વીક એન્ડ

સફેદ ચહેરો (પ્રકરણ-૧૬)

‘ના, હું દેસાઇભાઇ નથી. મારું નામ તાહે અલી છે. ડરવાની જરૂર નથી હવે કોઇ જ તમને ડરાવી શકે તેમ નથી. તમે હવે આરામ કરો.’ ‘મને ક્યાં લઇ જાઓ છો?’ પછી કદાચ એના સવાલનો જવાબ એણે મનોમન જ સમજી લીધો, ‘આ એની છેલ્લી સફર છે.

કનુ ભગદેવ

(ગતાંકથી ચાલુ)
‘હું અહીં મારા જહાજમાં બેસીને આવ્યો છું હજુર! મેં પણ તમને ત્યાં જોયા હતા! તમે અહીં કેવી રીતે આવ્યા?’
‘જીપ…’
‘હું એમ કહેવા માગુ છું કે જનાબનું આગમન અહીં શા માટે થયું છે?’

‘હું દેસાઈ એસ્ટેટમાં જવા માગું છું. તે કદાચ હવે સામે જ દેખાય છે ત્યાં થઈ ગયેલાં ખૂન અંગે તપાસ કરવા માંગુ છું.’
‘તો તમે પોલીસ ઓફિસર છો? તમારા લોકોની કાર્યપ્રણાલી મને તો બેહદ હેરત પમાડી રહી છે સાહેબ! રોજે રોજ કોઈક ને કોઈ પોલીસ અધિકારી આવ્યે જ જાય છે. મને લાગે છે કે હવે મારે એસ્ટેટમાં જ રહેવું પડશે. તમારા લોકોના સ્વાગત માટે મારે અહીં રહેવું હવે બેહદ જરૂરી છે. અરે…હા ભાઈ કાના તું આ સાહેબની સાથે ક્યાં જાય છે? એસ્ટેટનો રસ્તો તો બાજુમાં થઈને જાય છે!’

આ તરફ કોઈક ખંડિયેર જેવા મકાનમાં એક છોકરી કેદ છે, એવું કહે છે…’ ધીરજ બોલ્યો, ‘જરા એ વિષે તપાસ કરવા જઉં છું.’

‘અરે એ તરફ તો ભાંગ્યાતૂટ્યા બેએક ખંડિયેર જેવા મકાજ સિવાય બીજું કઈ જ નથી. અને તે ઉજ્જડ પડ્યા છે. એમાં કોઈ જ રહેતું નથી. આ કાનીઆને હું બરાબર ઓળખું છું. ખૂબ જ ધૂની માણસ છે. હંમેશાં કોઈક ને કોઈક તરંગોમાં રાચતો હોય છે તે તમને નાહકનો જ પરેશાન કરતો હોય એવું મને લાગે છે. ભલા માણસ, તમે એની વાતોમાં ક્યાંથી ફસાઈ પડ્યા?’

‘ના…’ કાનો જોરથી બોલ્યો, ‘મેં એની હાથે વાત પણ કરી છે. મારે શી હારૂને ખોટું કે’વું જોવે…? બિચારી ખૂબ જ રોતી હતી.’
‘ચાલ ભાગવા માંડ અહીંથી…’ દેસાઈભાઈએ તેને ધમકાવ્યો.

પરંતુ કાનો તેનાથી ગભરાઈને ચાલ્યો જાય એ પહેલા જ ધીરજે તેનું કાંડું પકડી લીધું. દેશાઈભાઈની દરમિયાનગીરીથી તેને હવે રોષ ચડતો હતો. એની આંખોના ખૂણા રોષના કારણે લાલ થઈ ગયા. ચહેરા પર પણ ક્રોધ છવાયો હતો.

‘તું ચાલ મારી સાથે!’ એ કઠોર અવાજે બોલ્યો. પછી તે દેશાઈભાઈ તરફ ફર્યો, ‘અને તમે મિસ્ટર દેશાઈભાઈ, હું સરકારી માણસ છું. મારા કામમાં રુકાવટ કરશો તો પરિણામ સારું નહિ આવે.’
‘અરે સાહેબ…! મારે શા માટે રુકાવટ કરવી જોઈએ? વાસ્તવમાં મને આ રબારી પર ભરોસો નથી. તેને ગપગોળા મારવાની ટેવ પડી ગઈ છે. છતાં પણ તમારી ઈચ્છા છે તો ચાલો. કહો તો હું પણ સાથે આવું?’
‘ચાલો…’
ત્રણેય પેલા અંડિયેર જેવા કોટેજ પાસે પહોંચ્યા.
ધીરજે ગજવામાંથી નાનીમોટી થઈ શકે એવી બે-ત્રણ સાઈઝ તથા આકારની માસ્ટર-કી કાઢી. પાંચેક મિનિટના પ્રયાસ પછી તે બંને તાળાંને ઉઘાડી શક્યો. ધબકતા હૃદયે એણે આગળીઓ ખસેડ્યો.

અને ત્યારબાદ તેની તથા દેશાઈભાઈની ટોર્ચના પ્રકાશ એ કોટડીમાં ફેલાઈ ગયો.

