વો શખ્સ ચુલ્લૂ ભર કે મુઝે ધૂપ દે ગયા લૌટા થા જબ મેં ઘર કે ઉજાલેં કો બેચ કર
ઝાકળની પ્યાલી -ડૉ. એસ. એસ. રાહી
ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ જેવા પાડોશી રાજ્યોમાંથી કેટલાંક શાયરો તેમના પરિવાર સાથે ગુજરાતના વિવિધ હિસ્સામાં આવીને વસ્યા છે. ઉત્તર પ્રદેશના બદાયુની જિલ્લામાં આવેલા ઉઝયાની નામના એક ગામમાંથી આજથી ૯૫ વર્ષ પહેલા એક કુટુંબ ગુજરાતમાં સ્થાયી થયું હતું. ગુજરાતના ઉર્દૂ શાયરો વિશેની વિગતો મેળવવા મેં સંદર્ભ ગ્રંથો ઉથલાવ્યા તો જાણવા મળ્યું કે ગુજરાતના કેટલાય નગરોમાં ઉર્દૂ શાયરોનો જન્મ થયો છે. યા તો તેઓએ દેશ-પરદેશથી ગુજરાતમાં સ્થળાંતર કર્યું છે યા તો તેમણે પોતાની કર્મભૂમિ બનાવી છે. આવા સ્થળોમાં અમદાવાદ, અંકલેશ્ર્વર, કચ્છ, કપડવંજ, કલોલ, કુતિયાણા, ખંભાત, ખેડા, જંબુસર, જામનગર, જૂનાગઢ, ટંકારીઆ, ડભોઈ, ડાકોર, દાહોદ, દેહગામ, ધોરાજી, નયિદ, પાજોદ, પાલનપુર, પેટલાદ, પોરબંદર, ભરૂચ, ભાવનગર, મહુધા, મહેમદાવાદ, મહેસાણા, માંગરોળ, રાજકોટ, રાંદેર, વટવા, વડોદરા, વિસનગર, સચીન, સુરત વગેરેનો સમાવેશ થાય છે. આ મુદ્દો અલગ અભ્યાસ માગી લે તેવો છે.
‘તાબીર’ ઉઝયાન્વી નામથી ઉર્દૂ ગઝલોનું સર્જન કરી ગયેલ શાયરને ગુજરાતી ગઝલવિશ્ર્વ ‘અંજુમ’ ઉઝયાન્વીના નામે ઓળખે છે. આ શાયર ‘અંજુમ’ તખલ્લુસથી ગુજરાતી-ઉર્દૂ બંને ભાષામાં ગઝલો લખતા હતા. પરંતુ ઉર્દૂ ભાષામાં ‘અંજુમ’ જયપુરી, ‘અંજુમ’ નવીદ અને ‘અંજુમ’ તરાઝી જેવા હોનહાર શાયરો હોવાથી ‘અંજુમે’ ઉર્દૂ ગઝલો માટે ‘તાબીર’ તખલ્લુસ ધારણ કર્યું. ‘તાબીર’ સાથે તેમણે પોતાના જન્મસ્થળને જોડીને ‘તાબીર’ ઉઝયાન્વીના નામે ગઝલોનું સર્જન કર્યું. ‘અંજુમ’નો અર્થ તારલા, તારા થાય છે તો ‘તાબીર’નો અર્થ સ્વપ્નનું રૂપ વર્ણવવું અથવા વિવરણ કરવું એવો થાય છે.
