વીક એન્ડ

ઝિમરમેન ટેલિગ્રામ: આ `ઐતિહાસિક’ વોર મેસેજ શું હતો?

ઝિમરમેનનો આ ટેલિગ્રામ જો બ્રિટિશર્સ ન ઉકેલી શક્યા હોત તો? આર્થર ઝિમરમેન

ભાત ભાત કે લોગ – જ્વલંત નાયક

આજે એક એવા `ઐતિહાસિક ટેલિગ્રામ’ની વાત કરવાની છે, જે વિશ્વના ઇતિહાસમાં અજાણપણે મોટો બદલાવ લાવવામાં નિમિત્ત બન્યો. અમેરિકા શરૂઆતથી જ વ્યાપારી માઈન્ડસેટ ધરાવતો દેશ છે. ઓગણીસમી અને વીસમી સદીના પ્રારંભિક દાયકાઓ દરમિયાન અમેરિકાને સૌથી વધુ રસ આર્થિક બાબતોમાં હતો, યુધ્ધનો ખર્ચ-ખુવારી વેઠવામાં નહિ! બીજી તરફ, બ્રિટન પોતાનાં સંસ્થાનો બચાવવા માટે સતત સંઘર્ષ વેઠીને પાયમાલ થઇ રહ્યું હતું. ભારત જેવાં સંસ્થાનોમાં પણ જે કસ હતો એ પણ ઓગણીસમી સદી દરમિયાન ચૂસી લેવાયેલો. વીસમી સદી આવતા સુધીમાં આ સંસ્થાનો શેરડીના ચૂસાયેલા સાંઠા જેવા થઇ ગયેલા. એવામાં વળી 1914માં પ્રથમ વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું. અમેરિકા એમાં જોડાયું નહોતું. ખરી લડાઈ જર્મનીના સાથી દેશો અને બ્રિટન-ફ્રાંસના સાથી દેશો વચ્ચે હતી. બ્રિટન કદાચ અંદરખાને ઈચ્છતું હશે કે અમેરિકા એના પક્ષે રહીને લડે, પણ અમેરિકા પોતે શું ઈચ્છતું હતું? અમેરિકન પ્રજાનો મૂડ એ વખતે કેવો હતો?

મૂળ સમસ્યા બ્રિટન અને જર્મની જેવા યુરોપિયન દેશો વચ્ચે હતી. યાદ કરો, થોડા સમય પહેલા ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરે સોઈ ઝાટકીને એવું સ્ટેટમેન્ટ આપેલું કે યુરોપની સમસ્યા એ આખા વિશ્વની સમસ્યા નથી. એ વખતે પણ યુરોપિયન દેશો વચ્ચેની લડાઈને બ્રિટન સહિતના દેશો વિશ્વયુદ્ધ' ગણતા હતા, પણ અમેરિકા એને વિશ્વયુદ્ધ ગણવા તૈયાર જ નહોતું. અમેરિકાને મન એ યુદ્ધયુરોપિયન વોર’ હતી. અમેરિકા કોઈ પણ સંજોગોમાં આ યુદ્ધને પોતાના ઘરઆંગણે તાણી લાવવાના પક્ષમાં નહોતું. કોઈ પણ ડાહ્યો દેશ આવી જ નીતિ અપનાવે કેમકે એક વાર યુદ્ધ શરૂ થઇ જાય, પછી આર્થિક તબાહી ઉપર કોઈ નિયંત્રણ રહેતું નથી. વળી અમેરિકાને એ પણ ખબર હતી કે જો એ કોઈ પણ એક પક્ષની મદદે ઊતરશે, તો પહેલેથી જ ગુસ્સો પીને બેઠેલો પડોશી દેશ મેક્સિકો સામેની ટીમમાં જોડાઈ જશે. મેક્સિકોમાંથી ટેક્સાસ રાજ્ય કયા સંજોગોમાં છૂટું પડ્યું, અને પાછળથી આ રાજ્ય કઈ રીતે યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકામાં જોડાયું એની વાત આપણે ગત સપ્તાહે કરેલી. ટેક્સાસના યુએસએ સાથેના જોડાણને પગલે મેક્સિકો અને અમેરિકા વચ્ચે 1846માં યુદ્ધ ફાટી નીકળ્યું. એમાં યુએસએનો વિજય થયો. એના પગલે ન્યૂમેક્સિકો, કેલિફોર્નિયા અને એરિઝોનાં રાજ્યો પણ યુએસએ સાથે જોડાયાં. મેક્સિકન પ્રજાને મહત્ત્વનાં રાજ્યો ગુમાવ્યાનો કાયમી ડંખ રહી ગયો. અમેરિકાને પણ આ `ડંખ’ વિષે સારી પેઠે ખબર હતી.