કોટડી ખાલી હતી. અંદર કોઈ જ નહોતું.

‘જોયુંને પોલીસ ઓફિસર સાહેબ! મેં પહેલાં જ તમને કહ્યું હતું કે આ કાનો તરંગી માણસ છે. બીજાને પરેશાન કરવામાં જ એને મજા આવે છે.’
‘ના…ના…સા’બ!’ કાનો કરગતા અવાજે બોલ્યો, ‘હું હાચું જ કઉં શું…! એ છોકરીએ મને બે ભગરી લઈ દેવાનું પણ વસન આપિયું હતું.’
ધીરજ મનોમન ક્રોધથી ઊકળતો હતો–નહિ, આટલો નજીક આવીને પોતે ડેનીને નહિ જવા દે. ટોર્ચના પ્રકાશમાં એણે ત્યાંની જમીનનું બરાબર નિરીક્ષણ કર્યું.
‘અહીં કોઈક છોકરી હતી એ વાત ચોક્કસ!’ તે બોલ્યો, ‘આ ઊંચી એડીનાં સેન્ડલના નિશાન છે એ છોકરીને હમણાં જ અહીંથી બીજા કોઈક સ્થળે ખસેડવામાં આવી હોય એવું મને લાગે છે, અને પછી ટોર્ચના પ્રકાશમાં એક સોનાની વીંટીને જોતાં જ તે ઓળખી ગયો. ‘હોંગકોંગમાં ધમાધમી’નો કેસ પૂરો થયા બાદ સારજન્ટ દિલીપે એ વીંટી એક પાર્ટી વખતે ડેનીને કેટલાએ માણસોની વચ્ચે ભેટ આપી હતી. એણે વીંટી ઉઠાવી લીધી તો ડેની અહીં જ હતી!’ એણે દેશાઈભાઈને પૂછ્યું, ‘આ વીંટીને તમે ઓળખો છો?’

‘ના!’ દેશાઈભાઈનો અવાજ કડવા ઝેર જેવો હતો, ‘સ્ત્રીઓમાં કે તેમના ઘરેણા-દાગીનામાં મને બિલકુલ રસ નથી.’
‘આ કોટડીમાંથી બહાર નીકળવાનો બીજો કોઈ જ માર્ગ નથી દેખાતો’ ધીરજ બોલ્યો, ‘અને મિસ્ટર દેશાઈભાઈ! તમે આ રીતે આંટા ન મારો. એથી સેન્ડલનાં નિશાનો ભૂંસાઈ જશે.’
‘હું પણ ફરી ફરીને અહીંથી બહાર જવાનો બીજો કોઈ રસ્તો છે કે કેમ એની તપાસ કરતો હતો. દેશાઈભાઈના અવાજમાં ભરપૂર સાદગી હતી અને તેમાં ગભરાટ કે થડકારાનું નામોનિશાન પણ નહોતું.

‘અરે…હા…’અચાનક ધીરજને કશુંક યાદ આવ્યું હોય એ રીતે મશીનની જેમ દેશાઈભાઈ તરફ ફર્યો અને પછી એક પ્રશ્ર્ન તોપમાંથી છૂટેલા ગોળા જેટલી સ્પીડથી એના મોંમાંથી નીકળ્યો ‘તમે મુંબઈથી આમ અચાનક કેવી રીતે અહીં આવી પહોંચ્યાં?’
‘અહીં મારું ઘર છે, મારા વહાલા મિત્ર…!’ દેશાઈભાઈ કટાક્ષમાં બોલ્યો, ‘અને કોઈ પોતાના ઘરે આવે તેમાં અચાનક જેવું કશું એ નથી હોતું.’
તમે જહાજમાં આવ્યા છો એટલે તમારું એ જહાજ પણ આસપાસમાં જ ક્યાંક હશે.’
‘તમે જુઓ છોને? ખાડીમાં ભરતી શરૂ થઈ ગઈ છે, દરિયો તોફાને ચડ્યો છે. જહાજને અહીં રોકી રાખું તો કિનારા પર ફેલાયેલા પથરાળ તટ સાથે ટકરાઈ ટકરાઈને તે નષ્ટ પામી જાય. મેં મારા માણસોને જહાજને પાછું વાળવાની સૂચના આપી દીધી છે.’
‘આઈ સી.’ ધીરજે આટલું કહીને ગજવામાંથી સિગારેટ કાઢી તેને ઉઘાડીને દેશાઈભાઈ સામે લંબાવ્યું: ‘સિગારેટ…?’
‘હું તમને પોલીસભાઈને બરાબર ઓળખું છું. તમે કેટલી બધી માસૂમિયતનું પ્રદર્શન કરીને સિગારેટ કેસ પર મારા આંગળાની છાપ લેવા માગો છો બંધુ? મને મૂર્ખ નહિ સમજતા પરંતુ હું નિર્દોષ છું. કહો તો સ્ટેમ્પ પેડ પર હાથનો પંજો પાડીને કોરા કાગળ પર બંને હાથની છાપ પાડી દઉં. બાકી હવે આ નાટક બંધ કરો તો સારું…!’ અને તે શરારતથી હો…હો કરતાં હસી પડ્યો.

