આખા વિશ્ર્વમાં કેમ વધી રહી છે વિદ્યાર્થીઓની આત્મહત્યા
કવર સ્ટોરી -લોકમિત્ર ગૌતમ
આખી દુનિયામાં આત્મહત્યાના શહેર તરીકે કુખ્યાત થઇ ચૂકેલા રાજસ્થાનના કોટામાં આ વર્ષે જાન્યુઆરીથી સપ્ટેમ્બરના અંત સુધી ૨૭ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી હતી. આવું ત્યારે થયું છે જયારે પાછલાં કેટલાંક વર્ષોમાં કોટામાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે પોલીસથી લઈને બિનસરકારી સમાજસેવી સંસ્થાઓ દ્વારા ઘણા પ્રયાસો ચાલી રહ્યા છે, પરંતુ આટલા પ્રયાસો છતાં કોટાને માથેથી આત્મહત્યાનું કલંક ભૂંસાવાનું નામ નથી લેતું. પરંતુ થોભો, કોટા ભલે આખી દુનિયામાં સુસાઇડ હબ તરીકે બદનામ થયું હોય, પરંતુ હકીકત એ છે કે આખી દુનિયામાં મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓ દ્વારા આત્મહત્યા કરવામાં આવી રહી છે. વર્ષ ૨૦૧૬ માં આખી દુનિયામાં જેટલી આત્મહત્યાઓ થઇ,એમાં ૧.૪ ટકા આત્મહત્યાઓનું કારણ પરીક્ષાઓમાં નાપાસ થવું હતું અને દેખીતી રીતે આ આત્મહત્યાઓ વિદ્યાર્થીઓ દ્વારા થઇ હતી.
વિશ્ર્વ સ્વાસ્થ્ય સંગઠનના આંકડાઓ ઉપર એક નજર કરીએ તો વિદ્યાર્થીઓ અને કિશોરોમાં ખાસ કરીને ઓઇસીડી (ઓર્ગેનાઇઝેશન ફોર ઇકોનોમિક કોપરેશન એન્ડ ડેવલોપમેન્ટ) દેશોમાં આત્મહત્યાની પ્રવૃત્તિ બહુ ઝડપથી વધી રહી છે. વર્ષ ૧૯૯૦ થી ૨૦૦૦ અને ૨૦૦૦ થી ૨૦૧૫ ની વચ્ચે કિશોરોની આત્મહત્યામાં જે દેશ સૌથી આગળ હતો એમાં-કેનેડા,એસ્ટોનિયા,લાટીવીયા, આઇલેન્ડ અને ન્યુઝીલેન્ડ હતા. જ્યાં પ્રતિ એક લાખ કિશોરોમાં ૧૦ અથવા એથી વધુ કિશોરો દર વર્ષે આત્મહત્યા કરતા હતા. ડબ્લ્યુએચઓના આ આંકડાઓ એ તરફ પણ ઈશારો કરે છે જેમાં કહ્યું છે કે દુનિયામાં સૌથી વધારે આત્મહત્યાઓ ૧૫ થી ૧૯ વર્ષની ઉંમરના નવયુવાન કરે છે. દેખીતી રીતે તેમાં સાથી વધારે વિદ્યાર્થી જ હોય, કેમકે ૧૫ થી ૧૯ વર્ષની ઉંમર સ્કૂલમાંથી નીકળીને કોલેજમાં જવાની ઉંમર હોય છે.
વર્ષ ૨૦૨૦-૨૧ માં કોરોના રોગચાળાએ આખી દુનિયામાં ભરડો લીધો હતો અને એવું માનવામાં આવી રહ્યું હતું કે વિદ્યાર્થીઓ પોતાના માબાપ સાથે રહે છે, સાથે સ્કૂલ કોલેજમાં ભણવાનું બંધ હતું તો એવી અપેક્ષા હતી કે આ દરમિયાન વિદ્યાર્થીઓની આત્મહત્યાઓ ઓછી થશે, પરંતુ એવું ન થયું. જો નેશનલ ક્રાઇમ બ્યુરો રેકોર્ડ્સ ઓફ ઇન્ડિયાના આંકડાઓ જોઈએ તો ભારતમાં વર્ષ ૨૦૨૧ માં જે પાંચ પ્રાંતમાં વિદ્યાર્થીઓએ સૌથી વધારે આત્મહત્યા કરી ,એમાં પહેલા નંબર પર ૧૮૩૪ આત્મહત્યાઓ સાથે મહારાષ્ટ્ર હતું, બીજા નંબર પર ૧૩ર૮ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલી આત્મહત્યાઓના પગલે મધ્ય પ્રદેશ રહ્યું ,ત્રીજા નંબર પર તમિલનાડુ હતું, જ્યાં ૧૨૪૬ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી, કર્ણાટકમાં વર્ષ ૨૦૨૧ માં ૮૫૫ અને ઓડિશામાં ૮૩૪ વિદ્યાર્થીઓએ પોતાના હાથે મોત વહાલું કર્યું. આમ જોવા જઈએ તો વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવતી આત્મહત્યાઓમાં કોરોના જેવી મહામારીમાં પણ કોઈ ઘટાડો થયો નહોતો, જેનો મતલબ છે કે આ દરમ્યાન પણ વિદ્યાર્થીઓ તણાવમાંથી પસાર થઇ રહ્યા હતા, જે તણાવ તેમને આત્મહત્યા તરફ દોરી જાય.
