વીક એન્ડ

જિગર કી આગ બુઝે જિસ જલ્દ વો શય લાલગા કે બર્ફ મેં સાકી સુરાહી-એ-મય લા-“ઇન્શા”

ઝાકળની પ્યાલી – ડૉ. એસ. એસ. રાહી

ઇન્શા જો શાયર ન હોત અને તેમને તમામ પ્રકારની સુવિધા, અનુકૂળતા અને વાતાવરણ મળ્યાં હોત તો ભારતના મહાપુરુષોમાં તેમની ગણના થાત. તેઓ દરેક વિષયમાં રસ લેતા અને તેમાં વિદ્વત્તા મેળવી લેતા. તેઓ બાળપણથી મેઘાવી, ચંચળ અને પ્રતિભાશાળી હતા. એમ કહેવાય છે કે તે જમાનામાં ઉર્દૂ શાયરોમાં તેમના જેવી બુદ્ધિમત્તા-પ્રતિભા અન્ય કોઇ શાયરમાં ન્હોતી. ભણવાના દિવસોમાં તેઓ સારી રીતે ગાઇ શકતા અને ગઝલના કાફિયા જોડી દેતા હતા. તેમણે નાનપણમાં સિતાર વગાડવાનું શીખી લીધું હતું.

ઇન્શાનું પૂરું નામ ઇન્શા અલ્લા ખાન અને તેમના પિતાનું નામ હકીમ માશાઅલ્લા ખાન હતું. દિલ્હીમાં મુસલમાનોના કબ્જા હેઠળના રાજ્યનું પતન થયું ત્યારે ઇન્શાના પિતા સ્થળાંતર કરી મુર્શિદાબાદમાં વસી ગયા હતા. ઇન્શાનો જન્મ મુર્શિદાબાદમાં ઇ. સ.1756માં થયો હતો. ઇન્શાના પૂર્વજો સમરક્નદ અથવા નજફ (ઇરાન)થી પ્રથમ કાશ્મીરમાં અને ત્યાર પછી દિલ્હીમાં વસી ગયા હતા. ઇન્શાના પિતાએ શાહી દરબારમાં હકીમ તરીકે કામ કર્યું હતું. દરબારીઓ અને ઉમરાવો સાથે તેમને સારા સંબંધો હતા.

ઇન્શા જન્મજાત શાયર હતા. શાયરી લેખન માટે તેમને કોઇની સલાહ કે તાલીમ લેવાની જરૂર ઊભી થઇ નહોતી, પરંતુ ઇન્શા તેમની રચનાઓ તેમના પિતાને બતાવતા. કારણકે તેમના પિતા `મસદર’ના તખલ્લુસથી શે’ર શાયરી રચતા હતા. ઇન્શાના પિતા તેમના પરિવાર સાથે ઝાઝો સમય મુર્શિદાબાદમાં રહ્યા ન્હોતા. તેઓ ફરીથી પાછા દિલ્હી આવી ગયા. એ વખતે દિલ્હીનો શાહી દરબાર મારી દશા અનુભવી રહ્યો હતો. આમ છતાં શાહઆલમે શાયરીની મોહબ્બત માટે અને તેમની શાન-ઓ-શૌકત જાળવી રાખવા ઇન્શાનું સન્માન કર્યું હતું. ઇન્શાએ પોતાના ગુણો, મીઠી ભાષા, હાજરજવાબીપણા, મજાક-મશ્કરી અને શાયરી વડે શાહઆલમ પર એવો પ્રભાવ જમાવ્યો હતો કે શાહઆલમ ઇન્શાની ગેરહાજરીથી બેચેન બની જતા.

