફ્રાન્સ, જર્મની અને સ્વીડન જેવા દેશોનો પણ સમાવેશ થાય છે. આ વર્ષે યુરોપિયન યુનિયનની ચૂંટણીઓ પણ 6 થી 9 જૂન દરમિયાન યોજાશે, જે દર પાંચ વર્ષે યોજાય છે. નિષ્ણાતોનું માનીએ તો યુરોપમાં એક પક્ષને બહુમતી મળે તેવી સંભાવના ઓછી છે અને ત્યાં પણ નવા રાજકીય સમીકરણો રચાશે.
અમેરિકામાં વર્ષના અંતમાં ચૂંટણી યોજાશે. જોકે ચૂંટણીનો માહોલ સર્જાઈ ચૂક્યો હોય રસાકસી અને ઉત્તેજના અત્યારથી અનુભવાઈ રહી છે.
ત્યારે વાત કરીએ ભારતની તો લગભગ એપ્રિલ કે મે મહિનામાં દેશમાં ચૂંટણી યોજાવાની પૂરી શક્યતા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ભાજપ અને સાથી પક્ષો હેટ્રીક મારવા જઈ રહ્યા છે. તો બીજી બાજુ નબળી પડી ગયેલી કૉંગ્રેસ અન્ય 25 જેટલા રાજકીય પક્ષો સાથે ઈન્ડિયા નામે મહાગઠબંધન કરી ભાજપને પડકારવા સજ્જ થઈ રહ્યા છે. અત્યાર સુધીનો માહોલ જોતા ભાજપ ફરી સત્તામાં આવે તેવા પૂરાં એંધાણ છે, પરંતુ ચૂંટણી સમયની પરિસ્થિતિઓ નવું ચિત્ર ઉપસાવે તો કહેવાય નહીં. એક આંકડા પ્રમાણે આવતા વર્ષે લગભગ 78 દેશમાં 83 ચૂંટણી યોજાશે અને ચાર અબજ જેટલા મતદારો પોતાની સરકારની પસંદગી કરશે.