કૃતાર્થભરી નજરે
ટૂંકી વાર્તા -રમણ નડિયાદી
હું હળવેથી પડસાળની જાળીનું બારણું ઉઘાડીને બહાર આવ્યો. ભીંતને ટેકવીને મૂકેલી સાઈકલને ત્યાંથી ખસેડી માર્ગની કોરે ઊભી રાખી અને સીટ નીચે દબાવી રાખેલો ગાભો કાઢીને ખખડી ગયેલી સાઈકલને લૂછવા લાગ્યો. આંગણામાં લચી પડેલી મોગરાની વેલ પરથી ખરેલાં ફૂલો નીચે ઓટલા પર પડ્યાં હતાં. તેમાંથી થોડાં ફૂલો વીણીને કુસુમ મારી પાસે આવી. બે-પાંચ ફૂલો મારા ખિસ્સામાં મૂક્યાં. સાઈકલની સીટ પર આંગળી ફેરવતાં કહ્યું. સાંજે ઓફિસેથી ઘરે આવતાં કુંતીની દવા, અઢીસો ગ્રામ ચ્હાની પત્તી લાવવાનું ભૂલતા નૈ. બેઉ વસ્તુઓ એક ટંક પૂરતી જ છે. અવઢવની મારી બે’ક પળ અટકીને મારી સામે નજર મેળવી ઝુકાવી દુગ્ધાયેલા અવાજે તે ફરીથી કહેવા લાગી.
લોકોનું કરજ ચૂકવતા પગારમાંથી વધેલા છેલ્લા બસો રૂપિયા તમારા પાકીટમાં મૂક્યા છે. તે જીવની જેમ જાળવજો.
અને સાફ કર્યા વગરના ફાનસના કાચ જેવો તેનો ચહેરો થઈ ગયો. પણ ચાંદલો તો જ્યોતની જેમ ચમકતો હતો. તેણે ઉકળાટ ઠાલવ્યો.
દર પે’લી તારીખે મને જે પગાર આપો છો તે ઘરમાં મે’માનની જેમ જ ટકે છે. પછી આખો મૈનો મારે ઝૂઝવું પડે છે. પે’લા તો છોકરાની જીદ ફોસલાવી પટાવીને વાળી લેવાતી’તી. અવે તેઓ છેક કોલેજના પગથિયે પહોંચ્યા છે. એટલે સમજાવવાનું કઠણ બન્યું છે. દને દને વધતી જરૂરિયાત પોષાતી ન હોવાથી તેમના સ્વભાવમાં નારાજગી વરતાવા લાગી છે. પણ સદૈવ કામમાં ડૂબી રહેતી તમારી નજર તે ક્યાં જુએ છે?
કુસુમની વાતમાં કોઈ મનમેખ નો’તો. કેમકે હું તો કોશેટોની જેમ મને દવધ્યામાંથી બા’ર નીકળી શક’તો નો’તો. ઘરમાં સુખાકારી વધારવાની કોશીશમાં પરોવાયેલો રે’તો હોવાથી તેની વિટંબણા ઝાઝી સ્પર્શતી નહીં. પણ આજે કુસુમનો વિષાદી સૂર તેની આંખોની ભીનાશે મારા રૂવે રૂવે બળતરાં જગાવી’તી. સાઈકલ પર મૂકેલા તેના હાથની તગતગી નશો પર આંગળી ફેરવતાં મેં તેને સાંત્વના આપતાં કહ્યું.
તું મન આળું ન કર. આ મોંઘવારીના નીભાડે આપણી જેમ અનેક લોક સીઝાય છે. તેથી હામ હાર્યા વગર આપદાનો સામનો કરતાં રહીએ તેમાં જ આપણું કલ્યાણ રહેલું છે. તું જોજે દુખની ઝાય લાંબી નૈ ટકે. કાલે સુખની શીળી છાયા આપણા શિરે હશે તે જ ગનીમત.
