આજના યુવાનોમાં ચોરી-ચોરી… છૂપકે-છૂપકે… શું ચાલી રહ્યું છે?
ક્લોઝ અપ – ભરત ઘેલાણી
અત્યાર સુધીમાં 350થી વધુ મોબાઈલ ઍપ્સ પર પ્રતિબંધ મુકાઈ ગયો હોવા છતાં ડિજિટલ યુગની યુવાપેઢી અજાણી ઍપ્સ કે પ્લૅટફૉર્મ્સ પર ઑનલાઈન કેવા કેવા ખતરનાક ખેલ કરી રહી છે એની સ્ફોટક ઝલક…
આ પણ વાંચો : ભાત ભાત કે લોગ : અજાણ્યાનું પર્સ તમારા હાથમાં આવી જાય તો?
એક જમાનો હતો, જ્યારે માણસની આયુ માત્ર બે શબ્દથી ગણાતી. એક: જુવાન – નવી પેઢી અને બીજી: વૃદ્ધ – જૂની પેઢી!
આજે સિનારિયો સાવ પલટાઈ ગયો છે. તમે કયા વર્ષમાં જન્મ્યા એના પરથી તમારી આયુનું વર્ગીકરણ થાય. ઉદાહરણ તરીકે,1965-1980 દરમિયાન જન્મેલા એની યુવાવસ્થામાં પહોંચે તો એ ‘જનરેશન X તરીકે ઓળખાય છે. એ જ રીતે, 1981-1996ની પેઢી ‘મિલેનિયલ્સ’ ગણાય. એને ઘણા ‘જનરેશન Y પણ કહે છે. જ્યારે 1997થી 2012 વચ્ચે જન્મેલી યુવા પેઢી ‘જનરેશન Z તરીકે ઓળખાય છે. આ પહેલાંનાં વર્ષોવાળા ‘બૂમર્સ’ કહેવાય છે.
‘આ તો થયું વયનું વર્ગીકરણ. હવે આજની પેઢીઓવાળા એમના જીવન દરમિયાન કેટલાં સિક્રેટ રાખી શકે?’ એનાં પણ જાતભાતનાં સંશોધન થયાં પછી માનસશાસ્ત્રીઓ એવાં તારણ પર આવ્યા છે કે માણસ એના જીવન દરમિયાન વધુમાં વધુ 13થી 14 વાત ગુપ્ત રાખી શકે માનસનિષ્ણાતો આ તારણ પર કઈ રીતે પહોંચ્યાં એ તો આપણે નથી જાણતા,
પણ સામાન્ય રીતે કહેવાય છે ને કે અમુક લોકોનાં મન એવાં દરિયા જેવાં ઊંડાં હોય છે, જે ભલભલા સિક્રેટ-રહ્સ્ય-ખાનગી વાત એમાં ‘ડૂબાડી’ રાખી શકે. હશે આવા અપવાદરૂપ કેટલાક, પણ હકીકત એ છે કે સામાન્ય રીતે પુરુષ 13-14થી વધુ રહસ્ય મનની અંદર રાખી શકતો નથી. એમાંય સ્ત્રી તો પુરુષ જેટલાય ભેદ પોતાના પેટમાં રાખી શકતી નથી એવું અનુભવીઓ કહે છે!
મૂળ વાત પર પરત ફરીએ તો આ ડિજિટલ જમાનામાં આજની જનરેશન Z હવે વધુ ને વધુ ગુપ્તતા જાળવતી થઈ ગઈ છે. સાત-આઠ વર્ષ પહેલાં ‘ફેસબુક’ કે ‘ટ્વિટર’ (હવે X) જેવાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો જે દબદબો હતો એ હવે ઝડપથી ઘટી રહ્યો છે. હવે એ પહેલાં જેવાં સુરક્ષિત પણ રહ્યાં નથી.
આજની ટેકનોલૉજીજાણતો કોઈ નવોદિત હેકર પણ એમના સુરક્ષાચક્રમાં સહેલાઈથી છીંડું પાડી શકે છે. પરિણામે આજના જુવાનિયાં એમની ગુપ્તતા જાળવવા નવી, પણ ઓછી જાણીતી નેટવર્કિંગ સાઈટ્સ પસંદ કરી રહ્યા છે. જોકે, આવી કેટલીક અજાણી ઍપ્સ પણ આજની પેઢી માટે ફસામણીનો ફંદો બની રહી છે.
આ પણ વાંચો : વસંત પરેશને હાસ્યાંજલિઃ સિઝનમાં સારા – સિનિયર કલાકાર પહેલાં બુક થાય…
સાયબર ફ્રોડ- ક્રાઈમ જે ઝડપે વધી રહ્યાં છે એ જોતાં આપણી સરકારે ઢગલાબંધ ઍપ્સ પર પ્રતિબંધ મૂકીને એને ફરજિયાત બંધ કરાવી દીધી છે. આવી ઍપ્સની ફસામણી કેવી ખતરનાક અને જોખમી છે એનો અંદાજ સરકારે બંધ કરાવેલી ઍપ્સના આંકડા પરથી આવશે.
