સફેદ ચહેરો (પ્રકરણ-૬)
મૂરખ! જરા તો વિચાર કર! આ એનો પૂર્વ યોજિત પ્લાન છે. તને એણે શેતરંજનું પ્યાદું બનાવ્યો છે, એટલી વાત પણ તારા દિમાગમાં નથી ઊતરતી…! તાર…? વિદ્યાનો તાર…! ભાઈ સાથે ઝઘડો…! બેવકૂફ આ તને ફસાવવાનું એનું દેશાઈભાઈનું ષડયંત્ર જ છે…! અને એની ચાલમાં હવે તું આબાદ ફસાઈ ગયો છે.
કનુ ભગદેવ
(ગતાંકથી ચાલુ)
કોણે આ ભલા માણસનું આટલી બેરહેમીથી કમકમાટી ઉપજાવે એવું મોત નિપજાવ્યું છે ? કોણ છે એ બેરહેમ ઈન્સાન…!
સહસા એના દિમાગમાં ઝાટકો વાગ્યો. દેશાઈભાઈના શબ્દો યાદ આવ્યા. એણે કહ્યું હતું.
‘દિવાકરભાઈ સમક્ષ મેં પ્રતિજ્ઞા ઉચ્ચારી છે-હવે જ્યાં સુધી તમે જીવતા છો, ત્યાં સુધી રંગપુરમાં પગ નહિ મૂકું..’
‘મારી બહેન વિદ્યા પ્રત્યે મને ખૂબ સ્નેહ છે દોસ્ત. લીધેલ પ્રતિજ્ઞા ખાતર હું રંગપુર જઈ શકું તેમ નથી. એટલે તું જ જઈને મારી બહેનને અહીં તેડી લાવ. હું તેની સાથે વાત કરી લઈશ. પછી તું જ એને પાછો રંગપુર મૂકી આવજે…’
અને પછી કિરણનો રોષભર્યો ચહેરો કાલ્પનિક રીતે આંખો સામે ઊપસી આવ્યો.
‘દિવાકર, હું તને સ્પષ્ટ અને સાફ શબ્દોમાં કહું છું કે તારો આ દોસ્ત દેશાઈભાઈ મને તો અઠંગ ખેલાડી અને પકો ફરંદો માણસ લાગે છે. મને એના રંગઢંગ બહુ સારા નથી લાગતા. તે દિવસે જાણે કે તે મને કાચી ને કાચી…’
–અને પછી દિવાકર આંતરિક મનમાંથી પડઘો ઊઠ્યો.
–કોઈ માણસ આ દુનિયામાં વગર સ્વાર્થે તારા જેવા રસ્તે રખડતા ભિખારીને ઊંચકીને સ્વર્ગમાં બેસાડે ખરો?
સાળા મૂરખ ! જરા તો વિચાર કર ! આ એનો પૂર્વ યોજિત પ્લાન છે. તને એણે શેતરંજનું પ્યાદું બનાવ્યો છે, એટલી વાત પણ તારા દિમાગમાં નથી ઊતરતી…! તાર…? વિદ્યાનો તાર…! ભાઈ સાથે ઝઘડો…! બેવકૂફ આ તને ફસાવવાનું એનું દેશાઈભાઈનું ષડયંત્ર જ છે…! અને એની ચાલમાં હવે તું આબાદ ફસાઈ ગયો છે.
તારી પહેલાં જ એણે અહીં પહોંચીને પોતાના ભાઈને મૃત્યુને ઘાટ ઉતારી દીધો. કમઅક્કલ, બેવકૂફ ઈન્સાન…! આ ખૂનનો ગાળીયો તારા ગળામાં ભેરવાય એટલા માટે જ એણે તાર વગેરેની ખોટી બાબત ઉપજાવી કાઢી…ભાગ…અહીંથી ભાગ…!
પોલીસ અને કાનૂનનો વિકરાળ, લોખંડી પંજો તારી ગરદનને જકડાય એ પહેલાં જ અહીંથી નાસી છૂટ…!
દેશાઈભાઈ…! મક્કાર…! સાલ્લા કમીના… હું તને જોઈ લઈશ. દિવાકરના હોઠ ફફડ્યા…! એનો ચહેરો કમાનની જેમ ખેંચાઈને સખત બની ગયો. એની ખૂબસૂરત આંખોમાં વૈરાગ્નિનો ભડતો ફૂટી નીકળ્યો.