ઓફિસે પહોંચવાનો સમય થવા આવ્યો હતો. એટલે હું સાઈકલ પર સવાર થયો અને મેં જોરથી પેડલ માર્યું. સાઈકલ ચાલવા લાગી. ધડામ કરતી બંધ થયેલી ઘરની જાળીનો અવાજ મારી પીઠે વાગ્યો. હું સોસાયટીને પાર કરી બા’ર નીકળ્યો. મુખ્ય માર્ગની ધારે આવેલી શેરા તલાવડીમાં થયેલા પોયણા કુસુમના મુખની જેમ કરમાયેલા હતા. આજે મારું મન કચરાવે ચડ્યું’તું.
એક જ પગારમાંથી પાંચ જણનું ભરણપોષણ કરવું ઘણું જ અઘરું પડતું હતું. વારંવાર તેમની સગવડ સાચવવામાં હું સરિયામ નિષ્ફળ જતો હતો. તેથી એક નૈતિક ફરજ ચૂક્યાની પીડા લક્કડખોદની જેમ મને કોચી રહી હતી. હું ધીમે ધીમે તેઓનાથી દૂર થતો જતો હોવાની લાગણી તીવ્ર બનતી જતી હતી છતાં સ્વસ્થ હોવાનો આડંકર કર્યે રાખતો હતો. અરે! માંદગીયે પણ બારેમાસ બેસવા માટે મારા ઘરની જ ડાળી પસંદ કરી!
અને મંદિરના ઘંટનો રણકાર સાંભળી મારા હોઠે વ્યંગ હાસ્ય ઊભરી આવ્યું. પે’લા તો હું ખીજવાટથી ભગવાનને પૂછતો હતો મને વેલાતો જોવામાં તને શી મજા પડે છે?
પણ તે ક્યારે કોઈને ઉત્તર આપે છે? મેં તો તેનું નામ લેવાનું જ છોડી દીધું! નોકરીની શરૂઆતની આવક સૈ’યારા કુટુંબની સંભાળમાં ગઈ. તેમાંથી અલગ થઈને જુદું મકાન બનાવ્યું. તેમાં કે’વા પૂરતું રાચરચીલું વસાવ્યું. સામાજિક વે’વાર ઘરની જવાબદારી આમ દેવાના અંધારિયા કૂવામાં તરવાયેલી મારી સઘળી આશા ધરબી દીધી’તી. તોય હું તરી ના શક્યો! અને ઉજળા દિવસ માટે હું વલખાં મારતો રહ્યો.
ક્યારેક હું કુસુમ સાથે સાઈકલ પર નીકળતો ત્યારે કેટલાક હિતેચ્છુ કે’તા કે પૈસા બચાવ્યા વગર સારું સાધન વસાવો. બેન્કના પગારદાર આ ઠાઠીયા પર શોભતા નથી.
ચૂપ રે’વામાં જ ડા’પણ સમજી હું સાઈકલ પૂરા વેગથી હંકારી મૂકતો’તો. છતાં મારી અંદર તો ધાંધલી મચી’તી. દોસ્ત! બીજાની જેમ રોફભેર વાહન પર નીકળવાની મનેય મંશા થાય છે. પણ…ત્રણ સાંધતા તેર તૂટતાં હોય ત્યાં હલકું પાતળું વાહન પરવડે? પારકા કે’તે ઠીક છે ખુદ મારા ઘરનાયોને જ હવે સાઈકલની શરમ આવતી હતી. હજુ ગઈકાલ સુધી તો આ જ સાઈકલ પર તેઓને મેં પૂરા શે’રની સેર કરાવી’તી. અરે! ઘરની જરૂરિયાતની વસ્તુય આ જ સાઈકલ પર લાવી બે પૈસા બચાવ્યા’તા. પણ ચમક દમકના યુગમાં માનવીની કિંમત નથી તો બિચારી આ સાઈકલના કોણ શરીગત?