ઇન્શાના જીવન-કાળ વખતે દિલ્હીમા સૌદા',મીર’ તેમ જ `દર્દ’ના કેટલાક શાયર-શિષ્યો હયાત હતા. આ બધા ઘરડા થઇ ગયા હોવાથી તથા તેમની શાયરી ફિક્કી થઇ ગઇ હોવાથી ઇન્શાને તેનો લાભ મળ્યો. મુશાયરામાં ઇન્શા એવા જોમ-જુસ્સાથી ગઝલો લલકારતા કે તેઓ આખો મુશાયરો લૂંટી લેતા. શાહી દરબારમાં પૈસા કઢાવવા માટે તેમને તકલીફ પડતી. છેવટે આર્થિક સંકડામણને લીધે ઇન્શાએ દિલ્હીને અલવિદા કરી લખનઊનો રસ્તો પકડયો. લખનઊમાં ઇન્શા સૌ પ્રથમ મિરઝા સુલેમાન શિકોહના નોકર તરીકે રહ્યાં, તેની સાથે તેઓ શિકોહના ઉસ્તાદ પણ બન્યો. દરમિયાન શાયર ઇન્શાના નામની ખુશ્બુ ચોતરફ પ્રસરી ગઇ હતી. ઇન્શાના વખાણ સાંભળીને સઆદત અલીખાને તેમને પોતાની પાસે બોલાવી દીધા. જીવ્યા ત્યાં સુધી ઇન્શા ત્યાં જ રહ્યા. ઇ. સ. 1817માં આ શાયરનું લખનઊમાં જ અવસાન થયું હતું.

ઇન્શા ઉર્દૂ ઉપરાંત અરબી, ફારસી અને તુર્કી ભાષાના જાણકાર હતા. તેઓ ઉર્દૂ ગઝલોમાં ફારસી અને અરબીની પંક્તિઓ સહજતાથી જોડી દેતા હતા. ફારસી પર તેમનો અદ્ભુત કાબૂ હતો. તેઓ હિન્દુસ્તાનનો વિવિધ રાજ્યોના રીત-રિવાજ અને કથા-સાહિત્ય વિશે જ્ઞાન ધરાવતા હતા. ભારતવર્ષની અલગ અલગ ભાષાઓ તેઓ જાણતા હતા. કયારેક પંજાબી ભાષામાં વાત કરતા કરતા તેઓ પૂર્વ ભારતની બોલી બોલતા તો કયારેક વાતચીતમાં વ્રજ ભાષાનો ટહુકો કરી લેતા હતા. તેઓ જરૂર પડે તો કાશ્મીરી, મરાઠી, અફઘાની (પુખ્તો) ભાષામાં સરળતાથી વાત કરી લેતા હતા.

ઇન્શાની ઉર્દૂ અને ફારસી કૃતિઓના અલગ અલગ દળદાર સંગ્રહો પ્રગટ થયા છે, જેમાં તેમની ગઝલો, કસીદા, મસનવી અને છુટ્ટા શે’ર ગ્રંથસ્થ કરાયા છે. તેમની પાસેથી ગદ્યનાં બે પુસ્તકો પણ મળ્યાં છે. દરિયાય લતાફત' નામના ભાષા વિજ્ઞાનને લગતા પુસ્તકમાં તેમણે ઉર્દૂ ભાષાના વ્યાકરણના નિયમો સાથે ચર્ચા કરી છે. તોરાની કેતકી કી કહાની’ પુસ્તકમાં તેમણે અરબી-ફારસી ભાષાનો એક પણ શબ્દ લીધા વગર શુદ્ધ હિન્દી ભાષાનો ઉપયોગ કર્યો છે. કુંવર ઉદયભાન અને રાણી કેતકીની પ્રેમકથાના સરસ વર્ણનથી સભર આ પુસ્તકમાં મસનવી (કથાકાવ્ય)ની શૈલીનો ઉપયોગ પુસ્તકને સમૃદ્ધિ બક્ષે છે.
ઇન્શા સાહેબની શાયરીની દુનિયામાં હવે લટાર મારીએ.
કયા હસી આતી હૈ મુઝ કો હઝરતે-ઇન્સાન પર,
ફેલ-બદ તો ખુદ કરેં, લાનત કરે શૈતાન પર
આ પ્રતિષ્ઠિત મહાશય પર તો મને હસવું આવે છે . પોતે તો ખોટું કામ કરે છે. અને દોષનો ટોપલો (ફિટકાર) શયતાન પર ઢોળી દે છે.
ગુસ્સે મેં હમને તેરે બડા લુત્ફ ઉઠાયા,
અબ તો અમૂમન ઔર ભી તકસીર કરેંગે.
મને તો તારા ગુસ્સામાં પણ (ખૂબ) મજા પડી ગઇ. હવે પછી તો આ રીતે હું બીજા (વધુ) ગુનાઓ પણ કરતો રહીશ. પ્રિયતમાની મશ્કરી કરવાનો શાયરનો આ અંદાજ નિરાળો છે.

