રફ્તારના રોમાંચમાં જિંદગીથી ખેલતા યુવાનો
અમેરિકાના ફોર્બ્સ મેગેઝિન અનુસાર મોટરસાઈકલના અકસ્માતોમાં થતાં મૃત્યુમાં સૌથી મોટી સંખ્યા યુવાનોની હોય છે. આપણે ત્યાં વર્ષ ૨૦૨૨માં ૭૫,૦૦૦ મૃત્યુ તો દ્વિચક્રી વાહનોના અકસ્માતમાં થયા છે. અને આ ૭૫,૦૦૦ મૃત્યુમાં ૭૦ ટકાથી વધુ યુવાનો હતા
વિશેષ -લોકમિત્ર ગૌતમ
વિશ્ર્વ આરોગ્ય સંસ્થા (ડબ્લ્યુએચઓ) મુજબ દર વર્ષે માર્ગ અકસ્માતોમાં ૧૩ લાખ લોકો મૃત્યુ પામે છે. તેનાથી પણ ગંભીર બાબત એ છે કે મૃત્યુની સંખ્યાના બમણા લોકો વિકલાંગ થઇ જાય છે. આ મૃત્યુ પામનાર અને વિકલાંગ બનનાર લોકોમાં બહુ મોટી સંખ્યામાં યુવાનો હોય છે. ડબ્લ્યુએચઓ મુજબ માર્ગ અકસ્માતોમાં સૌથી વધુ મૃત્યું પામનાર અને વિકલાંગ બનનાર લોકોમાં ૫ થી ૨૯ વય જૂથના હોય છે. આ વાતને વધુ સ્પષ્ટતાથી સમજવી હોય તો એ રીતે સમજી શકીએ કે દેશમાં જેટલા વિકલાંગ યુવાનો છે તેમાંથી લગભગ ૧૦ ટકા જેટલા માર્ગ અકસ્માતને કારણે વિકલાંગ થયેલા છે.
ભારતમાં અકસ્માત મૃત્યુના કિસ્સાઓમાં બહુ મોટો હિસ્સો માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલાઓનો છે. દર કલાકે ૧૯ લોકો માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામે છે. વર્ષ ૨૦૨૨માં ૪,૬૧,૩૧૨ માર્ગ અકસ્માતો થયા, જેમાંથી ૧,૬૮,૪૫૧ લોકોનું મૃત્યુ સ્થળ પર જ થઇ ગયું હતું. જો વર્ષ ૨૦૨૧ સાથે સરખામણી કરીએ તો અકસ્માતોમાં ૧૧.૯ ટકાની વૃદ્ધિ થઇ હતી, જ્યારે મૃત્યુના આંકડામાં ૯.૪ ટકાની વૃદ્ધિ થઇ હતી. આમ તો, માર્ગ અકસ્માતોમાં વિકલાંગ થનારાઓનો કોઈ ચોક્કસ રેકોર્ડ રાખવામાં નથી આવતો, પરંતુ દેશમાં જે દર કલાકે ૫૩ અકસ્માતો થાય છે તેમાંથી ૧૯ મૃત્યુ સાથે લગભગ ૩૦ થી ૩૨ લોકો દુર્ઘટનાના ગંભીર રીતે શિકાર બનીને કાં તો આંશિક રીતે અથવા બહુ મોટા પાયે હંમેશાં હંમેશાં માટે વિકલાંગ બની જાય છે. તેમાં પણ સૌથી મોટી સંખ્યા યુવાનોની છે, મૃત્યુ અને વિકલાંગતા બંનેમાં.
અમેરિકાના ફોર્બ્સ મેગેઝિન અનુસાર મોટરસાઈકલના અકસ્માતોમાં થતાં મૃત્યુમાં સૌથી મોટી સંખ્યા યુવાનોની હોય છે. આપણે ત્યાં વર્ષ ૨૦૨૨માં ૭૫,૦૦૦ મૃત્યુ તો દ્વિચક્રી વાહનોના અકસ્માતમાં થયા છે. અને આ ૭૫,૦૦૦ મૃત્યુમાં ૭૦ ટકાથી વધુ યુવાનો હતા. મૃત્યુનો આ આંકડો એટલે પણ ડરામણો છે, કેમકે આ પહેલાના વર્ષની સરખામણીમાં ૮ ટકાની વૃદ્ધિ છે. તેનાથી એટલું તો ચોક્કસ છે કે માર્ગ અકસ્માતો પ્રત્યેના અનેક જાગૃતિ અભિયાનો પછી પણ યુવાનોમાં જરાય જાગૃતિ આવી નથી.
જો એવું ન હોત તો ફોર્બ્સ અનુસાર છેલ્લાં દસ વર્ષમાં માર્ગ અકસ્માતોમાં ૧૯ ટકાની વૃદ્ધિ જોવા મળી ન હોત અને મૃત્યુમાં પણ ૫ ટકાનો વધારો થયો ન હોત.