સમાજશાસ્ત્રીઓ, શિક્ષાશાસ્ત્રીઓ અને મનોવૈજ્ઞાનિકો મળીને એક વિચાર કરી રહ્યા છે કે આખી દુનિયામાં આટલા મોટાપાયે વિદ્યાર્થીઓ આત્મહત્યાઓ કેમ કરી રહ્યા છે? ચોક્કસપણે આ ફક્ત કેરિયરને લઈને અસુરક્ષાનો પ્રશ્ર્ન નથી, આમાં હજી વધુ કારણો છુપાયેલાં છે. નિષ્ણાતોએ આવા ૨૦ મુદ્દા ચિહ્નિત કર્યા છે, જે સામાન્ય રીતે ૯૯ ટકા વિદ્યાર્થી દ્વારા કરવામાં આવતી આત્મહત્યાઓનું કારણ હોય છે. આમાંથી પણ ચાર કારણ સૌથી મહત્ત્વપૂર્ણ છે. આવો એક નજર નાખીએ કે એ ક્યાં કારણો છે.
પ્રેરણાનો અભાવ
જી હા, સાંભળવામાં ભલે આ સૈદ્ધાંતિક કારણ લાગે, પરંતુ હકીકત છે કે દુનિયામાં વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવતી આત્મહત્યાઓમાં સૌથી મોટું કારણ આ જ છે કે વિદ્યાર્થીઓ ઓછી પ્રેરણા કે પ્રેરણાના અભાવનો એહસાસ કરે છે. હકીકતમાં પ્રેરણાના અભાવને લીધે વિદ્યાર્થી એના ભણતર પર એટલું ધ્યાન નથી આપી શકતો, જેટલી એને જરૂર હોય છે અને જેટલાની આશા માબાપ કરે છે. નિષ્ણાતો માને છે કે જયારે ભણવા માટે આંતરિક પ્રેરણાનો અભાવ હોય તો બહુ પ્રયત્નો અને બધી જ ટેક્નિક છતાં ભણવામાં મન નથી લાગતું. નાની નાની વાતોમાં તણાવ થાય છે. થોડીવાર ભણતા ઊંઘ આવે છે અને જબરજસ્તી ભણતા કંઈ સમજાતું નથી. મનોવિદ માને છે કે જો તમે આ રીતની સ્થિતિનો સામનો કરી રહ્યા હો તો આને ચુપચાપ સહન કરવાને બદલે કોઈ મનોચિકિત્સકને મળો, નહીં તો એ હદે તણાવગ્રસ્ત થઇ જશો કે આત્મહત્યા તરફ જતા વાર નહીં લાગે.
એકાગ્રતાની ઊણપ
ઘણાં કારણોને લીધે હાલનાં વર્ષોમાં ભણતરને લઈને વિદ્યાર્થીઓમાં એકાગ્રતાની ઊણપ આવી છે. મીડિયા રેવોલ્યુશન,ઓનલાઇન ફ્રેન્ડશીપ, વીડિઓ ગેમ, ટીવી અને દિવસે દિવસે બદલાતી લાઇફસ્ટાઇલ. હકીકતમાં જયારે કોઈ વિદ્યાર્થી એક સાથે ઘણી વસ્તુઓથી ઝઝૂમી રહ્યો હોય અને એને મેળવવા માંગતો હોય તો એ કોઈપણ વસ્તુ પર ફોકસ નથી કરી શકતો. આખી દુનિયામાં વિદ્યાર્થીઓમાં
એકાગ્રતાની તાકાત આ વર્ષોમાં ઓછી થઇ છે. વિદ્યાર્થીઓમાં વધતી આત્મહત્યાઓનું એક કારણ આ પણ છે. આ સ્થિતિ ખતમ થાય એટલા માટે ફક્ત વિદ્યાર્થી જ નહીં, પરંતુ માબાપ,સમાજ અને અધ્યયન સંસ્થાઓએ સાથે મળીને કામ કરવું જોઈએ. જેમકે ભણવા માટે સારું વાતાવરણ ઊભું કરવામાં આવે. ફોન, સોસિયલ મીડિયાના ઉપયોગ પર કડક અનુશાસન લગાડાય અને કાઉંસિલિંગની સુવિધા હોય.