નજાકત ઉસ ગુલે-રસના કી દેખિયે `ઇન્શા’,
નસીમે સુબહ જો છૂ જાયે, રંગ હો મૈલા.
શાયર પોતાને જ સંબોધીને કહે છે કે ઓ શાયર, એક ફૂલ જેવી સુંદરીની કોમળતા તરફ તો તું જરાઇ નજર કર. જો સવારને પવન પણ એને સ્પર્શી જાય તો રંગ મેલો થઇ જાય છે. પ્રિયાની પ્રશંસા કરવા માટે શાયરે કેવો રસ્તો પસંદ કર્યો છે!

નજીબોં કા અજબ કુછ હાલ હૈ ઇસ દૌર મેં, યારો,
જહાં પૂછો યહી કહતે હૈ : `હમ બેકાર બૈઠે હૈ’
મિત્રો, શરીફ લોકોની સ્થિતિ હમણાં અજબ થઇ ગઇ લાગે છે
તેઓની હાલત વિશે પૂછીએ છીએ ત્યાં તેઓ તરત એમ કહી દે છે . “અમે બેકાર બેઠા છીએ.”
લે કે મૈં ઓછું? બિછાઉ? યા લપેટું ! કયા કરું?
રૂખી, ફી કી , સુખી, સાખી મેહરબાની આપ કી.
તમારી, લુખ્ખી, ફિક્કી, સુક્કી અને તેજ વગરની મહેરબાની લઇને હું શું કરું? હું તેને ઓછું? બિછાવું? લપેટું? શું કરું? (એ તમે જ મને કહો).
અજી કયોં રૂલાતે હો મુઝ કો તુમ્હે, કયા-
નહીં રહમ આતા મેરી ચશ્મેકોતર પર?
તમે મને શા માટે રડાવી રહ્યા છો? મારી ભીની આંખો જોઇને શું તમને જરા પણ (મારા પર) દયા નથી આવતી?

ન છેડ સૈ નિકહતે બાદે બહારી, રાહ લગ આપની,
તુઝે અકખેલિયાં સૂઝી હૈં, હમ બેઝાર બૈઠે હૈં.
ઓ સુગંધિત લ્હેરો! (મહેરબાની કરીને) મને પજવો નહીં. તમે આગળના રસ્તે ચાલ્યા જાવ તમને આમ અડપલાં કરવાનું સુઝે છે અને અમે પરેશાન થઇ જઇએ છીએ.

ન રોકે તૂર તો હમ જાયેં અર્શ સે ઊંચે,
હમારી રાહ સે પથ્થર જરા હટા દેના
જયાં હજરત મૂસા (અ. સ.) ને દિવ્ય પ્રકાશ દેખાયો હતો તે પર્વતને તૂર તરીકે ઓળખવામાં આવે છે. આથી તે વાતનો સંદર્ભ ટાંકીને શાયર ઇન્શા કહે છે કે જો તૂરનો પહાડ અમને અટકાવે નહીં તો અમે આકાશથી પણ ઊંચે જઇ શકીએ. અમારા માર્ગમાં જે (વિઘ્ન રૂપ) પથ્થર છે તેને કોઇ હટાવી દે તો કેવું સારું!

