“પ્રસંગ પૂરા કરવા કાજ, પુલ બંધાવો રાજ
મસ્તરામની મસ્તી -મિલન ત્રિવેદી
ગયા શનિવારના લેખમાં જોયું કે પુલ બંધાવવા માટે મીટિંગ પૂરી થઈ ગઈ છે. ડોકમાંથી સોનાની સાંકળ જેવી ચેઇન બીજી ડોકમાં સરકી ગઇ છે. નેતાગણ રાજી અને ખુશ છે.જ્યારે કોન્ટ્રાક્ટર થોડી ચિંતામાં અને મગજમાં ગણતરી સાથે મીટિંગ પૂરી કરી ઑફિસે પહોંચી ગયો છે.
ફાલતુ કંસ્ટ્રકશનની ઑફિસમાં હવે મિટિંગનો દોર શરૂ થયો છે. ૪૦% માં પુલ પૂરો કરવાનો છે. એટલે કોઈ રાજ્યનું બજેટ બનતું હોય તેમાં કયા ખૂણા માંથી કેટલું કાપવું તેની ગણતરી મંડાય તેમ કેટલા રૂપિયાનો કોન્ટ્રાક્ટ મુકીએ તો આપણી પણ દિવાળી સુધરે તેના ગણિત મંડાણા.સામાન્ય રીતે જે પુલ બાંધવા માટેની પરમિશન મળે છે તે સારી ક્વોલિટીનો અને શુદ્ધ મનોભાવથી બનાવીએ તો ૫૦૦ કરોડ માં તૈયાર થાય.પરંતુ કોઈકના પ્રસંગ સાચવવા માટે કે જલસા કરાવવા માટે પુલ બનાવવાનો હોય ત્યારે ૧૫૦૦ કરોડનું બજેટ મૂકવું પડે. છતાં નેતાગણ વચ્ચે પડી અને પ્રજાના પૈસા અમે બચાવીએ છીએ તેવું સાબિત કરવા માટે ૧૨૦૦ કરોડ મંજૂર કરશે. જાહેર સભા યોજી અને તેની ક્વોલિટી ઉપર પૂરતું ધ્યાન રહેશે. પ્રજાના પૈસાનો યોગ્ય રીતે અને પ્રમાણિકતાથી ઉપયોગ થાય તે જોવાની અમારી જવાબદારી છે. આ તકે ફાલતુ ક્ધસ્ટ્રકશનને પોતાનો નફો જતો કરી અને યોગ્ય ભાવમાં પુલ બાંધવા માટે વિનંતી કરવામાં આવશે આવી મોટી મોટી વાતો કરી અને ૧૫૦૦ કરોડનું ટેન્ડર ૧૨૦૦ કરોડ સુધી લાવશે.જોકે આપણે વચ્ચે માલના ભાવ વધી ગયા એમ કહી અને આંકડો ૧૫૦૦ એ પહોંચાડી દઈશું તેમાં શંકાને સ્થાન નથી, પરંતુ સિમેન્ટ વાળા પાસે પૂરા ગ્રેડની સિમેન્ટ નું બિલ લઈ અને ઓછા ગ્રેડની સિમેન્ટ કેટલી વાપરવી? લોખંડના સળિયા કઈ કંપનીના વાપરવા અને કઈ કંપનીનું બિલ લેવું? કેટલા ગેજનું લોખંડ વાપરવું રેતી, પાણી, ડામર , કપચી, મેટલ…. આ બધાની ગણતરી મૂકી અને સસ્તું ભાડું અને સિદ્ધપુરની
જાત્રા કરાવવા માટે મહેનત શરૂ થઈ.