હું નહિ જાઉં…નહિ ભાગું…! હું કાયર નથી એ વાત દેશાઈભાઈનાં બચ્ચાંને પુરવાર કરી આપીશ એ નાલાયકને હું રિબાવી રિબાવીને ખુદ શયતાનને પણ કમકમાટી ઊપજે અને યમરાજ પણ ધાક ખાઈ જાય એવા ભયંકર મોતે મારીશ…
દિવાકરે ફરીથી દાંત કચકચાવ્યા…
અને એ ફરીથી ચકડોળે ચડી ગયો.
દેશાઈભાઈ જેવો જિગરજાન દોસ્ત પોતાને આ રીતે ફસાવી શકે ખરો ?
–પણ તો પછી આ બધું શું છે ? દેશાઈભાઈએ ખૂનમાં હાથ નથી રંગ્યા તો પછી કોણે આ કાળું કામ કર્યું ? આ ઉજ્જડ ઈલાકામાં કયું નાટક ભજવાઈ રહ્યું છે. અને કોણ છે એનો સૂત્રધાર ?
ફરીથી એના દિમાગમાં કિરણ ઝળકી.
અને છનાભાઈની નૃશંસતાપૂર્વક કરવામાં આવેલી હત્યા, બીજી પણ ઘણી ઘણી ભયંકર શક્યતાઓ તરફ એના દિમાગને ઘસડી ગઈ. કદાચ, અહીં નીચે જે પળે છનાભાઈને મૃત્યુને ઘાટ ઉતારતો હોય, બરાબર એ જ પળે કિરણે ઉપરથી ખૂનીની અસ્પષ્ટ આકૃતિ જોઈ… વધુ સ્પષ્ટ રીતે જોવા માટે તે રેલિંગ પર નમી ગઈ અને પછી રેલિંગ તૂટી જવાના કારણે તેના પરથી નીચે ઊથલી પડી.
પરંતુ ખૂન એક બીજી વ્યક્તિ તરફ સંકેત કરે છે. ખૂનીની તરફ ! ખૂન થયું છે અને ખૂની જરૂર આસપાસમાં જ હોવો જોઈએ. બનવાજોગ છે કે એણે જ કિરણ પર હુમલો કર્યો હોય !… અને એ માટે જ તેણે મદદ ખાતર ચીસ પાડી હોય ! એ પણ શક્ય છે કે તેણે કિરણને ઉઠાવીને નીચે ફેંકી દીધી હોય !
આ કલ્પનાથી એનો જીવ તાળવે બંધાયો. ખૂની જરૂર આટલામાં જ ક્યાંક ભરાઈને બેઠો છે એટલું જ નહિ, બેઠો બેઠો પોતાની પ્રત્યેક હિલચાલને તાકી રહ્યો છે. તક મળતા જ તે પોતાના પર હુમલો કરી શકે છે.
–દિવાકર પાસે કોઈ જ હથિયાર નહોતું. પોતે રિવોલ્વર ઘેર મૂકી આવ્યો હતો, એ માટે તેને પોતાની જાત પર રોષ ઊભરાયો. પણ હવે શું થાય ? ગુમાવવા માટે એક પળ પણ બાકી નહોતી. ફરી એકવાર એણે કિરણની શોધ શરૂ કરી ફરીથી એણે કિરણના નામની બૂમો પાડી. ઈંચેઈંચ સ્થળે પથરાળ ચટ્ટાનોમાં તે ફરી વળ્યો પરંતુ તેણે ત્યાં જ એક વસ્તુ ન જોઈ, તે હતી કિરણ !
કિરણનો ક્યાંય પત્તો ન લાગ્યો, એટલે એના મનમાં આશાનો દીવડો ઝળહળી ઊઠ્યો. કદાચ તે ન ગબડી હોય… બનવા જોગ છે. બનવા જોગ છે કે તે ઊગરી ગઇ હોય-બચી ગઈ હોય ! મોતનો બરફ જેવો ઠંડો અને ખોફનાક પંજો એની ગરદન સુધી ન પહોંચી શક્યો હોય ! ખૂની તેને બેહોશ કરીને પોતાની સાથે જ લઈ ગયો હોય-
પડતો આખડતો, શ્ર્વાસભેર તે ફરીથી ઉપર આવ્યો. પગદંડી પર ફરીથી તેણે શોધખોળ કરી અને પછી વિદ્યા રહેતી હતી તે ખંડિયર જેવા મકાનમાં દાખલ થયો. પૂરા મકાનમાં તસુએ તસુ સ્થળે તે ફરી વળ્યો. કિરણ ત્યાં નહોતી. તેમ બીજું પણ કોઈજ નહોતું.