ધીરજ અવાક બનીને તેને તાકી રહ્યો.


મરણતોલ માર પડ્યો હોવા છતાં પણ દિવાકર હજુયે જીવતો હતો. એનો શ્ર્વાસ ચાલુ હતો સમગ્ર દેહ પર ઠેકઠેકાણે મલમપટ્ટા હતા. પરંતુ તે હજુ સુધી બેહોશ જ હતો અને ડોક્ટરો તેને ભાનમાં લાવવા માટે તનતોડ મહેનત કરતા હતા.

બીજી તરફ ડેની ખૂબ જ આતુરતાથી કાના ભરવાડની રાહ જોવા લાગી. છુટકારાની આશાએ તેનો શ્ર્વાસ ઊછળતો હતો…
બહારથી કોઇનો આવવાનો અવાજ સંભળાયો. ભારે પગલાંનો અવાજ!

ઓહ! છેવટે એ ભલો ભોલો ગામડીઓ પોતાની મદદે પાછો આવી જ પહોંચ્યો.

અચાનક દ્વાર ઊઘડયું. તે એકદમ નજીક પહોંચી ગઇ.
‘આવ કિરણ! તને વધુ સજા કરવાની મારી ઇચ્છા નથી.’
અવાજ એનો પરિચીત જ હતો.

એ દેસાઇભાઇ જ હતો. એના ચહેરા પર કુટીલ હાસ્ય ફરકતું હતું.’
‘તું…’
‘હા, હું તારો પરમ શુભેચ્છક!’
હવે વધુ સહન કરવાની શક્તિ કિરણ ઉર્ફે ડેનીમાં જ નહોતી રહી. તે બેહોશ થઇને ધરતી પર ઢળી પડી.

અને જ્યારે તે બીજીવાર ભાનમાં આવી ત્યારે એને લાગ્યું કે સમગ્ર પૃથ્વી પોતાની આજુબાજુમાં ડોલી રહી છે. થોડીવાર પછી તેને સમજાયું કે તે સાગરનાં મોજાં પર ઊછળી કોઇક હોડીમાં છે. એ વ્યક્તિ એના માથા પર હાથ ફેરવતી હતી.

‘કોણ દેસાઇભાઇ…?’
‘ના, હું દેસાઇભાઇ નથી. મારું નામ તાહે અલી છે. ડરવાની જરૂર નથી હવે કોઇ જ તમને ડરાવી શકે તેમ નથી. તમે હવે આરામ કરો.’
‘મને ક્યાં લઇ જાઓ છો?’
પછી કદાચ એના સવાલનો જવાબ એણે મનોમન જ સમજી લીધો, ‘આ એની છેલ્લી સફર છે. પોતાને દૂર… દૂર… સાગરમાં ફેંકી દેવામાં આવશે, અને દરિયાઇ પ્રાણીઓ પોતાનો કોળિયો કરી જશે.’
‘તમારી તબિયત બરાબર નથી એટલે થોડા દિવસો સુધી સમુદ્રમાં તમને હવાફેર કરાવવી જોઇએ એવું બોસને લાગ્યું હતું.’
ભયથી તેણે આંખો બંધ કરી દીધી. એની ચેતના પાછી ડુબતી ગઇ અને જે જ્યારે બીજી વખત ભાનમાં આવી ત્યારે ફરી એકવાર તેને આભાસ થયો કે પૃથ્વી ડોલી રહી છે. આ વખતે એણે પોતાની જાતને એક ખૂબ જ મોટી સ્ટીમર પર જોઇ. એક ખૂબ જ આરામદાયક, સ્વચ્છ અને સુઘડ કેબિનમાં તે મુલાયમ બિસ્તર પર પડી હતી. એને ભાનમાં આવેલી જોઇને ચહેરા પરથી એક કઠોર નઠોર અને ક્રૃૂર દેખાવાનો આધેડ વયનો માનવી તેની પાસે આવ્યો.

‘હવે કેમ છે તને? એ બેહદ કોમળ અવાજે બોલ્યો. શયતાન જેવો ચહેરો ધરાવતા માનવીનો અવાજ આટલો બધો સહાનુભૂતિભર્યો અને કોમળ જોઇને ડેનીને બેહદ નવાઇ લાગી. એને થયું કે આ સહાનુભૂતિ ફક્ત દેખાવ પૂરતી જ છે એ ચૂપ જ રહી.

‘આવ મારી સાથે આવ! સ્નાન કરી લે…. વસ્ત્રો… બદલી…! પછી કંઇક ખાઇ-પીને આરામ કર! ટૂંક સમયમાં જ તારી તબિયત સુધરી જશે.’
‘કોણ છો તમે?’

‘મારું નામ બરકતઅલી છે.’
‘અહીં બધા ‘અલી’ જ ભેગા થયા લાગે છે. પહેલાં તાહેરઅલી અને પછી બરકતઅલી!’
જ્વાબમાં એ ક્રૂર દેખાવનો માનવી હસ્યો. એણે કહ્યું, ‘તમારી સારસંભાળ બરાબર રીતે રાખવાની જવાબદારી મને દેસાઇભાઇએ સોંપી છે. તું કોઇ જ ફિકર કરીશ નહિ, તને અહીં પૂરેપૂરો આરામ મળશે.’