આ બધા વચ્ચે પણ આજે અનેક એવી ઍપ્સ પણ છે કે, જેણે આપણાં અનેક રોજિંદાં કામ ઘણાં ઝડપી અને સરળ બનાવી દીધાં છે. એમાંય ‘વોટ્સઍપ’ની મેસેજિંગ-ચેટ-વિડિયો કોલની સુવિધા વધી છે. વાપરનારાની અમુક માહિતી લીક ના થઈ જાય – બહાર ન પડી જાય એ માટે ‘વોટ્સઍપ’એ તાજેતરમાં એની ફરતે બે થી ત્રણ સુરક્ષા ચક્ર રચી દીધાં છે.
‘વોટ્સઍપ’ જેવી જ સુરક્ષા અને સુવિધા ધરાવતી બીજી કેટલીક ઍપ્સ કે પ્લેટફોર્મ્સ છે.
આમ છતાં આજના તરુણ-તરુણીઓ જાહેરમાં ઓછી જાણીતી એવી ‘ડિસ્કોર્ડ’ અને ‘વિકર’ કે પછી ‘હાઈસાઈડ’ ઍપ વાપરી રહ્યા છે. નિષ્ણાતો અનુસાર આ ત્રણેય ઍપ્સ ‘હેંગઆઉટસ’ અને ‘વોટ્સઍપ’ કરતાં વધુ સુરક્ષિત છે. કેટલાક દેશની જાસૂસી એજન્સીઓ તો ‘વિકર’ તથા ‘હાઈસાઈડ’ પર જ પહેલી પસંદગી ઉતારે છે…!
પોતાની અમુક વાત પોતાના પૂરતી જ સીમિત રહે – ગામ આખાને ખબર પડે એ તો કોઈ પણ ન ઇચ્છે એ ખરું, પણ યુવા પેઢીમાં વ્યાપક થઈ રહેલી વધુપડતી ગોપનીયતા માત્ર વડીલો માટે જ નહીં, સમાજશાસ્ત્રીઓ ઉપરાંત કાયદાના રક્ષકો માટે પણ ચિંતાનો વિષય બન્યો છે..
જોકે, અહીં આપણી ચર્ચા કે વાતનો મુખ્ય મુદ્દો છે: શા માટે આજની પેઢી વધુ ને વધુ ગુપ્તતા જાળવે છે કે જાળવવા ઇચ્છે છે અને આવી એમની વૃત્તિ-રીતિ કેવી જોખમી પણ પુરવાર થઈ શકે એની કદાચ આ પેઢીને જાણ નથી.
જોકે, આ દિશામાં પોતાની રીતે તપાસ કરનારી સરકારી તેમ જ ખાનગી જાસૂસી એજન્સીઓની નજર સામે જે રહસ્ય બહાર આવી રહ્યું છે એ બહુ વિસ્ફોટક છે.
ઉદાહરણ તરીકે એક પ્રતિષ્ઠિત ઓનલાઈન એન્ટ્રન્સ ટેસ્ટનાં પેપેર્સ કેમ ડી-કોડ કરવા (એટલે કે ફોડવા)થી માંડીને ઈ-ડેટિંગ-સેક્સ ટેક્સિંગ-પોર્નોગ્રાફીથી લઈને રેવ (ડ્રગ્સ) પાર્ટી ક્યાં-ક્યારે યોજાવાની છે.
આ પણ વાંચો : મસ્તરામની મસ્તી : ના, હું તો ગાઈશ જ…
ઉપરાંત ક્રિપ્ટો કરન્સીની બે નંબરી લેતી-દેતી, ઇત્યાદિ ખાનગી પ્રવૃત્તિમાંય મોટા ઘરના કહેવાય એવા અને મનોરંજનની દુનિયામાં તાજેતાજી પ્રસિદ્ધિ મેળવી હોય એવા જુવાનિયા પણ સંડોવાયા છે.
આવી યુવા પેઢી ખુદ લેટેસ્ટ ડિજિટલ ટેકનોલૉજીથી પરિચિત છે એટલે પોતાના ભેદ અકબંધ રાખવા ઓનલાઈનનાં નવાં અને અજાણ્યાં સાધનો વધુ વાપરે છે. ‘જેન-ઝેડર્સ’ જેવા ટૂંકાક્ષરે ઓળખાતા ‘જનરેશન ઝેડ’ના યુવાનોમાં ‘ડિસ્કોર્ડ’ અને ‘વિકર’ની જેમ ‘રેડડિટ’ ઍપ પણ ખાસ્સી લોકપ્રિય છે. 30 લાખથી વધુ યુવાનો આ ઍપ સાથે સક્રિય સંકળાયેલા છે.