“ઈ.સ. ૧૯૬૫થી સતત સંઘર્ષમય જીવન જીવ્યો છું. આ સંઘર્ષમય જિંદગીમાં મને પુરસ્કાર રૂપે વિષાદ અને અવ્યક્ત અભાવ મળ્યો છે. તેનાથી મેં ગઝલોને શણગારી છે. મારા પરના અંગત પત્રમાં આવી નિખાલસતા વ્યક્ત કરનાર આ શાયરનો જન્મ રાજકોટમાં ૨૫ ઑક્ટોબર ૧૯૪૫ના રોજ થયો હતો. તેમનું પૂરું નામ અબ્દુલરઝાક અબ્દુલસ….. શેખ હતું. મેટ્રિક, કોવિદ અને ટૅકનિકલ શિક્ષણ લેનાર આ શાયર રોજગારી માટે જામનગર અને ભાવનગરમાં રહ્યા હતા. છેલ્લે તેઓ ખરચ (કોસંબા)માં ગુજરાત સ્ટેટ મશીન ટૂલ્સ કોર્પોરેશનમાં મિલિં મશીન ઓપરરેટર તરીકે કામ કરી ઈ.સ. ૨૦૦૫ની સાલમાં નિવૃત્ત થઈ ફરી પાછા રાજકોટમાં સ્થાયી થયા હતા. ૨૬ જાન્યુઆરી ૨૦૧૫ના રોજ ટૂંકી બીમારી બાદ રાજકોટમાં તેમનું અવસાન થયું હતું.
શાયર ‘તાબીર’ના પિતા એ.એસ. શેખના નામથી ગઝલસર્જન કરતા હતા. આમ સાહિત્યનો વારસો તેમને તેમના પિતા તરફથી મળ્યો હતો. વાર્તાઓ લખવાની શરૂઆત કર્યા પછી તેઓ ગઝલલેખન તરફ વળ્યા હતા. જામનગરમાં તેમના નિવાસ દરમિયાન તેમણે અન્ય મિત્રોના સહકારથી ‘પોએટ્રી’ નામનું દ્વિમાસિક શરૂ કર્યું હતું. તો ભાવનગરથી પ્રસિધ્ધ થતા ‘પગદંડી’ નામક દૈનિકમાં તેઓ ‘મહેફિલ’ નામની કટારમાં ગઝલોનો રસાસ્વાદ કરાવતા હતા. ગઝલ વિશેના તેમના કેટલાક લેખો સામયિકોમાં પ્રગટ થયા છે. તેમનો પ્રથમ ગુજરાતી ગઝલ સંગ્રહ ‘અંતરના ઉંબરે’ ઈ.સ. ૧૯૮૩માં તો બીજો સંગ્રહ ‘જુદો મિજાજ છે’ ઈ.સ. ૨૦૧૦માં પ્રકાશિત થયો હતો. તેમની ઉર્દૂ ગઝલોનું એક પણ પુસ્તક હજુ સુધી પ્રકાશિત થયું નથી તે બાબત ખૂંચે તેવી છે.
ગઝલસર્જનની પ્રક્રિયા સ્વાભાવિક હોવી જોઈએ એવો તેમનો મત તેમની ઉર્દૂ-ગુજરાતી ગઝલોમાં પ્રતિબિંબિત થાય છે. ઋતુચક્ર, ગરિમા ભારતી, હુમા, હમારી જબાન તેમ જ ઉજલી તેહરીર જેવા દિલ્હી, ઈન્દોર અને લાખનૌમાંથી પ્રકાશિત થતા સામયિકોમાં તેમની ઉર્દૂ ગઝલો-નઝમોને સ્થાન મળ્યું છે. તેમની ગઝલોમાં સર્જકતાના ઝબકાર પામી શકાય તેવા છે. ભીતરની લાગણીને સુંવાળા ટાંકણા વડે કંડારતા કેટલાક પાણીદાર શે’ર તેમણે આપ્યા છે. તેમની શાયરીમાં આનંદ-પ્રસન્નતા કરતા જમાનાની નિષ્ઠુરતા, જીવનની વ્યથા તેમ સંઘર્ષ અને જીવનના કડવા અનુભવોનું આલેખન થયેલું છે. આ શાયરોનો કરુણ વિષાદ કેવોક ઘૂંટાયો છે તે માટે તેમના ચુનંદા શે’રનો રસાસ્વાદ કરીએ.