થાકી, હારી અને તે નીચે બેસી પડ્યો. એની આંખો બેહદ ઉદાસ અને નિસ્તેજ બની ગઈ હતી… અને માથે… ઢળતી રાતનો સન્નાટો પોતાના ભયંકર અસ્તિત્વનો ભાસ કરાવતો એ ખોફનાક ફિજામાં ગુંજતો હતો. એની માનસિક શક્તિ હણાઈ ગઈ હતી. હવે શું કરવું ? નીચે ખાડીમાં એક લાશ પડી છે. સહસા એના દિમાગમાં એક શબ્દ હથોડાની જેમ ઝીકાયો-પોલીસ…! પો હમણાં જ પોલીસને સમાચાર આપવા જોઈએ. અને ખંડેરથી મોટી ઈમારત તરફ પડવા-આખડવાની દરકાર કર્યા વગર દોડ્યો-કદાચ ત્યાં ફોન હોય !
દોડતા દોડતા કેડી પર તૂટી પડેલા એક લાકડાના ટુકડા જેવી વસ્તુમાં એનો પગ ભેરવાયો. પોતાનું બેલેન્સ જાળવીને એણે રેલિંગ તરફ જોયું. અહીંની રેલિંગ પણ તૂટી ગયેલી હતી. સ્પષ્ટ હતું કે તે હમણાં જ તૂટી છે.
-કદાચ અહીંથી જ કિરણ નાસી ગઈ…અને અંધકારના કારણે, રેલિંગ ન દેખાવાથી તેની સાથે અથડાઈને નીચે ગબડી પડી.
જો કે એ શક્યતા ઘણી જ ઓછી બલ્કે નહિવત્ જ હતી…
કારણ કે કિરણને મૂકીને પોતે માંડ પચાસેક ફૂટ આગળ ગયો હતો. અને એટલું અંતર કાપવામાં તેને વધુમાં વધુ ત્રીસ સેકંડ થઈ હતી. એટલે એ જો દોડીને ગઈ હોય તો પોતે જરૂર શાંત-સૂના વાતાવરણમાં એના દોડવાનો અવાજ સાંભળ્યો જ હોત !
શક્યતા ન હોવા છતાં પણ એણે તપાસ કરવાનું નક્કી કરીને નીચે ટોર્ચનો પ્રકાશ ફેંક્યો. અને થોડી જ પળોમાં એને એ અણીદાર પથરાળ સ્થાનમાં મોટા તોતીંગ પથ્થરોની વચ્ચે કોઈક સફેદ વસ્તુને ભેરવાયેલી જોઈ.
એનું કલેજું થરથરી ગયું. કિરણને જીવતી મેળવવાની આશા ફરી એકવાર એનો સાથ છોડી ગઈ. અહીંથી નીચે ઢોળાવ સુધીનો ભાગ એકદમ સીધો-સપાટ હતો. છતાંયે તે પડતો-અખડતો પથરાળ દીવાલોમાં ઊપસી આવેલી કુદરતી ખાંચમાં હાથપગ ગોઠવીને નીચે ઊતરતો ગયો. અને છેવટે એ સફેદ વસ્તુ સુધી પહોંચી ગયો. અહીં પણ ખાડીનું પાણી ઘુઘવાટા મારતું હતું.
બેટરીના પીળા પ્રકાશમાં કોઈક આકૃતિ બે તોતીંગ પથ્થરો વચ્ચેના ખાલી સ્થાનમાં ભેરવાયેલી દેખાઈ. એણે હૃદયને મજબૂત કર્યું અને પછી ટોર્ચનો પ્રકાશ રેલાવ્યો.
-તે એક લાશ હતી… સુમસામ વાતાવરણમાં બીજી લાશ ! અને…અને…તે એક સ્ત્રીની જ લાશ હતી…
દિવાકરનું હૃદય પળભર જાણે કે બંધ પડી ગયું.