‘આ સ્ટીમર દેસાઇભાઇની છે! ક્યાં છે એ? હું એની સાથે વાત કરવા માગું છું.’

‘તેઓ અહીં નથી, આવશે એટલે તમારી સાથે તેની વાત કરાવીશ. એમને રંગપુરમાં ઘણાં અગત્યના કામ કરવાનાં બાકી હોવાથી તેઓ ત્યાં ગયા છે.’
‘હા, ખૂબ જ મહત્ત્વનાં!’ ડેની કટાક્ષમાં બોલી.

‘બિચારાનાં ભાઇબહેન ક્મોતે માર્યા ગયાં છે. દુશ્મન પાસેથી જ્યાં સુધી તેઓ પોતાનું વેર નહિ વાળે બદલો નહિ લે ત્યાં સુધી એમને શાંતિ નહિ વળે.’
‘એનાં ભાઇબહેન?’

‘તું નથી જાણતી? મારે જોકે નહોતું કહેવું જોઇતું. ખેર… એ બંનેનાં કોઇકે ખૂનો કરી નાખ્યાં છે. પણ તારે કોઇ પણ જાતની ચિંતામાં પડવાની જરૂર નથી. દુશ્મનોને ચપચપ તને કેટલી બધી ઇજાઓ થઇ છે. કોણ જાણે ક્યા બેરહેમદિલ ઇન્સાને તારા માથા પર આવો ઘાતક પ્રહાર કર્યો છે…’
‘આ પ્રહાર તમારા દેસાઇભાઇનો જ છે.’
‘હા… હા…’ એ માનવી હસ્યો. પછી જાણે ડેનીની વાતને મજાક સમજતો હોય એવા હાવભાવ સાથે બોલ્યો, ‘તું કેવી વાત કરે છે? દેસાઇભાઇનો હાથ ક્યારેય કમજોર અને નિર્દોષ માનવી પર નથી ઊંચકાયો અને તું તો અમારા નાના સાહેબ દિવાકરનાં દોસ્ત છે! દેસાઇભાઇ તો તારી ખૂબ જ ઇજજત કરે છે.’
‘તમે દિવાકરને ઓળખો છો? એ ક્યાં છે?

‘તેઓ બાપડા તો… ખેર, તેઓ સજા-સારા છે અને ટૂંક સમયમાં જતું એમને મળી શકીશ ચાલો મારી સાથે… અહીં બધી જ સગવડ છે, સ્નાનદિથી પરવારી લો.’
‘પહેલાં કહો, દિવાકર ક્યાં છે?’

‘તેઓ ખૂબજ આનંદમાં છે. ઉત્તેજિત થવાની તારે જરૂર નથી. એથી ઊલટું તારી તબિયત વધુ લથડશે.’
પછી એ ચૂપ રહી. છેલ્લા પાંચ-સાત દિવસોની બહારની દુનિયામાં શું શું બની ગયું છે એ વિશે તે સદંતર અપરિચિત હતી -કથા કાવતરાના ચક્કરમાં કોણ આવ્યું? કોણ ફસાયું? ભગવાન જાણે!

ઠીક છે મને અહીં શા માટે લાવવામાં આવી? સાફ સાફ કહો અને દિવાકર સાહેબ ક્યાં છે? એને શું થયું છે?’
‘તું તો ગાંડી થઇ લાગે છે છોકરી? તારું મગજ ઠેકાણે નથી. થોભ, હું તારા માટે ગરમાગરમ ચાહ લઇ આવું.’ એ ચાલ્યો ગયો.
ડેનીના મોંમાંથી નિરાશાનો ચિત્કાર સરી પડ્યો. એ અહીંથી છૂટવા માગતી હતી. પરંતુ કેવી રીતે છુટાય? ચારે તરફ જ્યાં જ્યાં નજર જતી હતી ત્યાં હિલોળા મારતો સાગર નજરે ચડતો હતો. ખારાં પાણી અને રાક્ષસી મોજાં સિવાય કશું જ નહોતું દેખાતું.

ફરીવાર એની આશા તૂટી ગઇ. થાક અને ખૂબ વિચારવાથી તેને ઊંઘ ચડી ગઇ.

બરકતઅલી ચાની ટ્રે લઇને આવ્યો અને તેને નિદ્રાધીન જોઇને ચૂપચાપ પાછો ચાલ્યો ગયો.

અને પછી અચાનક જ એની ઊંઘ ગઇ.
એણે ચારે તરફ નજર કરી, ક્યાં કશું જ નહોતું. તો પછી…? પોતે સાંભળેલા ખટકાનો અવાજ…? એ અવાજ શાનો હતો?
એણે કાનને સરવા કર્યા.

કેબિન લાકડાંની હતી… અને તેની દીવાલો પણ લાકડાંની જ હતી. એણે ધ્યાનથી સાંભળ્યું. પાર્ટીશન જેવી દીવાલ પર ખૂબ જ ધીમેધીમે ટકોરા પડ્યા હતા. થોડી પળો સુધી તો તે સાંભળતી રહી કદાચ કોઇક ઉંદરડો હશે. પરંતુ એ ટકોરા તાલબદ્ધ અને ટેલિગ્રાફિક સિસ્ટમના નિયમ અનુસાર હતા.

