વીક એન્ડ

એનો જસ્ટિન બીબર તો આપણો જેન્તી બીમાર ક્યાં કમ છે?!

મસ્તરામની મસ્તી – મિલન ત્રિવેદી

‘કુલ રૂ. ૨૦૦ના કપડા પહેરી અને એ પણ ઢગલામાંથી ઉપાડેલા કોઈ જેન્તી નામનો ગાયક ખાવડીમાં ઘૂસી ગયો છે. અંદાજે એકાદ કરોડ રૂપિયા લઈને જશે.!’

ચુનિયાના આ સ્ટેટમેન્ટ પર હું અડધો ગાંડો થઈ ગયો. એને અને અમારા ધુળાકાકાને આ જસ્ટિનભાઈનું નામ ગોખાવતા પૂરા ૪ દિવસ થયા હતા. મને તો જસ્ટિનભાઈનો અવાજ સાંભળું એ સાથે પેટમાં ઘૂળ ઘૂળ થવા લાગે, પણ આપણે પણ યુવાન છીએ એવું દેખાડવા જોર પડે તો પણ ‘વાહ વાહ’ બોલવું પડે. લોકો ફરી જુનવાણી ફેશન તરફ વળતા જ હોય છે એટલે હમણા જ મેં એક ભાઈને પૂછી લીધું હતું કે ‘ચૂનો બહુ મોંઘો આવે?’ આવા સવાલથી એમને આશ્ર્ચર્ય થયું એટલે મેં ફોડ પાડ્યો કે ‘આ જસ્ટિનભાઈ લગ્નમાં આવીને કરોડોનો ચૂનો કેવી રીતે ચોપડી ગયા?!’

એક તો આપણી અંદર બળતરા સાથે ઘેરથી નીકળ્યા હોય અને સામે ચૂનિયો દેખાય જાય એટલે દિવસ તો ગયો જ પણ ચૂનિયો જે રીતે મને ખેંચીને પરાણે ૨ રૂપિયાવાળી સોડા પીવડાવવા એક ઓટલા પર બેસાડ્યો એટલે ધ્રાસ્કો તો પડ્યો જ હતો કે આજે ૨ રૂપિયામાં ચૂનિયો કેટલા રૂપિયાનું કામ ઉતારી લે એ નક્કી નહીં!

જો કે, ચૂનિયાએ બિઝનેસ પ્રસ્તાવ મૂક્યો કે “મિલનભાઈ, આ જસ્ટિન બાબરનું સંભાળ્યું? ખાલી હોઠ હલાવ્યા, ગાયુ પણ નહીં અને કરોડો રૂપિયા લઈ ગયો. એટલા રૂપિયા ભેગા કરી ગયો કે આપણી સાત પેઢી પગ પર પગ ચડાવીને બેઠા બેઠા ખાય. હવે આપણા કમાવવાના દિવસો આવ્યા છે. આપણી પાસે આ બાબર કરતાં પણ ઊંચો કલાકાર છે.
મારે તો પહેલાં ચૂનિયાને સમજાવવું પડ્યું કે બાબર નહીં- બીબર પણ ચૂનિયાને બિયરની ખબર હતી બીબરની નહોતી. ચૂનિયાને એ નામ સાથે કંઈ લેવા દેવા નહોતા એને તો કરોડો રૂપિયા જ દેખાતા હતા, પણ મને સવાલ હતો કે જસ્ટિન બીબર કરતાં મોટો કલાકાર કોણ હશે?એટલે ચૂનિયાને પૂછી જ કાઢ્યું. ચૂનિયાએ નામ ડિક્લેર કર્યું : જેંતિ બીમાર. ..નામ સાંભળતા જ મને ધ્રુજારી તો ચડી જ ગઈ હતી, પણ ચૂનિયાએ ડિટેલીંગ શરૂ કર્યું. ‘જો મેં જસ્ટિનનો ફોટો જોયો. થાપાથી નીચેનું પેન્ટ, ઉઘાડુ ડીલ, કેટલા દિવસથી નાહ્યા વગર સાહુડીના પીછા જેવા વાળ, વાંકી ચૂકી ચાલ, કારણ વગરના ઠેકડા, જરૂરી ન હોય ત્યાં પણ રાડો પાડવી અને આખા સ્ટેજ પર કારણ વગરની દોડા દોડી આ બધું જ અમારો જેંતિ ચપટી વગાડતા કરી શકે. આ તો થાપા નીચે સુધીનું પેન્ટ પહેરે છે, અમારો જેંતિ તો ચડ્ડી જ પહેરીને ફરે. અમે બધા વળી એક ગુજરી બજારમાંથી એના માટે પેન્ટ લાવ્યા પણ કમર મોટી હોવાને લીધે વારેઘડિયે થાપા નીચે ઊતરી જાય. કમાણી થશે તો શર્ટ પણ આપણે પહેરાવીશું, પણ ત્યાં સુધી તો ઉઘાડા ડીલે જ છે. જેંતિના માથામાં દાંતિયો તો ઘૂસતો જ નથી. એકવાર પ્રયત્ન કર્યો હતો તો દાંતિયાના અડધા દાંતા તૂટી ગયા પણ વાળ સીધા ન થયા એટલે પછી એમ જ રહેવા દીધા છે અને એકવાર જૂ મારવા હાઇડ્રોજન પેરોક્સાઇડ નાખ્યું ત્યારથી એના વાળ ભૂરા પણ થઈ જ ગયા છે. જેંતિ આમેય ક્યારેય સીધો ચાલ્યો નથી એટલે વાંકી ચૂંકી ચાલનું લક્ષણ તો જન્મથી જ છે. નોકરીમાં જ્યાં જ્યાં ગોઠવ્યો ત્યાંથી ઠેકડા મારી મારીને નીકળ્યો છે અને પેટનો દુખાવો કાયમી રહે છે. એટલે ગમે ત્યારે રાડો પાડી પાડીને ઠેકડા મારવામાં તો જેંતિને કોઈ લગે જ નહીં. રહી વાત દોડાદોડીની તો ઉઘરાણીવાળા એટલા પાછળ ફરે છે કે સતત દોડતો જ રહે છે’