વીરાના મેરી આંખો મેં ભર કે તો દેખ લૂં,
શાયદ મૂઝે યહાં સે નયા રાસ્તા મિલે.
હું મારી આંખોમાં નિર્જનતાને ભરીને જોઈ લઉં તો ખરો. કદાચ નમે અહીંથી જ નવો માર્ગ મળે.
ગૌર સે દેખ, નિગાહોં મેં ઉદાસી ભી નહીં,
ખ્વાબ દો-ચાર સુહાને હૈ, મેરી આંખોં મેં.
તું જરા બારીકાઈથી મારી નજર સામે તો જો. તેમાં (જરાય) ઉદાસી નથી. મારી આંખોમાં બે-ચાર સોહામણાં સ્વપ્નાં છે (એ તને જરૂર દેખાશે). એક ગઝલનો મત્લા શાનદાર છે:
હાલે-દિલ સબ કો સુનાઉં, યે જરૂરી તો નહીં,
મેરે જખ્મોં કો જગાઉં, યે જરૂરી તો નહીં.
હું મારા દિલની વાત બધાને સંભળાવું અને એમ હું મારા (સૂતેલ) જખ્મોને જગાડું એ જરૂરી નથી એ જ ગઝલનો મકતા.
(અંતિમ શે’ર) જુઓ
ખુદ કોે ‘તાબીર’ બના લે તૂં મસીહા અપના,
મૈં તેરા દર્દ મિટાઉં, યે જરૂરી તો નહીં :
બીમારો-દર્દીઓ પર હાથ ફેરવીને તેઓને ફરીથી તંદુરસ્ત કરતા હોવાથી ઇસુ ‘મસીહા’ તરીકે ઓળખાય છે. અહીં શાયર સૌને પોતાના મસીહા બનવાનું આહ્વાન આપે છે. તારું દર્દ અન્ય કોઇ મટાડે એ જરૂરી નથી એમ કહીને શાયરે આખી વાતનો સુંદર ઉઘાડ કરી આપ્યો છે. આ શાયરે જીવનના કમનસીબ અને દુ:ખદ કિસ્સાઓનું કોઇ કટુતા વગર, વિનયપૂર્વક આલેખન કર્યું છે. તેમની એક ગઝલના આરંભના બે શે’ર કઠણ કાળજાને ઓગાળી નાખે તેવા છે :
રદ્દી મેં અપની સારી કિતાબોં કો બેચ કર,
બચ્ચોં કી દવા લાયા રિસાલોં કો બેચ કર.
મારા (કિંમતી) પુસ્તકો અને (અમૂલ્ય) સામયિકોને મેં પસ્તીના ભાવમાં વેંચી નાખ્યાં ત્યારે હું મારા બાળકો માટે દવા લાવી શકયો! કેવી ગંભીર-હચમચાવી નાખે તેવી વાત છે.
વો શખ્સ ચૂલ્લુ ભર કે મુઝે ધૂપ દે ગયા,
લૌટા થા જબ મૈં ઘર કે ઉજાલોં કો બેચ કર
મારા ઘરનું અજવાળું વેચીને હું મારા ઘરે જઇ રહ્યો હતો ત્યારે તે વ્યકિત મને ખોબો ભરીને તડકો આપી ગઇ. ઘરનું અજવાળું એટલે શું? ઊંડાણથી સભર આ શે’ર કેટલાય અર્થથી સભર છે.
‘તાબીર’ની ખૂબ જ લોકપ્રિય થયેલી એક ગઝલના ત્રણ શે’ર ફરી ફરી વાંચવા-ઘૂંટવા જેવા છે :
ભૂખે બચ્ચોં કો મૈં ઐસી ભી ગીઝા દેતા હૂં,
કિસ્સે પરીઓં કે સુના કર મૈં સુલા દેતા હૂં.