હું નહણક નઘરોળ બન્યો હોત તો મારે કૈ ઝંઝટ રે’ત? બનિયાન કે મોજા જેવી નજેવી ચીજ માટે મારે વલવલવું પડત? પણ આજનું વેઠેલું કાલે મજરે આવશે તેવી આશાથી સીંચાતો હું સુખના ફૂલને ખીલવાની રાહ જોતો રહ્યો હતો. અને દશમા ધોરણમાં ભણતો વિશ્ર્વેશ પરીક્ષા ઉલવી નવરો પડ્યો’તો. છેલ્લાં ત્રણ વર્ષથી નૈ સંતોષાયેલી ટી.વી. ગેઈમ માટે તેણે રીતસર મોરચો માંડ્યો. વાછરડા જેવું તેનું ભોળું મોં ગુસ્સાથી તમતમી ઊઠ્યું હતું. તેની બદામી આંખોમાં જાણે નફરતના થોર ફૂટી નીકળ્યા’તા. તે જોઈ હું ફફડી ઊઠ્યો. બાજુની સોસાયટીનો નવમા ધોરણમાં ભણતો છોકરો નઈ જેવી વાતમાં પંખે લટકી ગયો’તો. અજુગતું પગલું ભરતા નૈ અચકાનારી આ પેઢીને પલોટવી અઘરી હતી. અને વિશ્ર્વેશ ઝડપથી મોટો થય ગયો હોય એવું મને લાગ્યું. હરણની રાન જેવા ભરાયેલા તેના ખભા પર હાથ મૂકીને મેં તેને સમજાવ્યો પણ વિશ્ર્વેશે પકડેલી જીદ આગળ મારી એકેય કારી ન ફાવી. અંતે ચાલીસ રૂપિયાના ભાડેથી બે કલાક માટે ગેઈમ લાવી આપવી પડી. મને ઘણું વસમું લાગ્યું’તું.
હજુ ત્રણ મૈના પે’લાજ બંને દીકરીઓને મોંઘા ડ્રેસ, છોગામાં અને જીન્સની પેન્ટ લાવી આપ્યું’તું. છતાં, તેમણે નવા કપડાં માટે આડાઈ શરૂ કરી. હું તેમણે સવાસલું કરતો. બેટા, તમે અમારી આરત સમજવા સે’જ કોશિશ કરો. તમારા વિકાસમાં અમે હીર સિંચ્યું છે. એથી અમારા અભરખામાં દેવતા નથુ મૂક્યો. બીજી સ્ત્રીઓની તુલનામાં તમારી મમ્મીને જોઈને તમને થડૂકોય નથી લાગતો? અરે! આપણું જીવન ઉજાળવામાં તેણે કશી માણા રાખી છે? પણ.
મારા ઘરને આંગણે નાનો ક્યારો હતો. તેમાં થતાં જાતજાતનાં ફૂલોથી તે સતત મહેકતો રહેતો હતો. પે’લાતો કુસુમ તેમાંથી ફૂલો વીણીને મજાની વેણી બનાવીને તેને અંબોડે સોહાવતી હતી. પણ ઘરમાં ધીમે ધીમે પૈસાની અછત સર્જાતા તેનો શોખ રુંધાય ગયો. તે બાબતે મેં તેને ટકોર કરી તો તેણે એવું કહ્યું.
વલવલતા હૈયે માથું શણગારતા મને ફૂલોનો ભાર લાગે છે. અમારા લગ્નની સિલ્વર જ્યુબલી આવતી હતી. તેથી હું કુસુમની વર્ષો જૂની ઝંખના જૂમરવાળી બુટ્ટી અને કાનની હેર આપી પૂરી કરવાના વેંતમાં હતો. પણ, ગયા મૈ’ને પે’લવેલુક મામેરું ભરવામાં પગાર તણાઈ ગયો. વળી ભત્રીજીનું ઘડિયું લગ્ન લેવાયું. જીવલેણ અકસ્માતમાંથી ઊગરેલા ભાઈના છોકરાની પડખે રે’વું પડ્યું. અરે!
યુનિયનના આદેશને સન્માનતાં સલીંગ ત્રણ દિવસ સુધી હડતાલ પર જવું પડ્યું. અને પગારના દિવસે મેં કપાતા મરઘાનો તડફડાટ અનુભવ્યો’તો.