મને આટલી વાત તો બરાબર લાગી, પણ મુખ્ય વાત હતી ગાવાની તો ચૂનિયાએ તેનો પણ જવાબ આપ્યો કે ‘આ પણ પેલો ક્યાં ગાઈને ગયો? એણે પણ હોંઠ જ હકાલ્યા હતા’

ચૂનિયાને વિગતે સમજાવ્યો કે આ પહેલાં તો એણે ગીતો ગાયેલા છે- રેકોર્ડ થયા છે અને તેના પર એને લીપ સીંક કર્યા હોત પણ અમારા ચૂનિયા પાસે બધી જ વાતના ઇલાજ હોય! તરત જ કહે કે ‘મને ખબર જ હતી એટલે જ અત્યારે મેં કીર્તિદાન ગઢવી અને ઓસમાણ મીરનાં ગીતો એને ગોખાવવાનું શરૂ કરી દીધું છે. તમારે તો બધા કલાકારો સાથે સંબંધ છે. અને સ્ટૂડિયોવાળા પણ ઓળખે એટલે આપણે રેકોર્ડ કરી લઈશું, આને તો ખાલી હોઠ જ ચલાવવાના છે ને? બાકી પેલાને તો ટિકિટ વેચવાની ઉપાધી હશે ને? આપણે તો ટિકિટ વગર જ ઘોળ કરવાની છૂટ રાખીશું. તમે ક્યાં નથી જાણતા કે કીર્તિદાન અને ઓસમાણભાઈનાં ગીતો ઉપર કેટલા રૂપિયા ઊડે છે. આપણે તો વકરો એટલો નફો. કરો મંડાણ ત્યારે !’

આખી વાત સાંભળ્યા પછી મને એટલું તો થઈ જ ગયું કે આ પાછો પડવા નથી આવ્યો. મેં શાંતિથી ખભે હાથ મૂકીને ફરી સમજાવવાનો પ્રયત્ન કર્યો કે “એના પ્રોગ્રામમાં જગતભરની સેલિબ્રિટી હતી. જસ્ટિન બીબર યંગસ્ટારમાં જાણીતો છે- પ્રખ્યાત છે એટલે આટલા રૂપિયા મળે, જ્યારે ડાયરામાં ઉંમર લાયક માણસો આવે પણ ચૂનિયો એમ ગાજ્યો જાય? તરત જ કહે

‘યંગસ્ટાર રૂપિયા કોના ઉડાડે? બાપાના ને? આપણે સીધું મૂળ જ પકડવાનું. બાપાને પણ ક્યારેક તો રૂપિયા ઉડાડવાનો ચાન્સ મળવો જોઈએ કે નહીં?’

ચૂનિયાને ડરાવવાનો મોકો શોધતો હતો તેમાં વાતમાંથી વાત નીકળી કે સ્ટેજ, મંડપ, લાઇટ્સ, સાઉન્ડસિસ્ટમ બધાની વ્યવસ્થા પણ જોઈએ. ચૂનિયાએ ત્યાં જ બેઠાં બેઠાં બે ચાર ગરબીમંડળમાં ફોન લગાડ્યા, પણ હિસાબ કાઢતા ખબર પડી કે ૨૦-૨૫ લાખની વ્યવસ્થા તો રાખવી જ પડે એટલે રાજીનામું આપ્યા વગર જ ઊભા થતા બોલ્યો :

‘સોડાના ૪ રૂપિયા આપી દેજો, હું જોઉં કે ૨૦-૨૫ લાખ કોણ મારા આ શ્રેષ્ઠત્તમ વિચાર ઉપર લગાડી શકે છે’

કદાચ અમુક વર્ષો પછી જસ્ટિન બીબરની કોપી કરતો કોઈને કોઈ કલાકાર ભારતમાં પેદા થશે જ પણ એક વિચાર એ આવ્યો કે આપણા દુહા, છપાકડા, રેણુકી છંદ, ચર્ચરી છંદ, ત્રિભંગી છંદ, દોમડિયો છંદ અને લોકવાણી શીખવા માટે જસ્ટિન બીબર સાત જન્મ લે તો પણ શીખી ન શકે. હું બીબરનો વિરોધ નથી પણ આપણી સંસ્કૃતિના રખોપિયાનું રખોપું કરવું એ પણ આજની યુવા પેઢીનું કર્તવ્ય છે. આટલી ટકોર પછી જો તમને એમ થાય કે ચૂનિયો ખોટો નથી તો માત્ર ૨૦-૨૫ લાખની જરૂર છે અને કમાણીમાં ભાગ પણ ખરો. કદાચ એવું પણ બને કે ટનાટન જેંતિ બીમારને લોંચ કરવામાં તમારું પણ નામ બની જાય…

વિચાર વાયુ

અમુક લોકો ગાય તો મજા આવે અને અમુક લોકો ગાય તો દયા આવે,

પરંતુ તમારે આ વિચારવાનું નથી.. રિચાર્જ કરાવો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button