-એ લાશ… કિરણની નહોતી… તે એક વૃદ્ધ સ્ત્રી હતી…
એના ચહેરા પર ગહન ઉદાસી હતી. એક પ્રકારની નિર્મોહિતા હતી, અને જાણે કશું એ ન બન્યું હોય એમ તેની આંખો બંધ હતી.
એ વૃદ્ધની છાતીમાંથી લોહી હજુ પણ વહેતું હતું અને એનાં વસ્ત્રોને તરબોળ કરતું હતું.
દિવાકરે-જોયું એની છાતીમાં પણ એક ગોળાકાર છેદ હતો અને તેને પણ બહુ નિકટથી ગોળી મારવામાં આવી હતી…
દિવાકરના કપાળ પરથી પસીનાની ધાર છૂટતી હતી. આ બધું પોતે શું જોઈ રહ્યો છે ? આમ ચારે તરફ કેટલી બધી શાંતિ અને ખામોશી છે ?
આ દરિયાની ખાડી સેંકડો વર્ષોથી અહીં હિલોળા મારે છે, અને અત્યારે પણ ઘૂઘવે છે. આસમાનમાં ટમટમતા તારલાઓ કેટલા બધા શાંત છે ? ચંદ્રમાની રોશનીમાં કેટલી બધી મધુરતા અને ઠંડક છે ? અને આ શાંત વાતાવરણમાં બેહદ, ગહન ચુપકીદીમાં આ તે કેવો નૃશંસ કાંડ બની ગયો કે જેના અવશેષોને પોતે જોઈ રહ્યો છે ! કોણ જાણે આ ખાડીમાં હજુ કેટલીય લાશો હશે ?
એણે લાશના ચહેરા સામે જોયું.
-અને પછી દેશાઈભાઈના ચહેરા સાથે ભળતું સામ્ય-સરખા પણું ઊપસી આવ્યું.
-વિદ્યા !… ચોક્કસ આ વિદ્યાની જ લાશ છે.
-દેશાઈભાઈની પ્રિય બહેન !
પોતે એ ત્રણેયની એક સાથેની તસ્વીર, દેશાઈભાઈને ત્યાં અનેક વખત જોઈ ચૂક્યો છે.
એ લમણે હાથ મૂકીને ત્યાં જ બેસી ગયો. કોણ જાણે કેમ એનો આત્મા પોકારી પોકારીને કહેતો હતો કે આ સારાએ કાંડમાં દેશાઈભાઈ બાપડો એકદમ નિર્દોષ છે. એ બિચારો તો રાહ જોઈને બેઠો હશે કે હમણાં પોતાની બહેન આવશે…
રંગપુર સ્ટેટના વારસદારોનો આમ અચાનક એકસાથે કેવો નાશ થઈ રહ્યો છે ?
બનવાજોગ છે કે મુંબઈમાં કદાચ દેશાઈભાઈ પર પણ હુમલો થયો હોય. પોતે નાહક જ એના પર વહેમ લાવીને ક્રોધ ભરાઈ બેઠો. છટ…દેશાઈભાઈ કદાપિ મારી સાથે દગો ન રાખે !
હું પણ કેવો મૂરખ કે ક્ષણિક આવેશમાં આવી જઈને એના જેવા ઉચ્ચ કોટીના મિત્ર પર છેડાઈ ગયો !
નહિ, એ બેકસૂર છે કોઈક ખૂબ જ મોટા ન સમજી શકાય એવા કાવતરાની દુર્ગંધ અહીં ચોપાસ ફેલાયેલી છે.
એને પોતાનું કર્તવ્ય યાદ આવ્યું અહીં હવે પોલીસ તથા કાનૂનની જ જરૂર છે.
તે પથ્થરોના ખાચામાં પગ ભરાવી ભરાવીને ઉ૫ર આવ્યો…
ફરી એકવાર એણે કિરણના નામની બૂમો પાડી, પરંતુ એ બધી જ નિરર્થક નીવડી.
એ શ્ર્વાસભેર દોડીને મોટી ઈમારતમાં આવ્યો. એનું મુખ્ય દ્વાર એકદમ ઉઘાડું હતું.
એ સૂમસામ ઈમારત હવે તદ્દન વેરાન તથા ઉજ્જડ બની ગઈ હતી તેમાં રહેનારા હવે જઈ ચૂક્યા હતા. પૂરા મકાનમાં અંધકાર હતો.
એક કમરામાંથી બીજા કમરામાં તે બેટરીનો પ્રકાશ રેલાવતો ફરી વળ્યો.
