ગઢચિરોલીમાં પોલીસના એન્કાઉન્ટરમાં 12 નકસલી ઠાર, 2 અધિકારી ઘાયલ

ગઢચિરોલી: મહારાષ્ટ્રના ગઢચિરોલી જિલ્લામાં આજે પોલીસ અને કમાન્ડો સાથેની અથડામણમાં ઓછામાં ઓછા 12 નકસલવાદી ઠાર મરાયા હોવા ઉપરાંત બે સુરક્ષા અધિકારી ઘાયલ થયા હોવાનું અધિકારીઓએ કહ્યું હતું.
વાન્ડોલી ગામમાં આજે બપોરે સી-60 કમાન્ડો અને નક્સલવાદીઓ વચ્ચે થયેલી અથડામણ છ કલાક ચાલી હતી, એમ ગઢચિરોલીના એસપી નિલોત્પાલે કહ્યું હતું. ઘટનાસ્થળેથી પોલીસે 12 નક્સલવાદીના મૃતદેહ ઉપરાંત ત્રણ એકે-47, બે રાઈફલ સહિત સાત શસ્ત્ર કબજે કર્યા હતા.
આ પણ વાંચો: મહારાષ્ટ્રના આ જિલ્લામાંથી પકડાયો કુખ્યાત નકસલી
ઠાર મરાયેલા આતંકવાદીઓમાંથી એકને તિપાગઢ જાલમના ડીવીસીએમ લક્ષ્મણ અતરામ ઉર્ફે વિશાલ અતરામ તરીકે ઓળખી કાઢવામાં આવ્યો હતો. મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સી-60 કમાન્ડો અને ગઢચિરોલી પોલીસ ટીમ માટે રૂ. 51 લાખના ઈનામની જાહેરાત કરી હતી.
વધુ નક્સલવાદીઓની ઓળખ અને શોધ ચાલી રહી છે. ઈજા પામેલા લોકોમાં સી-60 કમાન્ડો ટીમના સબ-ઈન્સ્પેક્ટર, એક જવાનનો સમાવેશ થાય છે. જોકે આ બંનેની હાલત ગંભીર ન હોવાનું તેમ જ તેમને નાગપુર ખસેડવામાં આવ્યા હોવાનું તેમણે કહ્યું હતું.
આ પણ વાંચો: છત્તીસગઢના બીજાપુરમાં મોટો નકસલી હુમલોઃ ત્રણ જવાન શહીદ, 14 ઘાયલ
અહીં એ જણાવવાનું કે મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં છતીસગઢની સીમા નજીક આ એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું. અહીંના ગાઢ જંગલો અને પહાડોથી વિસ્તારો ઘેરાયેલા છે, જ્યાં સૌથી વધુ નકસલીઓ સક્રિય રહે છે. ગાઢ જંગલોનો નકસલીઓ ફાયદો ઉઠાવે છે, જ્યારે હુમલો કર્યા પછી ત્યાંથી ભાગી જતા હયો છે. ક્યારેક ગઢચિરોલીના જંગલો મારફત છત્તીસગઢ પહોંચતા હોય છે.