ખયાલ કીજિયે કયા આજ કામ મૈં ને કિયા,
જબ ઉસ ને દી મુઝે ગાલી, સલામ મૈં ને કિયા
ઇન્શા સાહેબના કેટલાયે શે’ર સુરા, સાકી, સુરાહી, સુરાલય, પૈમાના, ઝાહિદ, શેખ, નાસેહ, વાઇઝ વગેરેથી તરબતર છે. તેમાંથી કેટલાક પ્રતિનિધિ શે’રનો રસાસ્વાદ કરીએ.

ગર યાર મય પિલાયે તો ફિર કયું ન પીજિયે,
ઝાહિદ નહીં, મૈં શેખ નહીં, કુછ વલી નહીં.
પ્રેયસી કે દોસ્ત, જો મને શરાબ પીવડાવે તો પછી હું કેમ ન પીઉં? હું કાંઇ ધર્મનો ઉપાસક, શેખ કે સંત-ઓલિયો નથી (જેથી હું સુરાપાન માટે ના પાડું).

ઝાહિદ કો હુઆ પૈદા પીને કા નયા ચસ્કા,
કૂઝા જો વુજૂ કા થા, પૈમાના બના ડાલા.
ઇસ્લામી તરીકા પ્રમાણે નમાજ પઢતા પહેલા વ્યક્તિ તેના હાથ, મોં અને શરીરનાં બીજાં અંગોને મસાહ કરે તે વિધિને વુઝુ' અથવાવઝુ’ કહેવામાં આવા છે. વઝુ કર્યા વિના નમાઝ કબૂલ થતી નથી.
આ શાયરીમાં શાયરે કટાક્ષનાં બાણ છોડયા છે. ત્યાગી કે વિરકતને પણ સુરાપાન માટે કેવો ચસ્કો ઉપડયો છે. વઝુ કરવા માટેનું જે પાત્ર હતું. તેને જ આ ત્યાગીએ શરાબનો પ્યાલો બનાવી દીધો.

ગરચે વકત પીને સે કી હૈ તૌબા મૈં ને,
ભૂલ જાતા હૂં વલે તેરી મુલાકાત કે વક્ત.
મેં સુરાપાન ન કરવાની બાધા લીધી છે. પણ શું કરું? તને મળું છું ત્યારે હું આ બધું ભૂલી જાઉં છું. મતલબ એ કે પ્રિયતમાના દર્શન માત્રથી જ શાયરને નશો ચડી જાય છે. પછી મયકશીની શી જરૂર?
જિગર કી આગ બુઝે જિસ સે જલ્દ વો શય લા, લગ કે બર્ફ મેં સાકી સુરાહી-એ-મય લા.
શાયર સાકીને સંબોધીને કહે છે કે (મારા) કાળજાની આગ બુઝાય ઠરી જાય એવી કોઇ ચીજ તું જલ્દી લઇને આવ. એ સાકી, તું એક કર કે શરાબ ભરેલી સુરાહીને તું બરફમાં મૂકી (મારી પાસે) લઇ આવ અંતમાં, આ શાયરનો ઇશ્કે-હકીકી (ઇશ્વરીય પ્રેમ) વ્યક્ત કરતો લાજવાબ શે’ર માણીએ:
કયા ખુદા સે ઇશ્ક કી મૈં રૂ-નુમાઇ માંગતા?
માંગતા ભી ઉસ સે તો સારી ખુદાઇ માંગતા.
ખુદાની બંદગી-પ્યારમાં એટલો ડૂબેલો છું કે હું ખુદા પાસે શું માગું? (એ માટે હું પાત્રતા ધરાવું છું ખરો?) અને મારે જો કાંઇ માગવું જ હોય તો આખી દુનિયા જ ન માગી લઉં?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button