પરંતુ ફોન ક્યાંય દેખાયો નહિ, હવે એની કોઈ આશા જ નહોતી રહી છતાંયે કોણ જાણે કેમ તે કંઈ આશાનું સૂત્ર પકડીને દોડાદોડી કરતો હતો.
અહીં આવતાં પહેલાં જે કમરામાં એણે રોશની જોઈ હતી તે યાદ આવી. દોડીને બહાર નીકળ્યો અને એ તરફ આગળ વધ્યો.
એ કમરાનો દરવાજો બંધ હતો. ધક્કો મારતાં જ તે ઊઘડી ગયો અને પછી જે દૃશ્ય એની આંખો સામે આવ્યું એ જોઈને એના પગ જ્યાં હતા ત્યાં જ ધરતી સાથે જડાઈ ગયા.
સારોયે કમરો કબાડખાના જેવો બની ગયો હતો. એક એક વસ્તુઓ ઊલટાસૂલટી, અસ્તવ્યસ્ત અને વેરણછેરણ પડી હતી.
ટેબલ અને ખુરશીઓ એક તરફ ફેંકાઈ ગયાં હતાં. જમીન પર અસંખ્ય કાગળપત્રોનો મોટો ઢગલો પડ્યો હતો…
સૌથી પહેલાં સ્પષ્ટ રીતે જે વાત સામે આવી હતી તે એ કે અહીંયા ભયંકર મારપીટ થઈ છે અને મારામારીમાં જે માનવી હારી ગયો હશે તેણે સરળતાથી-સહેલાઈથી તો આત્મસમર્પણ નહિ જ કર્યું હોય.
એ અંદર પ્રવેશ્યો અને થોડીવારમાં જ ઊભો ઊભો કમરાનાં દૃશ્યોને તાકી રહ્યો.
અચાનક ક્યાંકથી ઉપરાઉપરી બે પથ્થરો સમ્સમ્ કરતા આવ્યા અને છત પર સળગતી મોટી લાલટેનનો કાચ ખન્ન્ન્ કરતો તૂટી પડ્યો અને તે બુઝાઈ ગઈ.
વળતી જ પળે ત્યાં કાળો ડિબાંગ અંધકાર પથરાઈ ગયો, અને પછી તરત જ જાણે કે સાક્ષાત્ મોત દિવાકર પર તૂટી પડ્યું.
એ જમીન પર ગબડી પડ્યો. જે જોખમનો એને ડર હતો તે અચાનક સામે આવી પડ્યો. એણે ખતરાની સામે ઝઝૂમવા માટે પોતાની જાતને તૈયાર કરી લીધી.
પૂરી શક્તિથી તે પોતાના પર ત્રાટકેલા શત્રુ સાથે લડવા લાગ્યો. શારીરિક શક્તિ એનામાં ઓછી નહોતી તેમ તે લડાઈના દાવપેચથી પણ અજાણ્યો નહોતો.
પરંતુ એની સામે લડી રહેલી જે વ્યક્તિ સાથે તેને પનારો પડ્યો હતો તે માણસ નહિ પણ બળવાન હાથી જેવો લાગતો હતો. લડવાના દાવપેચ એ પણ જાણતો હતો.
બન્ને છીંકોટા મારતા પરસ્પરની સાથે લડતા રહ્યા. વાતાવરણ લાતો-મુક્કાઓ અને ધડાધડીના અવાજથી ગાજી ઊઠ્યું.
બન્ને એકબીજાને હંફાવવાનો પ્રયાસ કરતા રહ્યા. અને પછી દિવાકરના શત્રુને એ જે તક શોધતો હતો તે મળી ગઈ.
દિવાકર એકદમ નર્વસ બની ગયો શત્રુએ ખૂબ જોરથી એનું મસ્તક જમીન પર અફાળ્યું અને વળતી જ પળે તે બેહોશ બની ગયો.
કોણ જાણે તે કેટલીયે વાર સુધી બેહોશ પડ્યો રહ્યો, ધીમે ધીમે એની આંખો સામે છવાયેલો અંધકાર દૂર થતો ગયો…
થોડીવાર પછી તે હોશમાં આવ્યો. શત્રુ સાથે થયેલી મારામારીના કારણે એના અંગેઅંગમાં માર અને મૂઢમાર વાગ્યો હતો, અને હાથ-પગ, છાતી અને મસ્તક કળતાં હતાં. લમણાની નસો કાળી વેદનાથી ફાટી પડતી હતી. શરીર પર ઠેકઠેકાણેથી લોહીની ધાર ફૂટી નીકળી હતી.