ભૂખ્યા બાળકોને પરીઓની વાર્તા સંભળાવીને હું સુવાડી દઉં છું. પરીઓની વાર્તા જ તેમના માટે ભોજન સમાન છે.
ભોલા બચપન હૈ, વસીલોં સે બહલ જાતા હૈ,
રદ્દી કાગઝ કી કભી નાવ બના દેતા હૂં.
હું ભોળા બચપણ (બાળકો)ને પસ્તીના કાગળમાંથી નૌકા બનાવી આપું છું અને તેઓને (ખોટા) વચનની લ્હાણી કરું છું તો તેઓ ખુશખુશાલ થઇ જાય છે.
મૈં ને કલ શામ સે ઇસ ઘર મેં ધુઆં દેખા નહીં,
ઠંડે ચૂલ્હે કો મૈં જલને કી દુઆ દેતા હૂં.
ગઇ કાલ સાંજથી મેં મારા ઘરમાં ધુમાડો થતો જોયો નથી. માટે તો ઠંડો થઇ ગયેલો ચુલો જલ્દી પ્રજવલિત થાય તેવી હું દુઆ કરું છું. જીવનની હકીકતના ખડિયામાં કલમ બોળીને લખાયેલા આ ત્રણ શે’ર ઉર્દૂ શાયરીના યાદગાર શે’ર બની રહે છે.
મુમકિન નહીં થા આગ પે ચલના ભી દો કદમ,
તય કૈસે હો ગયા યે સફર કુછ ખબર નહીં.
જ્યાં અગ્નિ પર બે ડગલાં ચાલવાનું ય શકય ન્હોતું ત્યાં જીવનની સફર કેવી રીતે પૂરી થઇ ગઇ તેની કશી જ ખબર પડી નહીં. શાયર ઇશ્ર્વર પરની શ્રદ્ધાનો રણકો અહીં સાંભળવા મળે છે.
આયા હૈ કોઇ મુઝ સે મેરે ગમ ખરીદને,
કયા ગર્જ અબ મસીહા મિલે યા ખુદા મિલે.
મારા દુ:ખ દર્દને ખરીદવા માટે હવે કોઇ આવ્યું છે. પણ હવે તેનો શો અર્થ? હવે મને મસીહા મળે કે ખુદા મળે તેનાથી મને કોઇ ફરક પડતો નથી.
‘તાબીર’ ફરે લિબાસ કો સી કર પહના ભી લે,
શાયર કી જિંદગી કા યે આલા ઇનામ હૈ.
શાયર પોતાને સંબોધીને કહે છે કે તારાં ફાટેલાં વસ્ત્રો સાંધીને તું તેને જ ફરીથી પહેલી લે. શાયરની જિંદગી માટે તો આ જ મોટામાં મોટો પુરસ્કાર છે.
મુઝ કો બચપન સદાયેં દેતા હૈ,
જબ ખિલૌના કોઇ ઉઠાતા હૂં.
જયારે હું કોઇ રમકડું હાથમાં લઉં છું ત્યારે મારું બળપણ મને ઢંઢોળે છે, જાગૃત કરી દે છે.
કોઇ જખ્મોં કો ચૂમ લેતા હૈ,
જબ ગઝલ મૈં કહીં સુનાતા હૂં.
ગઝલનું બીજું નામ જખ્મદાની છે. શાયર કહે છે તેમ જયારે હું કયાંક કોઇને મારી ગઝલ સંભળાવું છું ત્યારે કોઇ (પ્રેયસી) તેના જખ્મોને ચુંબન કરી લે છે.
પથ્થર તરાશને કા મુઝે કુછ સિલા મિલે,
મુમકિન હૈ ઇસ બહાને કોઇ દેવતા મિલે.
હું પથ્થર કોતરું છું તેનો બદલો મને જરૂર મળશે. આ બ્હાને મને તેમાંથી કોઇ દેવતા મળી જાય તો કેવું સારું!