રાતરાણીના પગની ઠેસે સાંજની કુંડી દૂર ફેંકાઈ ગઈ. અને આભના ચંદરવા પર ભોજિયા તારલા ઝબૂકવા લાગ્યા હતા. અને હું બાગના એક અંધારીયા ખૂણે બેસી રહ્યો હતો. કેમકે આજે ચિંતનનો જન્મદિવસ હતો. મેં તેને જીન્સની પેન્ટ, શર્ટ લાવી આપવાનું કહ્યું હતું. પણ હું તેની જોગવાઈ કરી શક્યો નો’તો. છોકરાની નજરમાંથી ખોટો પડી કાયમ ઊતરી જવાનો વિચાર જ હૈયે વલૂરો પાડતો હતો. મને ખબર છે કે ચિંતનની આતુરતા ભરી મીટ માર્ગ પર જ મંડાય હશે. બે દિવસ પે’લાજ તેના ટાબરિયા મિત્રોને નવા કપડાં લાવવાની વાત હોંશે હોંશે કરતો હતો. તે મને ખાલી હાથે જોતા તેની શી વલે થશે? તેની ચિંતામાં કાંપતો ઘરે ગયો. બધાની આંખોમાં જબૂકેલી વાદળી વરસી પડી. કુસુમે ભીના અવાજે કહ્યું:
તમે આવવામાં મોડું કર્યું. ઐ બધાના જીવ અધ્ધર થઈ ગયા’તા પારેવા જેવો ચિંતન કેકથી રીઝયો પણ મારું અંતર તળવાયું’તું.
તે’વારના ઉઘરાના માંડ પત્યા ત્યાં તો સાંજે નવા મંદિર અર્થે લખણી માટે આવેલા. હું ન મળતા પાંછા ગયેલા તે સેવકોને સામેથી આવતા જોઈ મે સાઈકલની ઝડપ વધારી. મારા બેટા, આ નવરાધૂપ ભગવાનના નામે વેપલો માંડ્યો છે. તેમને અગ્યાર એકવીસ રૂપિયાથી તો ધરાવો જ થતો નથી! ઐ તાણુ તોસ્યું જીવતાય ઘવા વળતી નથી. અને દાન પુણ્ય……ધરમ……!
બા’રનો તાપ, અંદરના સ્તાપમાં શેકાતો હું ઓફિસ કમ્પાઉન્ડમાં પહોંચ્યો. મેં સાઈકલને સ્ટેન્ડ કરીને તાળું માર્યું. અને માથું ઓળી સરખું કર્યું. મોં પરથી પસીનો લૂછ્યો. મોંઘવારીની જેમ તરસેય મારું ગળું પકડાયું’તું. શર્ટના ખિસ્સામાં રહેલાં ફૂલો શ્ર્વાશને મહેકવતા’તા. કુસુમ નજર સામે તાદ્રશ્ય ગઈ. સ્કૂટર અને હોન્ડાની હારમાં મારી સાઈકલ ગરીબડી લાગતી’તી. મારા બાળકોની આ જ સ્થિતિ હતી. બેગ લઈને ઓફિસના પગથિયે ચડ્યો.
ગુડ મોર્નિંગ સર
મોર્નિંગ કે’તા મેં પાછળ ફરીને જોયું એક અજાણી વ્યક્તિએ સંકોચાતા અવાજે ચંદ્રશેખર ગુપ્ત તરીકે પોતાની ઓળખ આપી અને મૂંઝાયેલા ચહેરે એક ચબરખી મારી સામે ધરી. તેમાં સેંટ આન્ના સ્કૂલનું નામ લખ્યું’તું. ચંદ્રશેખર તેનું સરનામું પૂછવા આવ્યો’તો. તે સે’લાયથી સ્કૂલમાં પો’ચી શકે તેવો સરળ માર્ગ મે તેને જાણકારીયે નૈ હોય ઠંડીમાં ધ્રૂજતો હોવાથી તેને ચા પીવડાવીને વિદાય કર્યો. લગભગ સાડા પાંચ ફૂટની ઊંચાઈ કસાયેલું હાડ સે’જ શ્યામવાન અને વાંકોડિયા વાળ તેના દેખાવને આકર્ષક બનાવતા હતા. અને મને સારું કામ કર્યાના સંતોષથી કૈ શાતા વળી. નોકરિયાતની દશા જ બૂરી હોય છે. ગમે તેટલી અગવડ વેડીને મને ક મને માંડ રાગે પડ્યા હોય ત્યાં બદલીની નોબત વાગે ફરી પાછું એકડે એકથી ઘૂંટવાનું. બિચારો આ ચંદ્રશેખર છેક મહારાષ્ટ્રથી અહીં ફેંકાયો. ગમે તેવા હોંશિયાર માણસનેય હાલાકી પાંગળો બનાવી દે છે.