હોમ સિકનેસ
ભલે આપણને એમ થાય કે આ જમાનામાં અંતર ઓછું થઈ ગયું છે, આપણે ક્યાંય પણ રહીએ આપણા ઘર અને પરિવારથી જોડાયેલા રહીએ છીએ, પરંતુ આ ઉપરછલ્લું સત્ય છે, પૂર્ણ હકીકત નથી. પૂરી હકીકત એ છે કે આ આધુનિક સૂચના ક્રાંતિના સમયમાં આપણી હોમ સિકનેસ વધી ગઈ છે, કેમકે વિદ્યાર્થી ભણવા માટે અથવા રોજગાર કે કારોબાર માટે ઘરની બહાર જાય છે, પરંતુ કેટલીક સ્થિતિમાં જે ઘરેથી નીકળ્યું એનું પાછું ફટાફટ ઘરે આવવું જવું સંભવ નથી હોતું. જે વિદ્યાર્થી ઘરથી દૂર ભણવા અથવા શરૂઆતમાં નોકરી કરવા બહાર ગયા છે, તે આજે પાછલી સદીના ૬૦ અને ૭૦ ના દશકોના મુકાબલે ઘરથી ઘણા દૂર કરે છે. ભલે સંપર્કની સુવિધા હોય અને ભલે એમાં અવાજની સાથે વીડિઓ સંપર્કની પણ સુવિધા હોય, પરંતુ ઘરથી દૂર વિદ્યાર્થીના રહેવાની અવધિમાં પાછલી સદીના મુકાબલે ૪૦ થી ૫૦ ટકાનો વધારો એમને ડિપ્રેશનમાં રાખે છે.
ડિપ્રેશન અને એંક્ઝાયટી
કેટલાંક વર્ષો પહેલા બિનસરકારી સંસ્થાએ કોટામાં વિદ્યાર્થીઓની જાણ બહાર એમના હાવભાવનો અભ્યાસ કરવાનો પ્રયત્ન કર્યો હતો,જેમાં જણાયું હતું કે દર છમાંથી એક વિદ્યાર્થી કોટા આવ્યા પછી કેટલાક મહિનાઓમાં એકદમ ચૂપ રહેવા લાગે છે. કોટા આવતા પહેલાની એની સ્પષ્ટવક્તા અહીં આવીને ૨૫ થી ૪૦ ટકા ઘટી જાય છે. આવા વિદ્યાર્થી ભણવા માટે ચોપડી ખોલે છે અને ઘણા વખત સુધી ખાલી પાનાને જોયા કરે છે જાણે એને એક નજરે જોઈને કોઈ ગુપ્ત અભિપ્રાયને આત્મસાત કરવાની કોશિશ કરતા હોય. મનોવિદોના હિસાબે આ એમનામાં એંક્ઝાયટીનું કારણ અને ટેંશનની સ્થિતિનું કારણ હોય છે. એનાથી ન કેવળ વિદ્યાર્થીના ભણતરની ગુણવત્તામાં ફરક પડે છે પણ બીજા વિદ્યાર્થીઓ સાથેના એના વ્યવહારમાં પણ અસહજતા જોવા મળે છે. આ ડિપ્રેશન અને એંક્ઝાયટીનું કારણ એ જ હોય છે કે એમના મન-મગજમાં એક વાત ઘર કરી ગઈ હોય છે કે તેઓ આપેક્ષાઓ પર ખરા નહીં ઊતરે. આવી સ્થિતિમાં એમને તાત્કાલિક કાઉંસિલિંગની જરૂર હોય છે, પરંતુ એ સંભવ નથી થતું અને ધીરે ધીરે એમની મન:સ્થિતિ એમને આત્મહત્યા તરફ દોરી જાય છે. જો આ ચાર બાબતો પર કાબૂ મેળવી લેવામાં આવે તો પણ વિદ્યાર્થીઓ દ્વારા થતી આત્મહત્યાઓમાં ૫૦ ટકા થી વધુનો ઘટાડો થઇ શકે છે.