હજુ મીટિંગ ચાલુ જ હતી ત્યાં નેતાનો ફોન આવ્યો કે મારા સાળાને ઘેર સીમંતનો પ્રસંગ છે તો યથાશક્તિ ૫૦ કરોડનું ચાંદલાનું કવર મોકલી આભારી કરશો. ૫૦ કરોડનું નાણું ભરી શકાય એવડું કવર ક્યાંથી કાઢવું પરંતુ સહી થવાની બાકી છે. એટલે સંતાનમાં જે આવે તે પણ ચાંદલો તો કરવો પડશે. પરંતુ એક વાત કોન્ટ્રાક્ટરને રાજી થવા જેવી એ થઈ કે ’પાસેરામાં પહેલી પૂણી’ જેવા ૫૦ કરોડ પહોંચી ગયા એટલે કોન્ટ્રાક્ટ તો પાકો મળશે જ તેની ખાતરી થઈ ગઈ.
નેતા રાજી થાય કે ના થાય તેના ઘરવાળા રાજી થવા જોઈએ.
ઘરવાળા ઉપરથી યાદ આવ્યું કે બીજી બાજુ નેતાના ઘરવાળા અને કોન્ટ્રાક્ટરના ઘરવાળા ફોન ઉપર વાત કરતા હતા.નેતાના ઘરવાળાએ દિવાળી નો પ્રોગ્રામ પૂછ્યો એટલે સામે નિશાસો નાખી અને કોન્ટ્રાક્ટરના ઘરવાળા બોલ્યા કે,”અમારે એને બે છેડા ભેગા કરતા નવ નેજા પાણી ઉતરે છે. એમાં દિવાળીમાં ક્યાં ફરવા જાવું? નેતાના ઘરવાળાએ કહ્યું કે,”અમારે પણ રાત દિવસ મહેનત કરે ત્યારે માંડ આખો પરિવાર સ્વિીટ્ઝરલેન્ડ ફરી શકે. મોંઘવારી કેટલી બધી વધી ગઈ છે બે છેડા ભેગા કરવામાં અમારે એને પણ રાત દિવસ મથવું પડે છે. આતો સમાજની સેવા કરે રાખે એટલે તેનું ફળ ઉપરવાળો આપે છે.” કોન્ટ્રાક્ટર ની પત્ની ને હાડો હાડ લાગી આવ્યું અને તરત જ કહ્યું કે “એમ તો અમારા એ પણ સેવામાં રચ્યાપચ્યા રહે છે. અને કહેતા હતા કે દિવાળી પછી એકાદ અઠવાડિયું મોરેશિયસ જઈ આવીશું.
હવે બંને ઘરવાળા સામ સામે આવી ગયા હતા. કોનો વર વધુ સારી રીતે સાચવે છે તેની ઓલમ્પિક શરૂ થઈ. કોના ઘરે કેટલી કાર છે? નવી કઈ લેવાના છે?ઘરમાં નવું શું આવ્યું? છોકરાઓ કેવી કેવી જીદ કરે છે અને શું શું લઈ આપવું પડે છે? સરવાળે બંનેને સંતોષ થયો કે ઘરવાળા બહુ સરસ રીતે સાચવે છે અને સામેવાળાને દેખાડી દીધું કે અમે પણ કમ નથી.
આખી વાતમાં પ્રજા ક્યાં છે તે તમને નહીં સમજાય કારણ કે તમે મંદબુદ્ધિ છો, ‘આવું મને ચુનીઆએ કહ્યું ત્યારે ખરેખર મને મારી જાત પર ગુસ્સો આવ્યો.’ ‘સજજન માણસોનું મૌન દુર્જન માણસોના બક્વાસ કરતા વધારે નુકસાનકારક હોય છે’. આવું ગાંધીજી કહી ગયા છે, પરંતુ અત્યારે ગાંધીજી પણ ક્યાં છે કે આપણે તે બાબતમાં વિચારીએ.
વિચારવાયુ:
અમુક ભ્રષ્ટાચારી નેતાઓ, કોન્ટ્રાકટર, અધિકારીઓના પરિવારને હેડકી બહુ આવે. લોકો ‘યાદ’ બહુ કરે ને એટલે.