અહીં મોટા ભાગના યુવાનો પોતાની ઓળખ સંતાડવા વિચિત્ર લાગે એવાં ભળતાં જ નામ-વાક્ય મૂકે છે,જેમકે: ‘ફેટ ઘોસ્ટ’, ‘સ્લિમબ્યૂટિ’, ‘હોર્ની’ વગેરે. ‘વોટ્સઍપ’ની જેમ અહીં કોઈ પોતાનાં ‘ડીપી’ (ડિસ્પ્લે પિકચર)માં સેલ્ફી મૂકવાને બદલે પ્રાણી-પક્ષીની આકૃતિ કે રેખાંકન મૂકે છે.
એ જ રીતે, અત્યંત ખાનગી વાત માહિતી – સેક્સ કે હાર્ડ પોર્નો ક્લિપ્સ માટે કે પછી ડ્રગ્સ પાર્ટીના આયોજન માટે થોડી વાર પછી આપમેળે ‘ભૂંસાઈ’ જતી ચેટ-ફોટા કે વિડિયો ક્લિપની સુવિધા ધરાવતી ‘વિકર’ સરકારના ગુપ્તચરોની જેમ યુવાનોમાં પણ પ્રિય છે.
આ બધા વચ્ચે, દોઢ કરોડથી વધુ સક્રિય મેમ્બર્સ ધરાવતી ‘ડિસ્કોર્ડ’ ઍપ અવનવી ગેમિંગ માટે કિશોરો-તરુણોમાં જાણીતી છે. જોકે, ઓનલાઈન ગેમિંગ-રમતના આ પ્લેટફોર્મે ઘણી વાર નાદાન કિશોર-તરુણોને અજાણતાં જ ગેમબ્લિંગ (જુગાર)ની લત તરફ પણ ધકેલી દીધા હોવાના દાખલા બન્યા છે અને એક વાર લાગેલી જુગારની લત કાચી વયના કિશોરોને ડ્રગ્સ-પોર્નોગ્રાફી જેવાં કેવાં કેવાં દૂષણોમાં ડૂબાડી દે છે એનાથી એનાં મા-બાપ ખુદ અજાણ હોય છે.
તાજેતરમાં પ્રાઈવેટ સર્વરની મદદથી ચાલતી એક પિક્ચર અને લખાણવાળી ચેનલ (ઍપ)માં દિલ્હી-મુંબઈ-બેંગ્લોર- હૈદરાબાદ-કોલકાતા તથા ગૌહાટીની સ્કૂલ-કૉલેજનાં તરુણ-તરુણીઓ સંકળાયેલાં હોવાની વાત બહાર આવી છે. આવા એક હજારથી વધુ મેમ્બર્સ ધરાવતી આ ચેનલ પર અશ્ર્લીલ ફોટા અને ગંદી-ગલીચ ભાષાનો છૂટથી ઉપયોગ થાય છે. સાઈબર ક્રાઈમ સેલ સુધી આ બાતમી પહોંચતાં જ આ સાઈટ હમણાં બંધ પડી ગઈ છે.
બીજી તરફ, રાતોરાત શ્રીમંત બની જવાનાં સપનાં દેખાડતી ક્રિપ્ટો કરન્સીની કમાવાની લત પણ બીજાં દૂષણોમાં પેટ્રોલ હોમવાનું કામ કરે છે. આ જ રીતે, ‘ડાર્કનેટ’ તરીકે ઓળખાતી ગુપ્ત નેટવર્કની એક સિન્ડિકેટ ભારતમાં કામ કરી રહી છે. 250 જેટલી વ્યક્તિની આ સિન્ડિકેટ ડ્રગ્સની હેરાફેરીનું કામ કરી રહી છે. આ ટોળકીમાં સોફટવેર ઈજનેર-ડૉકટર અને આર્થિક નિષ્ણાત જેવા 20 યુવાનને આપણા નાર્કોટિક બ્યુરોએ ઝડપી લીધાં પછી ઘણી ચોંકાવનારી માહિતી આપણી સાયબર ક્રાઈમ એજન્સીને મળી છે.
આ પણ વાંચો : સ્થાપત્યનું વાઈ-ફાઈઃ અગાસીનું મહત્ત્વ
ડ્રગ્સની લેતી-દેતીમાં રૂપિયા બે કરોડનો ક્રિપ્ટો કરન્સીમાં ધંધો કરનારી આ ટોળકીનો બોસ રઘુનાથ કુમાર છે, જેણે ‘ડાર્ક્નેટ ગીતા’ નામનું પુસ્તક પણ લખ્યું છે અને આશ્ચર્યની વાત એ છે કે આ રઘુનાથ અત્યાર સુધી કર્ણાટકની બેલારી જેલમાંથી એનો આ બે-નંબરી ધંધો પણ ચલાવતો હતો!