બિનતારી સંદેશાની જેમ સાંકેતિક ભાષામાં એ ટકોરા પડતા હતા. હવે તે ધડકતા હૃદયે બરાબર સાંભળવા લાગી અને પછી આવેશ તથા ઉત્તેજના એના દેહમાં ફરી વળ્યાં. એ ઊભી થઇ. પરિચિત અવાજ…! સાંકેતિક ભાષા…! અને આ ભાષાથી તે બરાબર પરિચિત હતી. નાગપાલે જ તેને આ ભાષા શીખવી હતી.
સુનીલ…!
હર્ષથી તે ઊછળી પડી. એની આંખોમાં આંસુ ઉભરાયાં. આ વિકટ મુસીબતમાં હવે તે એકલી નહોતી. સુનીલ છેવટે આવી જ પહોંચ્યો. એની કલ્પના, એનું સ્વપ્નું સાચું જ ઠર્યું. એનો બધો જ થાક. અશક્તિ અને કંટાળો આંખના પલકારામાં અદશ્ય થઇ ગયાં.

હવે કોઇનો ડર રાખવાની જરૂર નથી. ઊભા થઇને એણે સાવચેતીથી બારણું બંધ કર્યું અને દીવાલ પાસે આવીને બેસી ગઇ. તારનાં સિદ્ધાંત પર બનાવવામાં આવેલી સાંકેતિક ભાષા સમજવાની સાથે સાથે સમજાવતાં પણ તેને આવડતી હતી. એણે પણ પાર્ટિશન પર આંગળી મૂકી અને પછી ક્રમબદ્ધ ટકોરા માર્યા અને સાંકેતિક ભાષામાં વાત શરૂ કરી:
‘હું કિરણ છું…’
‘અને હું સુનીલ…’
અને ત્યાર બાદ કિરણે પોતાની વાત પૂરી કરી. વિગત સાંકેતિક ભાષામાં સુનીલને પહોંચાડી દીધી.
‘હવે બોલ, શું કરવું છે? દેસાઇભાઇ આપણને કયાં લઇ જવા માગે છે?’
‘ભગવાન જાણે! બાકી હું એમ માનું છું કે તે પોતાના ભાગીદાર દિવાકરની પ્રેયસીને એટલે કે તે તને ચાહે છે. એની દાનત તારા પર બગડી લાગે છે ઉપર ઉપરથી એ માણસ એવો ડોળ કરે છે કે પોતાને સ્ત્રીઓમાં બિલકુલ રુચિ નથી, પરંતુ વાસ્તવમાં તે પોતાના મિત્ર દિવાકરને જબરા બખેડામાં ફસાવીને તને ક્યાંક ઉઠાવી જવા માગે છે. સાચું પૂછતી હો તો એને એક કાંકરે ત્રણ પક્ષીઓ માર્યા છે. ભાઇ-બહેનનો ખાત્મો કર્યો પછી તેમાં દિવાકરને ફસાવી માર્યો અને હવે તને ક્યાંક ઉઠાવીને લઇ જાય છે પણ તું ડરીશ નહિ. એને પહોંચી વળીશ હવે તું આરામ કર!’
‘ઓ કે.’
અને ત્યારબાદ બંનેએ ટકોરા મારવા બંધ કર્યા. ફરી એકવાર ચૂપકીદી ફેલાઇ ગઇ.


ફરી એકવાર ધીરજ પહોંચ્યો.
દિવાકર હજુ પણ બેહોશ હતો
થાકી-હારીને છેવટે તે ઇન્સ્પેકટર કદમ સાથે દેસાઇવાડામાં -એસ્ટેટમાં છનાભાઇ જે ઇમારતમાં રહેતો હતો ત્યાં પહોંચ્યો. આ ઇમારતમાં જ છનાભાઇની હત્યા કરવામાં આવી હતી.

રાતના બાર વાગી ગયા હતા. છતાં પણ ઇમારતના મુખ્ય હોલમાં રોશની પથરાયેલી હતી. બહાર એક ઓટોરિક્ષા ઊભી હતી બંનેએ જોયું- નીચેના હોલમાં જે રોશનીથી ઝળહળતો હતો તેમા ંબેસીને દેસાઇભાઇ એક માણસ સાથે વાતો કરતો બેઠો હતો.

