સરકારી ગરીબ મેળાની જેમ મધ્યમ વર્ગનો મેળો કેમ નહીં?
ઊડતી વાત -ભરત વૈષ્ણવ
આખી દુનિયામાં ઉદ્યોગપતિઓ માટે લાલ જાજમ પાથરવામાં આવે છે.સસ્તા ભાવે જમીન-સ્ટેમ્પ ડયૂટીમાં રાહત-જીએસટીમાં છૂટ-મિલકતવેરો માફ-વીજળી બિલમાં રાહત- સસ્તા વ્યાજે લોન, ઈત્યાદિ-ઈત્યાદિ છૂટ-રાહત આપવામાં આવે છે. કંપનીઓ રોજગારી આપવાના ગ્લોસી દાવા સામે ખરબચડી ખાદી જેટલી રોજગારી આપતી નથી.એના કેટલાંય ઉદાહરણ છે.
ટૂંકમાં કહીએ તો અમીર-ઉદ્યૌગકારોના કલ્યાણ માટે ઉદ્ઘોષ્ણા કર્યા સિવાય બારે માસ મેળા યોજતા રહે છે.
આપણા દેશમાં એક જ વાતમાં ચિક્કાર હરીફાઈ છે : સૌને જે નથી તે થવાની ખંજવાળ ઊપડે છે. તમે નહીં માનો, પણ આપણે ત્યાં દરેકે દરેકને યેનકેન પ્રકારેણ ગરીબથી વધુ ગરીબ – ગરીબતમ થવાની એષણા છે!
તમે મર્સિડીઝના માલિક હોવા છતાં તમારી વાર્ષિક આવક ગ્રામ મુખ્ય સચિવ મહાશય (આપણો તલાટી !)ની કૃપાદ્રષ્ટિથી રૂપિયા છ હજાર થઇ શકે છે.તમને બીપીએલ કાર્ડ મળે અને ગરીબોનું અનાજ પણ મળે પછી કોઇની દેન છે કે તમને અમીરીરેખાએ લઇ જાય? બીપીએલ કાર્ડની બદૌલત તમારાં સંતાનોને સારી શાળામાં પ્રવેશ જેવા લાભ મળી શકે છે!
સમાજમાં થોડાક ઘનચક્કર શ્રીમંતોના લિસ્ટમાં આવવા મહેનત કરતા
હોય છે. ફોર્બ્સ કે ફોર્ચ્યુન કે આવા લિસ્ટમાં આવવા આખી જિંદગીની વાટ લગાડી દે છે.
ગરીબના બે પ્રકાર છે. ખરેખર ગરીબ અને સરકારી ચોપડે ગરીબ. પ્રારબ્ધથી ગરીબ અને પુરૂષાર્થથી ગરીબ.પહેલા પ્રકારમાં ખાસ સુધારણાને અવકાશ નથી અને બીજા પ્રકારમાં સુધારણાનો અર્થ નથી. કેમ કે, મફતમાં માત્ર ડુંગળીનું ફોતરું મળે તો ગરીબ થવા માટે પડાપડી થાય છે. ગરીબ ઝૂંપડામાં રહેતો હોય. સરકાર માઇબાપને દયા આવે.
સરકાર સુવિધાયુક્ત આવાસ આપે તો વરસ ન થાય ત્યાં પાછો ઝૂંપડાંમાં આવી જાય કેમ ? તો નવાણું ટકાનો જવાબ હોય કે મકાન ભાડે આપ્યું કે વેચી નાંખ્યુ!. આમ આવા લોકોએ મક્કમ નિર્ધાર કર્યો હોય છે કે દેહ પડી જાય તો પડી જાય પણ મારે સાત ભવ ગરીબ રહેવું છે.આમને તમે કેમ કરીને ગરીબીરેખાની ઉપર લાવી શકો?!
હમણા તંત્રે સફાળા જાગી ગરીબ કલ્યાણ મેળા યોજ્યા. ગરીબોને સાધનસહાયની ખેરાત થઇ ત્યારે વાંકદેખા ગરીબો સરકારનો વાંક કાઢે છે., જેમકે કવર ખાલી છે, ચેક જૂની તારીખનો છે. કેશકર્તન કલાકારને અસ્ત્રો કે રેઝરને બદલે તલવાર આપી છે તેવી ફરિયાદ કરે. રાઇનો પહાડ કરે.
એક જગ્યાએ ગરીબ કલ્યાણ મેળામાં સાઇકલ આપી. કેટલીક સાઇકલના
પાર્ટસ જામ હતા. ટ્યૂબમાં હવા ન હતી. ટાયર ચોંટી ગયાં હતાં. એમાં તો
બધાએ હોહા કરી નાખી. ભાઇ સરકારે સાઇકલ આપી તો તમે ટાયર પંકચર
રિપેર ન કરાવી શકો.? માનો કે સરકાર લગ્ન કરાવી દે તો સરકાર બાળકો પેદા ન કરાવી આપે.
આઝાદીનાં ૭૭ વરસે અમીર કે ગરીબ કલ્યાણ મેળો કરવા પડે તે કમનસીબી છે.. આપણો મધ્યમ આબરૂદાર અને ખુદ્દાર છે. ભૂખ્યો હશે તો પણ ભગવાન કે કોઇ સામે મદદ માટે હાથ ફેલાવશે નહીં.
ખરેખર એકાદ મધ્યમવર્ગ કલ્યાણ મેળાનું આયોજન કરવાનો સમય પાકી ગયો છે. સાંભળો છો, સરકાર માઇ બાપ ?!