ઓફિસની શરૂઆતમાં તો ઘણું જ કાર રે’તું. સમય ક્યાં વીતે છે તેની ખબરે પડતી નૈ. હું કામમાંથી માંડ પર્વાર્યો. કુસુમે મંગાવેલી કુંતીની દવા, ચાનું પડીકું પ્યૂન પાસે મંગાવી લેવાનું મેં વિચાર્યું. પણ મનમાં સંદેહ જાગ્યો. વધેલા પૈસા પાછા ન આપે. કે ઓછા આપે તો મારાથી કશું કે’વાય નહીં. અરે તે કદાચ પૈસા ઉછીના માંગે તો ના કે’તા મો મચકોડે તેના કરતાં જાતે જવું સારું. આમ વિચારતા ટેબલ સરખું ગોઠવ્યું. કેમ કે કુસુમે છેલ્લી ટંક ચાલે તેટલી દવા, ચહાં હોવાનું ભારપૂર્વક જણાવ્યું’તું. તેમાં લગીરે ચૂક ના પડે તેનું મારે ખાસ ધ્યાન આપવાનું હતું. મે ટેબલના ખાનામાંથી થેલી કાઢી. ઢીલી પડેલી બૂટની દોરીને કસીને બાંધી હું ઊભો થયો. સવારથી અત્યાર સુધી કેટલીય વાર ખિસ્સામાં હાથ નાખી પાકીટ સલામત હોવાની ખાતરી કરી લેતો હતો. કેમ કે કુસુમે બસો રૂપિયા જીવની જેમ સાચવવાની સલાહ આપી હતી.
હું જુવો ઓફિસની બા’ર નીકળું તે પે’લા ચંદ્રશેખર મને શોધતો આવ્યો. મે તેને ઉત્સાહથી આવકારી મારી સામે બેસાડ્યો. અને પાણીની બોટલ તેની સામે ધરી. તે અધ્ધરથી પાણી પીતો’તો. ત્યારે તેના ઊંચા નીચા થતાં હૈડિયાને જોતાં તે કેટલો તરસ્યો હશે. તેનો અંદાજ લગાવતો રહ્યો. લગભગ પૂરી બોટલ ગટગટાવી ગયો. અને થેંકયું કે’તા બોટલને બંધ કરીને એક બાજુ મૂકી. તે ખુરશીમાં ઘણો સંકોચાઈને બેઠો હતો. તેના મોંઢા પર કોઈ દુવિધા છવાયેલી લાગી. હું કૈ પૂછું તે પે’લા તેણે અવરાભર્યા સવારે કહ્યું
સર! બંને બાળકોને તમારી દુઆથી એડમિશન મળી ગયું.
ઘણા સારા સમાચાર છે.
હા, પણ…
કેમ અટક્યા ભાઈ? તેને ગૂંચવાયેલો જોઈ મેં પૂછયું
સર! સ્કૂલ ફીમાં ટુ હંડરેડ કમ છે
એક ક્ષણ મારી છાતી પર વીજળી ત્રાટકી. મને ચંદ્રશેખર માટે સાચે જ અનુકંપા જાગી’તી. કેમકે મારાં સંતાનો માટે મારે ઘણીવાર આવી કફોડી સ્થિતિમાં મુકાવું પડ્યું હતું. એક જ દિવસનો સવાલ છે. કાલે તો તે પૈસા પાછા આપવાનું કે’છે. જોખમ ઉઠાવવામાં કશો વાંધો ના લાગ્યો. કશો સંકોચ રાખ્યા વગર મે જિગરના ટુકડા જેવી સો સો ની બે નોટો તેના હાથમાં મૂકી. તે ગદગદ થતો ગયો હું કૃતાર્થભરી નજરે તેને જતો જોઈ રહ્યો.