પોતે કોણ છે, શું છે અને ક્યાં છે, એની થોડી પળો સુધી તો એને ખબર જ ન પડી. એને તો જાણે પોતે કોઈક સ્વપ્ન જોયું હોય એવું લાગતું હતું. તીવ્ર અને ગહન પીડાના કારણે તેના ગળામાંથી રહી રહીને વેદના ચિત્કાર સરી પડતા હતા.
શું થયું હતું અને પોતે કોણ છે, એ વાત યાદ આવતાં જ પીડાને ગણકાર્યા વગર જ બેઠો થયો.
એને જ્યાં મારવામાં આવ્યો એ જ કમરામાં તે હતો…
કમરામાં એક બીજી લાલટેન સળગતી હતી.
પછી સહસા એની નજર જમીન પર પડી.
ત્યાં એક રિવોલ્વર પડી હતી.
બાજની ઝડપે એણે તે ઉઠાવી લીધી અને પછી આશ્ર્ચર્યના એક બીજો જોરદાર ધક્કો તેને વાગ્યો.
એની ચકળવકળ થતી આંખો હવે સ્થિર થઈને નર્યા-નિતર્યા ભયથી રિવોલ્વર તરફ જડાઈ ગઈ હતી.
એ એની પોતાની જ રિવોલ્વર હતી. એ રિવોલ્વર કે જેને તે મુંબઈ પોતાના ફ્લેટમાં છોડી આવ્યો હતો. હે ભગવાન ! આ અહીં ક્યાંથી ? આ માયાજાળ શાની છે ? કોણ આને પોતાના પાસે મૂકી ગયું ? અને એના દિમાગમાંથી એક જ જવાબ આવ્યો.
-દેશાઈભાઈ ! મક્કાર…કમીનો…!
એના સિવાય બીજું કોણ હોય ?
એનું દિમાગ ફરી ગયું. એણે રિવોલ્વર ઉઠાવીને જોઈ તેમાંથી બે ગોળીઓ છોડવામાં આવી હતી.
હવે કોઈ જ શંકા નહોતી રહી, પોતાને એક નહિ બબ્બે ખૂનોના આરોપમાં પગથી માથા સુધી ફસાવવા માટે કાનૂનની દૃષ્ટિએ પોતાને ખૂની ઠેરવવા માટેની એક મજબૂત અને ક્યારેય ન તૂટી શકે એવી ભયંકર જાળ બિછાવવામાં આવી હતી…
એ ઊભો થયો અને લંગડાતો લંગડાતો ચાલીને બહાર નીકળ્યો.
અચાનક આસપાસમાં જ કોઈકનાં પગલાં સંભળાયાં. ખૂની કે કાવતરાખોર નજીકમાં જ છે, એવો વિચાર આવતાં જ એની અત્યાર સુધી ટકી રહેલી ચેતના ખળભળી ઊઠી અને પછી કશું જ સમજ્યા-વિચાર્યા વગર દુ:ખતા અંગોની પરવાહ કર્યા વગર ખીલો તોડાવેલી ગાયની જેમ, તે અંધાધૂંધ દોડવા લાગ્યો.
પોતે ક્યાં જાય છે એનું પણ એને ભાન નહોતું. પેલો અજાણ્યો પગરવ એનો પીછો કરતો હતો.
એ દોડતો જ ગયો અને પછી એણે જોયું – પોતે પેલી ખૂની પગદંડી પર આવી પહોંચ્યો છે. તેમ છતાંયે એ અટક્યા વગર દોડતો ગયો અને પછી રેલિંગ સાથે ટકરાયો. કાચા વાંસની રેલિંગ કડાક અવાજ સાથે તૂટી પડી અને હવે બેલેન્સ જાળવી લેવાનો સમય પણ વીતી ગયો હતો.
દિવાકરને ભાસ થયો – પોતે ઝડપથી – ઘણી ઝડપથી નીચે ખાડી તરફ જઈ રહ્યો. તે બેહોશ બની ગયો.
સાચે જ એ ઈન્સાનના ગ્રહો બેહદ નબળા પુરવાર થયા…