આ આંકડાઓ ઉપરથી એ અંદાજ પણ લગાવી શકાય છે કે પોતાની અણસમજ અને નાદાનીઓને કારણે પણ દુનિયામાં દર વર્ષે વિકલાંગોની વસ્તીમાં ખાસ્સો વધારો થઇ રહ્યો છે અને તેમાં સૌથી મોટો હાથ યુવાનોનો છે. વિશ્ર્વ આરોગ્ય સંસ્થા વારંવાર ચેતવણી આપી રહ્યું છે કે મોટાભાગના માર્ગ અકસ્માતો એ જ દેશોમાં શિથિલ કાયદાઓ અને વ્યવસ્થાઓને કારણે થઇ રહ્યા છે.
ડબ્લ્યુએચઓની વાતને એ રીતે પણ સમજી શકાય છે કે, દુનિયામાં જેટલા માર્ગ અકસ્માતો થાય છે, તેમાંથી ૯૩ ટકા, ગરીબ અથવા ભારત જેવા મધ્યમ આવક વાળા દેશોમાં થાય છે. ભારત આખી દુનિયામાં માર્ગ અકસ્માતોમાં શિરમોર દેશ છે!
દુનિયામાં જેટલા યુવાનો માર્ગ અકસ્માતોમાં વિકલાંગ થઇ રહ્યા છે અથવા મૃત્યુ પામી રહ્યા છે તેમાં પણ સૌથી મોટી સંખ્યા ભારતીય યુવાનોની છે. તેનું એક કારણ કદાચ એ પણ હોઈ શકે કે કોઈપણ વિકાસશીલ દેશ કરતાં વધુ વાહનો ભારતમાં છે. હકીકત એ છે કે આખા યુરોપમાં જેટલા દ્વિચક્રી વાહનો હશે, તેના કરતાં પણ વધુ એકલા
ભારતમાં છે.
આપણે ક્યારે સમજીશું કે વિકલાંગતા જીવનનો સૌથી મોટો અભિશાપ છે? આપણે કમ સે કમ પોતાના માટે તો વિકલાંગતા આવે એવી પરિસ્થિતિ ન સર્જીએ. ભારત જેવા દેશમાં માર્ગ અકસ્માતોમાં એટલા મોટા પાયે લોકો મૃત્યુ પામે છે કે વિકલાંગ બને છે કે તેને કારણે ભારતના કુલ સ્થાનિક ઉત્પાદનમાં ૩ ટકાનો ઘટાડો નોંધાય છે. કારણકે જ્યારે એક યુવાન માર્ગ અકસ્માતનો શિકાર બને છે ત્યારે એ માત્ર કોઈના ઘરનો દીપક જ નથી હોતો, પણ દેશની અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ પણ
હોય છે.
વિશ્ર્વ આરોગ્ય સંસ્થા કહે છે કે, માર્ગ અકસ્માતોની એક મોટી બાજુ, જેને સામાન્ય રીતે અવગણી દેવામાં આવે છે, તે એ છે કે આખી દુનિયામાં માર્ગ અકસ્માતોને કારણે દર વર્ષે ૨ કરોડથી ૫ કરોડ લોકો ગેરઘાતક ઇજાઓનો શિકાર બને છે, જે કાગળ ઉપર ભલે ગંભીર રૂપે વિકલાંગ ન હોય, કે ન તેમની સંખ્યા મૃત્યુ પામનારાઓમાં શામેલ હોય, પણ હકીકત એ છે કે જીવન જીવવાની તેમની ક્ષમતાઓ તેમના દુર્ઘટનાગ્રસ્ત થયા પહેલાના મુકાબલે ઘણી ઓછી થઇ જાય છે.
આ ગંભીર આંકડોથી વિશ્ર્વ વિકલાંગ દિવસે આપણે એ શિખ
લેવી જોઈએ કે કુદરત તરફથી મળેલી શરીરની આ સુંદર ભેટને
આપણે કમ સે કમ આપણી મૂર્ખામી અને બેદરકારીને કારણે
ધરતીનો બોજ તો ન બનાવીએ. કારણ એક વિકલાંગ વ્યક્તિ ન માત્ર પોતાને માટે પણ સમગ્ર સમાજ માટે એક રીતે બોજ બની જાય છે. તેથી દરેક યુવાને પોતાને વિકલાંગતાથી બચાવવા હંમેશાં સજાગ રહેવાની જરૂર છે.
દુનિયામાં પહેલેથી જ ઘણાં જોખમો અને કારણો છે જેને કારણે દુનિયાની ૧૨ થી ૧૪ ટકા વસ્તી શારીરિક રૂપે સંપૂર્ણ સક્ષમ નથી, અર્થાત કે વિકલાંગ છે, જેનું મોટું કારણ કુદરતી છે. તેવામાં આપણે આ ભયાનક પરિસ્થિતિમાં આપણી તરફથી વધારો કરીએ છીએ. યુવાનોએ પોતાને ન માત્ર પોતાના માટે, પરિવાર માટે, પોતાના ઘર માટે, દેશ માટે, પણ સમગ્ર વિશ્ર્વ માટે મહત્ત્વપૂર્ણ સમજીને જાણી જોઈને પોતાને વિકલાંગ થવાથી બચાવવું જોઈએ.