ઇન્સ્પેકટર કામ તથા ધીરજને જોઇને દેસાઇભાઇ હેબતાઇ ગયો. પરંતુ પછી વળતી જ પળે એના ચહેરા પર સ્વાભાવિક્તા પાછી ફરી:
‘ઓહો! પધારો પધારો… સાહેબો!’ એ લટક સલામી કરતાં બોલ્યો, ‘આપ માનવંતા સાહેબોનો આવવા-જવાનો સમય ભલે ચોક્કસ ન હોય, પરંતુ હું તો હંમેશાં આપનું ઉષ્માભર્યુ સ્વાગત કરવાનો જ! પધારો.. અને બેસો!’
‘નહિ.’ ધીરજ બોલ્યો, ‘તમે તમારું કામ પતાવી લો. અમે બહાર રાહ જોઇએ છીએ’
અને જવાબની રાહ જોવા વગર બંને બહાર નીકળી ગયા…
‘આ બીજો માણસ કોણ છે?’ ધીરજે પૂછયું.’
‘એના કાકાનો દીકરો ભાઇ છે- રમણદેસાઇ! રંગપુરમાં તેની ખૂબ જ આબરૂ અને મોભો છે. ખૂબ જ પરોપકારી સજજન છે. બિચારો… ઘણા વખતથી બીમાર રહે છે. છનાભાઇની હાલત તો બેહદ કંગાલ હતી. પરંતુ રમણદેસાઇ પૈસાદાર માણસ છે. એની આવકનાં સાધનો પર શંકા લાવી શકાય તેમ નથી. દરેક સીઝનમાં તે આંબા -કેરીના વૃક્ષોનો કોન્ટ્રેકટ રાખે છે અને તેમાં તે ખૂબ જ કમાય છે. વલસાડ, બીલીમોરા વગેરે શહેરોમાં આવેલા મોટા ભાગના આંબાઓનો તે સ્થાયી કોન્ટ્રેકટ રાખીને બેઠો છે. એણે છનાભાઇને મદદ કરવા માટે હંમેશાં તૈયારી બતાવી હતી. પરંતુ છનાભાઇ એના બાપદાદા પર ઊતર્યો હતો. એણે દરેક વખતે એની મદદ સ્વીકારવાની ધસીને ના પાડી હતી. આ લોકોની એસ્ટેટમાં એનો પણ ભાગ છે.

છનાભાઇ તથા વિદ્યા તો હવે મૃત્યુ પામ્યાં છે. એટલે હવે પૂરી જાગીર બેમાંથી કોણે સંભાળી લેવી એ વિશે તેઓ બંને અત્યારે ચર્ચા કરતા હોય એવું લાગે છે.’
‘તો બાપદાદાની મિલકતનો ઝઘડો છે એમને?’
‘જરા પણ નહિ.’ કદમ બોલ્યો, ‘સાચું પૂછો તો આ જાગીરમાં આવકને બદલે નુકસાન જ વધારે છે. કોઇ જ ઊપજ કે આવક નથી, અને એટલા માટે જ તેઓ બંને ઇચ્છે છે કે જાગીર નામની આ બલા પોતાના ગળામાં ન વળગી તો સારું…’
‘મને તો તેનો એ ભાઇ સહેજ વિચિત્ર લાગ્યો છે.’
‘વિચિત્ર તો છે જ! એ દીનદુ:ખીઓને મદદ કરે છે. એક પણ પૈસો વ્યાજ લીધા સિવાય જરૂરિયાતવાળાએ ધંધો કરવા માટે નાણાં આપે છે. અઠંગમાં અઠંગ બદમાશો કે જેમના પર એમના કુટુંબીજનો પણ ભરોસો નથી કરતા, એવા માણસોને પણ તે નાણાની મદદ આપે છે અને શિખામણ પણ…! ભાઇઓ સુધરી જાઓ! ચોરી-જુગારનો અંત ખૂબ જ ખરાબ આવે છે. સીધી રીતે મહેનતની રોટી કમાઇને ખાશો તો મીઠાઇ કરતાં પણ વધુ સ્વાદિષ્ટ લાગશે. એની પ્રેમભરી વાણી સહાનુભૂતિ અને સલાહથી કેટલાએ લોફરો સુધરી ગયા છે અને તેમાંથી ઘણાખરા એક શરીફ માનવીની જેમ જિંદગી ગુજારતા થઇ ગયા છે. રમણદેસાઇને લોકો મહાત્મા ગાંધી જેવા માને છે. એ કહે છે માણસો બદમાશ કે ચોર છે જ નહિ. સંજોગો જ એને એવા બનાવે છે. એમને આકરી સજાથી નહિ માયાળુ વર્તન અને પ્રેમની જરૂર છે.‘ દો આંખે બારહ હાથ’ નામની ફિલ્મમાં જે અભિનેતા જેલના કેદીઓેને સુધારવાનો પ્રયાસ કરે છે, એવો જ પ્રયાસ આ રમણદેસાઇ પણ કરે છે. ચોર, ડાકુ અને લૂંટારાઓને પ્રેમથી, લાગણીથી સાચી સલાહથી અને બે મીઠા બોલથી જ બદલી શકાય છે. જેલમાં પુરવાથી નહિ! એમ તેનું માનવું છે.’
‘વેરી ગુડ!’ ધીરજની આંખોમાં રમણદેસાઇ પ્રત્યે, પ્રશંસા ચમકી ઊઠી
તે વધુ કંઇ બોલે તે પહેલાં જ રમણદેસાઇ બહાર નીકળ્યો.

