વીક એન્ડ

ભગરી ભેંશને શેની ફેવર શા માટે કરવી ?

ઊડતી વાત -ભરત વૈષ્ણવ

‘હેલ્લો મિસ બ્લેક બ્યુટિ બફેલો’
અમે મહિષીકુમારીને હડબડાવી. અમે ભગરી ભેંસને ઉંઘમાંથી જગાડી. બાળક કાચી ઉંઘ એટલે કે ઉંઘ પૂરી ન થઇ હોય અને તેને જગાડો એટલે એફએમ ભેંકડા તાણે . જે લગભગ ડોલ્બી સાઉન્ડ સિસ્ટમને લગોલગ હોય. ભગરી ભેંસની પણ ઉંઘ કાચી હશે. કપડા- વાસણ, રોટલા ઘડવામાંથી પરવારીને માંડ માંડ આડી પડી હશે ને મેં એને જગાડી. ભોં ભોં ભોંઓઓ. મૂંઓ કોણ ગુડાણો સે’એમ કહીને ભગરી જાગી. જાગવાનું નામનું જ હતું.તેની આંખ અધમિંચેલી હતી. મિસ, બફેલો.. અમે બ્રહ્માંડની માઇનસ નંબર વન ચેનલ બખડજંતર’ ના સખળડખળ ખખડધજ રિપોર્ટર ગિરધરલાલ ગરબડિયા અને કેમેરામેન કમ પ્યુન રાજુ રદી તમારો ઇન્ટરવ્યુ લેવા આવ્યા છીએ.’ અમે ભગરીને કહ્યું . ભૈ , તમે જે હો એ. મેં કંઇ એવી મોથ મારી છે કે તમને ગુજરાત છોડી હરિયાણાના તબેલાની ધૂળ ફાંકવી પડે છે? ભગરીએ સામે સવાલ કરી અમારા લૂગડાં ઉતારી લીધા. તમે, જગતની પ્રથમ ભેંસ છો અમે ભગરીને કહ્યું. જુવો ,મને તમે માણસો દીઠા ડોળે ગમતા નથી. તમે અમને લાકડી લઇને સબોડી નાંખો છો. મન તો એવું થાય છે તે તમને એ જ લાકડીથી ઝૂડી નાંખું!’ નાકનું ફોયણું ફૂંગરાવીને ભગરીએ શીંગડા નારાજગીથી હલાવ્યા. ભગરી બેન, અમારા-માનવો પર આવો ગુસ્સો કેમ? અમે બે હાથ જોડી પૂછયું. તમે તમારા બંધારણમાં સમાનતાનો ઘોકો પછાડો છો.પછી તમે ડગલે ને પગલે અસમાનતા ઉભી કરીને અતમાનતાને
‘પ્રોત્સાહન આપો છો.’ ભગરીએ માનવો પર તહોમતનામું ઘડ્યું. એ કેવી રીતે ? અમે પૂછયું. ભગરી ગુસ્સે થાય તો શું હાલત કરે તેની કલ્પના કરીને પરસેવો અને કમકમા છૂટી ગયા.

તમે ગાય અને ભેંસ વચ્ચે ડિવાઇડ એન્ડ રુલની પોલિસી વાપરીને ભેંસકૂળને અન્યાય કર્યો છે. ભગરીએ પ્રથમ આરોપ લગાવ્યો.

‘મતલબ ?’ તમે ગાયને માતા કહો છો. અમને એવો કોઇ વાંધો નથી.અમારો વિરોધ પણ નથી. ગાય પણ અમારી જેમ દુધાળું પ્રાણી છે, પણ અમારું શું? તમે ,અમને કોઇ ગણતરીમાં લેતા નથી એનો અમને ભયંકર વાંધો વિરોધ છે. ગાયમાં તેત્રીસ કરોડ દેવતાનો વાસ છે એમ માની લઇએ તો અમારામાં એક બે દેવતાનો વાસ હશે કે નહીં? અમને ગાયની જેમ માતા ન ગણો તો તેલ લેવા ગયું. અમને ભેંસમાશી કે ભેંસબુઆ કે ભેંસમામી તો કહી શકો કે નહીં? એ માટે શાસ્ત્રો જોવા પડે. અમે નરો વા કુંજરો વા જેવો યુધિષ્ઠિર બ્રાંડ ગોળ ગોળ જવાબ આપ્યો. તમે ગાયને માતા કહીને તમારી ફરજની ઇતિશ્રી સમજો છો. ગાયને માલિક પૌષ્ટિક ખોરાક આપતો નથી.. ગાય માતા પ્લાસ્ટિકથી પોષણ મેળવવાના પ્રયાસમાં મરણશરણ થાય છે. એક પણ ભેંસ બતાવો કે જે ઉકરડા ફેંદતી હોય કે પ્લાસ્ટિક આરોગીને મરણ પામી હોય?’ ભગરીએ મુદાની વાત કરી.‘તમારી નાત કંઇ?’ અમે ભેંસને સવાલ કર્યો. તમે ગમાર અને જાહિલ નેતા જેવો સવાલ પૂછયો છે. ભેંસ એટલે ભેંસ. અમારા પ્રપ્રપિતામહ મહિષાસૂરે દેવાધિદેવ ઇન્દ્રને હરાવી ઇન્દ્રલોક જીતી લીધેલું . બાય ધ વે , અમે મુર્રાહ નામની પ્રજાતિનું પ્રતિનિધિત્વ કરીએ છીએ. જેમ ગાયમાં કાંકરેજી કે ગીરની ગાયની નસ્લ ઉત્તમ માનવામાં આવે છે. એમ, અમે પણ જાફરાબાદી કરતાં પણ ઉત્તમ નસ્લ છીએ . ભગરીએ ગૌરવમાં કાન ઊંચા કર્યા .