યુરોપિયન વોર શરૂ થઇ એ વખતે અમેરિકામાં વુડ્રો વિલ્સન પ્રમુખપદે હતા. એમણે શરૂઆથી જ અમેરિકાને યુદ્ધથી દૂર રાખ્યું. આજ કારણોસર 1916માં અમેરિકન પ્રજાએ વુડ્રો વિલ્સનને ફરી વખત અમેરિકન પ્રમુખ તરીકે ચૂંટી કાઢ્યા. જોકે, આખી વાતમાં એક બીજો મુદ્દો ય હતો. અમેરિકન પ્રજા મૂળેથી વેપારી. યુદ્ધના સમયે એ શસ્ત્રોના વેચાણ સહિતનો બિઝનેસ ન કરે તો જ નવાઈ. અવઢવ એ હતી કે બેમાંથી કયા જૂથને શસ્ત્રો વેચવા? તત્કાલીન અમેરિકન પ્રજાને યુરોપમાં કોણ રાજ કરે એ વિષે બહુ પડી નહોતી, પણ જર્મની એમને બહુ ગમતું નહોતું. અમેરિકન સરકાર પણ જર્મની તાકાતવર થાય એવું નહોતી ઈચ્છતી અને જેના સામ્રાજ્યનો સૂર્ય ક્યારેય આથમતો નહોતો એવું સુપરપાવર બ્રિટન ખોખલું થઇ રહ્યું હતું. જો બળુકા દેશ તરીકે ઊભરી રહેલા જર્મનીને જોરદાર ફટકો મારવામાં આવે તો નવા સુપર પાવર તરીકેનો અમેરિકાનો માર્ગ મોકળો થઇ જાય… અમેરિકા બ્રિટન, ફ્રાંસ સહિતના દેશોને મોટી સંખ્યામાં હથિયારો સહિતનો યુદ્ધ પુરવઠો વેચી રહ્યું હતું. અમેરિકન બેન્કોએ બ્રિટન અને ફ્રાંસને તોતિંગ લોન્સ આપી હતી. પ્રથમ વિશ્વયુદ્ધ જુલાઈ 1914થી નવેમ્બર, 1918 સુધીના ચારેક વર્ષ ચાલ્યું. એમાં શરૂઆતનાં ત્રણ વર્ષ તો અમેરિકાએ તટસ્થ રહેવાનું જ પસંદ કર્યું. ઠેઠ 1917ની મધ્યમાં એણે યુદ્ધમાં પ્રવેશ કર્યો. આખરે કઈ ઘટનાએ અમેરિકાને યુદ્ધમાં ઉતરવા મજબૂર કર્યું?

જર્મન સેનાએ બેલ્જિયમના પ્રદેશો પર કબજો કરીને સ્થાનિક પ્રજાને ભારે ત્રાસ આપ્યો. એ સિવાય નોર્થ એટલાન્ટિક મહાસાગર તેમ જ ભૂમધ્ય સાગરમાં જર્મનીએ જે સબમરીન વોર શરૂ કરી એમાં પેસેન્જર શિપ્સને પણ નિશાન બનાવામાં આવ્યું હતું.. બ્રિટનની `આરએમએસ લુસીટેનિયા’ને જર્મન નૌકાદળે ટોરપીડો એટેક કરીને ડૂબાડી, જેમાં લગભગ બારસો મુસાફરો માર્યા ગયા. આ ઘટનાઓ પછી અમેરિકન પ્રજામાં જર્મની વિદ્ધ આક્રોશ ફાટી નીકળ્યો. અમેરિકી સરકારે યુદ્ધની તૈયારીઓ શરૂ કરી દીધી. (આ તૈયારીઓ વિષે આખો અલગ લેખ થાય એમ છે.) તેમ છતાં હજી યુદ્ધે ચડવા માટે કોઈ પર્યાપ્ત કારણ નહોતું.