એણે બંનેને અભિવાદન કર્યું પછી તે રીક્ષા તરફ આગળ વધ્યો એની પાછળ દેસાઇભાઇ પણ હતો.
એ કહેતો હતો, ‘રમણભાઇ! તમારી વાતોથી તો મારું માથું પાકી ગયું છે, હવે પછી તો તમે તને માફ જ કરજો.’
રમણદેસાઇ ચુપચાપ રીક્ષામાં બેઠો અને મધરાતના સન્નાટાને તોડતી- ગજાવતી રીક્ષા જબરો શોર મચાવતી ત્યાંથી સ્ટાર્ટ થઇને આગળ વધી ગઇ.

‘હા… કહો માનવંતા મહેરબાનો!’ રીક્ષા ગયા પછી દેસાઇભાઇ એ બંને તરફ ફરીને બોલ્યો, ‘ફરમાવો! હવે મધરાતે તમને લોકોને એવો તે ક્યો સવાલ પૂછવાનો યાદ આવ્યો કે અહીં દોડી આવ્યા? એક કામ કરો તમે! જે પૂછવું હોય તેટલું એક ડાયરીમાં યાદ કરી કરીને લખી લો.’
‘દેસાઇભાઇ!’ ધીરજ તીખા અવાજે બોલ્યો, ‘બીજાઓની જેમ મને બેવકૂફ માનવાની ભૂલ કરશો નહિ. તપાસ કરતાં મને જાણવા મળ્યું છે કે એ લાકડાંની કોટડી જેવા મકાનમાં જે છોકરીઓ કેદ હતી એની પાછળ એક છૂપો માર્ગ અમે શોધી કાઢ્યો છે. એ માર્ગ ખાડીના કિનારે જ જાય છે અને એ યુવતીને એ જ છુપા માર્ગેથી ચુપચાપ ખસેડી છે. સ્પષ્ટ શબ્દોમાં કહું તો એનું અપહરણ કરવામાં આવ્યું છે. ખાડીના માર્ગે જ તેને ક્યાંય લઇ જવાય છે અને… તમે પણ એ જ માર્ગેથી અહીં રંગપુરમાં આવ્યા છો. અમે તમને થોડા સવાલો પૂછવા માગીએ છીએ.

’‘ગેટ આઉટ…’ દેસાઇભાઇ એકદમ બરાડ્યો, ‘તમે પોલીસ અધિકારી છો એથી શું થયું? આમ આ રીતે અર્ધી રાત્રે એક શરીફ અને ઇજ્જતદાર માણસને પરેશાન કરવાનો તમને કશો જ અધિકાર નથી. હું એક સ્વતંત્ર દેશનો સ્વતંત્ર નાગરિક છું. તમારે લોકોને જે પૂછવું હોય તે હવે સવારે આવીને પૂછજો. અત્યારે મને ઊંઘ આવે છે, આજનો આખો દિવસ મેં સતત પરિશ્રમ અને દોડધામમાં વિતાવ્યો છે. મારા પર કૃપા કરીને અત્યારે તમે લોકો અહીંથી ચાલ્યા જાઓ. મારી પાંપણો પર મણમણનો બોજો પડ્યો હોય એમ ભારે બની ગઇ છે. જો ક્યાંય આડાઅવળા જવાબો આપી બેસીશ તો પછી તમે લોકો નાહકના જ અર્થનો અનર્થ કરી નાખશો. માટે હવે પધારો અને મને ઊંઘી જવા દો. ગુડનાઇટ…!
વાત પૂરી કર્યા પછી તરત જ જવાબની રાહ જોયા વગર વીજળીક ગતિઓ પાછો ફર્યો અને આંખના પલકારામાં અંદરના એક અન્ય નાનકડા ખંડમાં પ્રવેશીને અદશ્ય થઇ ગયો…

‘હરામી…. પોતાની જાતને કોણ જાણે શું માની બેઠો છે?’
ફટાક કરતી એ હોલમાં પડતી બાજુના ખંડની એક બારી ઉઘડી અને દેસાઇભાઇનો રમતિયાળ ચહેરો એમાંથી બહાર ડોકાયો.

‘હરામી! આહા ચોક્કસ કોઇક બીજો માથાફરેલો એ નામની પણ ફિલ્મ ઉતારીને જ રહેશે. પાપી, ધર્મા અને હવે હરામી…! ચાલો, એ ઊતરશે તો તે પણ જોઇ નાખીશું.’
‘તમે એને જોવા નહિ પામો દેસાઇભાઇ!’ ઇન્સ્પેકટર કદમ બરાડી ઊઠયો, એ ફિલ્મ કદાચ જ્યારે રિલીઝ થશે ત્યારે તમે જેલના સળિયા ગણતા હશો.’
જવાબ આપ્યા વગર દેસાઇભાઇએ જોરથી બારી બંધ કરી દીધી…
‘એણે ઊંઘ આવવાનું બહાનું કાઢ્યું છે.’ ધીરજ હળવા અવાજે બોલ્યો, ‘એના પર અત્યારથી જ નજર રાખવાની જરૂર છે. આવા ફરંદા માણસો દિવસે જ ઊંઘે છે, રાતે નહિ…’
એની શંકા સાચી જ હતી.