અમે સાંભળ્યું છે કે તમે બહુ ગરમી સહન કરી શકતા નથી. અમે ભગરીને ઋતુવિષયક સવાલ કર્યો. જુઓ, દિવસે દિવસે ઘરવાળીના જોહુકમીની જેમ સૂરજની ગરમી વધતી જાય છે.સરકાર સરહદે સર્જિકલ સ્ટ્રાઇકની કાખલી કૂટી શકે છે, પરંતું ગરમી પર સર્જિકલ કે નોનસર્જિકલ સ્ટ્રાઇક કરી શકતી નથી! તમે પથ્થરમાંથી જેમનામાં પરમાત્માત્વ પ્રગટ કર્યુ છે એમને પણ ગરમી લાગે છે એવા ભક્તિભાવથી પ્રભુની પ્રતિમા-મૂર્તિ સમક્ષ કુલરભોગ અને એસીકૂટ ધરો છો! અમે તો હાડમાંસના બનેલા પામર પશુ છીએ. અમને ગરમી- ઠંડી સ્પર્શે છે.ગરમીમાં અમે આકળવિકળ થઇ જઇએ છીંએ..’ ભગરીએ ગરમીના ત્રાસને વર્ણવ્યો.

‘હવે તો ,ગરમી તમારું કંઇ ઉખાડી શકે તેમ કયાં છે?’ અમે ભગરીને સવાલ કર્યો ‘હા, તમારી વાત સાચી. ભગવાને અમ જેવા મૂક પશુ પર રહેમ કે દયા વરસાવી નહી. પણ અમારા માલિકે ન ભૂલી શકાય એવો ગણપાઠ કર્યો.’ ભગરીએ માલિક માટે કૃતજ્ઞતા પ્રદર્શિત કરી.‘અમારા એક પરિચિત હતા. શહેરથી દસ કિલોમીટર દૂરની પ્રાથમિક શાળામાં શિક્ષક હતા. ગામડે સાઇકલથી અપડાઉન કરતા હતા. ઉનાળામાં બપોરે સ્કૂલેથી ઘરે આવે એટલે રૂમમાં પાણી ભરે, પંખો ફૂલ સ્પીડે મુકે અને ગંજી-ચડીભેર એમાં પાણીના પાટોડામાં દેહ લંબાવે. એટલે ભેંસ માંદણા જેવું થાય. પણ તમારા માલિકે એવું તે શું કર્યું?તમારા માલિકે તમારા માટે પાણીનું પોન્ડ કર્યું છે?અમે લાંબો સવાલ કર્યો.

‘ના, અમારા માલિકે તમને કલ્પના ન આવે તેવો કામ કર્યું છે. અમારા માટે પંખા કે કુંલર નહી પણ એર કંડિશનર
લગાવ્યા છે. એક એર કંડિશનર નહીં પણ બે- બે એર કંડિશનર લગાવ્યા છે!’

ભેંસની આંખમાં ખુમાર હતો.આખા દેશના ગાય, બકરી, ઘેટા , ગધેડા, ઉંટ, સાંઢિયા ભગરી ભેંસના નસીબની ઇર્ષા કરતાં વગર આગે ઉભાને ઉભા સળગી ગયા છે. ભેંસે બાળપણમાં અક્ષત બાસમતી ચોખાથી મહાદેવને પૂજ્યા હશે કે શું?

‘શું કહ્યું ? રાજુ રદીના કાનમાં માનો કે ધાક પડી.’ અમારા આશિયાનામાં બે બે એર કંડિશનર અમારા માલિકે લગાડ્યા છે. ભગરીએ મગરૂરીથી જવાબ આપ્યો.રાજુ ભોચકકો રહી ગયો.
રાજુ રદીના ઘરે શતાબ્દીએ પહોંચેલો પંખો છે. કૂલરની કેપેસિટી નથી તો એર કંડીશનકની વાત જ કયાં કરવી? એક રૂમમાં બે-બે એર કંડિશનર હોય તો કેવા ઠંડાગાર થઇ જવાય તેની કલ્પનામાં એ ગગનવિહાર કરવા લાગ્યો.

‘અરે, ભગરીબેન, તમે મારા પર એક ફેવર કરશો? મને તમારા તબેલામાં રહેવાની છૂટ આપશો ? હું ગમે ત્યાં ગમે તે ખૂણામાં ટૂંટિયું વળીને પડી રહીશ. સોડ પ્રમાણે પછેડી પાથરીશ, પરંતુ, ના ન કહેતાં . તમને પત્રકારહત્યા, બ્રહ્મ હત્યા અને વાંઢાહત્યા એમ ત્રિહત્યાનું મહાપાપ લાગશે.તમે નર્કમાં જશો.’

રાજુ રદી ભેંસના પગમાં પડી ગયો.ભગરી પગ છોડાવે પણ રાજુ નામની જળો ભગરીના પગ ન છોડ્યા તો ન જ છોડ્યા. ભગરી ભેંસે ભારે ભેજાફોડી કે ભેજાફ્રાય કરીને ભોડું હલાવ્યું. ભગરીએ હકારમાં કે નકારમાં ભોડું હલાવ્યું તે મૂંઝવણનો હલ શોધવા રાજુ રદી આજે પણ તબેલાની બહાર ગરમ ગરમ હવા ખાય છે!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button