હવે આર્થર ઝિમરમેન….આ નામ પ્રથમ વિશ્વયુદ્ધના ઇતિહાસમાં બહુ મહત્ત્વનું છે. ઝિમરમેન એ સમયે જર્મનીમાં `સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ફોરેન અફેર્સ’ ની પોસ્ટ પર હતો. સાદી ભાષામાં એને જર્મનીનો વિદેશમંત્રી કહી શકાય. અમેરિકા શસ્ત્રો સહિતનો જે પુરવઠો બ્રિટન અને સાથી દેશોને આપતું હતું એના પર જો રોક લાગી જાય તો બ્રિટનની કમ્મર તૂટી જાય. એ પછી યુદ્ધનું પરિણામ સીધું જર્મનીની ફેવરમાં જ આવે. આ વાતની ઝિમરમેનને ખબર હતી એટલે એ બ્રિટનને મળતો અમેરિકન પુરવઠો રોકવા માટે ગમે તે કરવા તૈયાર હતો, પણ યુદ્ધ યુરોપમાં લડાતું હોય અને અમેરિકા તટસ્થ દેશની ભૂમિકામાં હોય તો અમેરિકાને રોકવું કેમ?

એક રસ્તો હતો. ગમે એ ભોગે અમેરિકાને ખુદને જ યુદ્ધમાં ઉતારવું! એવું થાય તો અમેરિકાને પોતાને જ યુદ્ધ પુરવઠાની જરૂર ઉભી થાય. ઝિમરમેને એવો પ્લાન બનાવ્યો કે અમેરિકા યુદ્ધમાં તો ઊતરે, પણ જર્મની સામે લડવાને બદલે પડોશી દેશ સાથેની લડાઈમાં જ ગૂંચવાઈ મરે. જો એવું થાય તો બ્રિટન-ફ્રાંસ આપોઆપ નબળા પડે અને યુરોપ આખું જર્મનીને તાબે થાય! આ આખો પ્લાન સફળ થાય એ માટે અમેરિકાને નહીં, પણ એના પડોશીને ઉશ્કેરવાની જરૂર હતી. આ પડોશી દેશ એટલે મેક્સિકો…! ઝિમરમેને મેક્સિકોને ટેલિગ્રામ કર્યો, જો તમે વિશ્વયુદ્ધમાં અમારી પડખે ઊભા રહીને અમેરિકા સામે લડશો તો અમે (જર્મની) તમને ટેક્સાસ, ન્યૂ મેક્સિકો અને એરિઝોના જેવા પ્રદેશો પાછા મેળવવામાં મદદ કરીશું!' આમ ઝિમરમેને મેક્સિકોની દુખતી નસ બરાબર દબાવી હતી. જો જર્મનીનો સાથ મળે તો મેક્સિકો અમેરિકા પર ચડી બેસવા તૈયાર હતું. ...પણ, ઝિમરમેનનો એ ટેલિગ્રામઐતિહાસિક’ સાબિત થયો, કેમકે બ્રિટનના ટેકનિશિયનોએ સાંકેતિક ભાષામાં લખાયેલો એ ટેલિગ્રામ ડી-કોડ કરી નાખ્યો- ઉકેલી લીધો !

ઝિમરમેનનો ખતરનાક પ્લાન અમેરિકાને ઉશ્કેરવા માટે પૂરતો હતો. બ્રિટને ઝિમરમેનનો ટેલિગ્રામ યુએસએ પ્રમુખ વુડ્રો વિલ્સન સુધી પહોંચાડી દીધો. એ પછી પોતાના વિસ્તારોની રક્ષા માટે અમેરિકા પાસે યુદ્ધમાં ઊતરવા સિવાય કોઈ માર્ગ બચ્યો નહોતો. 6 એપ્રિલ, 1917ના દિવસે અમેરિકા યુદ્ધમાં ઊતર્યું, એ સાથે જ અમેરિકા જેને યુરોપિયન વોર માનતું હતું એ યુદ્ધ સાચા અર્થમાં `ફર્સ્ટ વર્લ્ડ વોર’ બની ગયું. એન્ડ રેસ્ટ ઇઝ હિસ્ટ્રી! જો ઝિમરમેનનો એ ટેલિગ્રામ બ્રિટિશર્સના હાથે ન ચડ્યો હોત, અને ઝિમરમેનનો પ્લાન સફળ થયો હોત તો ત્યારે કદાચ ઈતિહાસનો પ્રવાહ પલટાઈ જાત !

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button