દેસાઇભાઇ સૂવા જવાને બદલે પાછલા દ્વારમાંથી પલાયન થઇને ઝડપભેર પગ ઉપાડતો ખાડી તરફ આગળ વધતો હતો.
થોડીવાર પછી એ લોકોને બારણું ખખડાવ્યું. પરંતુ જ્વાબ ન મળ્યો. તપાસ કરતાં પાછળના ભાગનું બારણું ઉઘાડું દેખાયું. ત્યારબાદ તેઓએ પૂરી ઇમારતની તલાશી લીધી. દેસાઇભાઇ તો ઠીક ચકલુંયે ના મળ્યું.

‘એ નાસી ગયો છે.’
ઇન્સ્પેકટર ક્રોધથી ધૂંવાપૂંવાં થતો બોલ્યો.
‘ફિકર કરવાની જરૂર નથી…’ ધીરજે તેને આશ્ર્વાસન આપ્યું…
તેઓ રંગપુર પોલીસ સ્ટેશને પાછા ફર્યા અને ત્યાર બાદ ત્યાંથી લાઇટનિંગ કોલ અને ડિમાન્ડ કોલ માગવામાં આવ્યા. મુંબઇ હેડ ક્વાર્ટર્સ, એરપોર્ટ… પોર્ટ ઓફિસર…
ચારે તરફ કોલ પ ર કોલ કરવામાં આવ્યા…
ધીરજે હોસ્પિટલમાં ફોન જોડ્યો અને દિવાકર વિશે પૂછપરછ કરી.
‘તેઓ હવે ખતરાની બહાર છે સાહેબ!’ સામેથી જવાબ આવ્યો. અલબત્ત, તેઓ ભાનમાં ક્યારે આવશે તે હજુ પણ નક્કી કહી શકાય તેમ નથી, એમની પલ્સ અને શ્ર્વાસ બરાબર છે, ટેમ્પરેચર નોર્મલ છે…’
‘થેકયુ ડોકટર!’ ધીરજે રિસીવર મૂકી દીધું.


તે એક બેહદ ખૂબસૂરત રળિયામણી સવાર હતી. વાતાવરણમાં ઠંડક અને તાજગી હતી. દરિયો શાંત હતો. સાગરની મુસાફરી માટે ખૂબ જ અનુકૂળ વાતાવરણ હતું. કોઇ બીજો સમય હોત તો સુનીલ ચોક્કસ જ આ મુસાફરીનો ભરપૂર આનંદ ઉઠાવત પરંતુ અત્યારે તો તે કેદી જેવી સ્થિતિમાં હતો અને ઇશ્ર્વર જાણે હજુ કેટકેટલી આફતો એની રાહ જોતી હતી!
પોતાનું એ પછીનું પગલું કયું ભરવું એ વિશે તેને પ્લાન બનાવી કાઢ્યો હતો. અગાઉ અત્યાર કરતાં પણ તે વધુ કફોડા સંજોગોમાં ઘેરાઇ ગયો હતો અને દરેક વખતે તેમાંથી સહીસલામત બહાર નીકળી ગયો હતો.
પણ આ વખતે?
બની ગયેલા એકેએક બનાવો પર તેણે ફરીથી વિચાર કર્યો અને એક જ નિર્ણય એના દિમાગમાં સ્થિર થયો. દેસાઇભાઇનું માથું ફરી ગયું છે. આ બધું શું થઇ ગયું છે? એ અપંગ જેવા નિરાધાર અને અસહાય આધેડાવસ્થામાં પ્રવેશી ચૂકેલા છનાભાઇ તથા વિદ્યાવતીનાં ખૂનો થઇ ગયાં. ત્રીજો માણસ હોસ્પિટલમાં બેહોશાવસ્થામાં જીવન-મૃત્યુ વચ્ચે લટકી રહ્યો છે અને બે વ્યક્તિઓને કેદ કરીને – એટલે કે પોતાને તથા ડેનીને કોણ જાણી ક્યાંય લઇ જવામાં આવતાં હશે! ઉફ…! આ દેસાઇભાઇ તો ઇન્સાન છે કે ઇન્સાનના રૂપમાં જાનવર?

જો એણે જ પોતાનાં ભાઇ-બહેનોનાં ખૂનો કર્યા હોય તો એવા બેરહેમ ઇન્સાન માટે પોતાને તથા ડેનીને મારી નાખવામાં કોઇ જ આંચકો નથી આવવાનો! તે પોતાને પેલી ભયાનક આગમાં પણ બેહોશ કરીને ફેંકી શક્તો હતો. તો પછી એમ ન કરતાં તે શા માટે પોતાને જહાજમાં લઇ જાય છે? ક્યાં લઇ જાય છે? આ જ્હાજ માલવાહક પણ હતું અને પેસેન્જર શીપ પણ હતું. બંને રીતે ઉપયોગમાં લઇ શકાય એવી તેની રચના હતી. સુખ અને આરામથી રહેવાની બધી જ સગવડો તેમાં હતી. કદાચ દેસાઇભાઇએ પોતાની સગવડ ખાતર જ તેને બંને રીતે ઉપયોગમાં લઇ શકાય તેમ બનાવ્યું છે. જ્હાજની સ્પીડ પણ ઘણી હતી. આખી રાત એનાં એન્જિનો ગર્જના કરતાં રહ્યાં હતાં.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ… 2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો?