વીક એન્ડ

ડિજિટલ અતિક્રમણ પર બુલડોઝર ક્યારે ફરશે?

ચૂંટણી પ્રચાર દરમિયાન કોઇ પણ પ્રકારની રોક ટોક વગર અનેક ફેક વિડિયો ફર્યા એ આપણા નબળા કાયદા અને સાયબર ફ્રોડ સામે લડી શકવાની અસમર્થતા દર્શાવે છે

કવર સ્ટોરી -મુકેશ પંડ્યા

ચૂંટણીનાં પરિણામ આવી ગયાં . નરેન્દ્ર મોદીએ ત્રીજી વાર વડા પ્રધાનપદ ગ્રહણ કર્યું.જોકે ભારતીય જનતા પાર્ટીએ એકલા હાથે બહુમતી મેળવી નહીં,જે આ પક્ષ માટે મોટી પીછેહઠ કહેવાય. મોટા ભાગની પ્રજાને લાગે છે કે પરિણામો ધાર્યા મુજબ આવ્યાં નથી. ભલભલા એક્ઝિટ પોલ પણ ખોટા ઠર્યા. હવે ભાજપ સહિત અનેક પક્ષો વિશ્ર્લેષણ કરશે, જેમને ગત ચૂંટણી કરતા ઓછા મતો મળ્યા છે. આ સેટબેકનાં ઘણાં કારણ હશે તેમાંનું એક કારણ ફેક વીડિયો દ્વારા થયેલું ડિજિટલ આક્રમણ પણ હોઇ શકે.

અત્યારની ચૂંટણીઓમાં પ્રચાર-પ્રસાર માટે ડિજિટલ માધ્યમો મહત્ત્વની ભૂમિકા ભજવતા થઇ ગયા છે. આમ જનતા પણ હવે સ્માર્ટ ફોન વોટ્સ ઍપ, ફેસબુક, યુ-ટ્યૂબ, ટ્વિટર જેવા અનેક માધ્યમનો સહજપણે ઉપયોગ કરવા લાગી છે. આ માનસિકતાનો લાભ રાજકારણીઓએ હાલની ચૂંટણીમાં પૂરેપૂરો ઉઠાવ્યો. કોઇ પણ સિસ્ટમનો લાભ ઉઠાવાય ત્યાં સુધી વાંધો નહીં, પણ કેટલાક રાજદ્વારી તત્ત્વોએ આ વખતે ગેરલાભ પણ ઉઠાવ્યો.

દિલ્હીના પ્રખ્યાત વકીલ અને દસ વર્ષ પહેલા ‘આપ’ પક્ષમાંથી રાજીનામું આપીને છૂટા પડેલા અશ્ર્વિની ઉપાધ્યાયે આ વાતને ઉદાહરણો દ્વારા રજૂ કરી છે તે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ.

એમના જણાવ્યા પ્રમાણે ચૂંટણીના પ્રચાર દરમિયાન નરેન્દ્ર મોદીના એક ભાષણ સાથે
ચેડાં કરવામાં આવ્યા હતાં અને એવું દર્શાવવામાં આવ્યું હતું કે એ બંધારણને ખતમ કરવાની અને મનુસ્મૃતિને લાગુ કરવાની વાત કરે છે. અમિત શાહનો પણ એક બનાવટી વીડિયો ખૂબ પ્રસાર પામ્યો હતો, જેમાં તેઓે રિઝર્વેશન (આરક્ષણ) ખતમ કરવાની વાત કરે છે. રામાયણમાં રામની ભૂમિકા ભજવી ચૂકેલા અરૂણ ગોવિલનો એક વીડિયો વાઇરલ થયો હતો જેમાં એ દલિતોના ઘરે ભોજન કરવા માટે મનાઇ ફરમાવે છે. રાજસ્થાનમાં કિરોડીલાલ મીણાનો એક વીડિયો વહેતો થયો , જેમાં એ આરક્ષણને ખતમ કરવાની વકીલાત કરે છે. અખિલેશ યાદવ એક મંદિરમાં જાય છે પછી આ મંદિરને ધોવામાં આવે છે તેવો બનાવટી વીડિયો પણ ફરતો હતો. એકમાં તો ભાજપના કેટલાક લોકો એસ.સી -એસ.ટીના લોકો સાથે મારપીટ કરતા હોય તેવું દેખાડાયું છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ’ ના પ્રમુખ ભાગવતના પણ એક બનાવટી વીડિયોમાં એમને આરક્ષણનો વિરોધ કરતા બતાવ્યા છે. અમિત શાહ ઠાકુરોને ગાળો આપી રહ્યા છે એ ક્લિપ પણ ખૂબ ગાજી. વડા પ્રધાન મોદી મરાઠા સંપ્રદાયને લૂંટારા’ કહેતા હોય તેવો વીડિયો પણ ખૂબ ફરતો હતો. ઉત્તર પ્રદેશમાં એસ.સી-એસ.ટીનું આરક્ષણ ખતમ કરી દેવામાં આવ્યું છે એ મતલબનું અખબારનું એક બનાવટી કટિંગ ફેરવવામાં આવતું હતું . યોગીજી બા્રહ્મણોને અપશબ્દો કહી રહ્યા છે એ વીડિયો પણ ખૂબ વાઇરલ થયો. બીજેપીને વોટ ન દેવા પર દલિતો સાથે મારપીટ કરવામાં આવી છે એ પણ ખૂબ વાઇરલ થયો હતો. મોદીએ શીખોનું અપમાન કર્યુ અને એમને અપશબ્દો કહ્યા તે મતલબનો વીડિયો પણ ખૂબ ગાજેલો.

આ જ રીતે , રાષ્ટ્રપતિ મુર્મૂને અયોધ્યામાં રામમંદિરના ઉદ્ઘાટનમાં આમંત્રણ જ આપવામાં નહોતું આવ્યું તેવો અવળો પ્રચાર પણ ખૂબ કરવામાં આવ્યો હતો. ભાજપ પ્રમુખ જે.પી. નડ્ડાને એવું કહેતા બતાવ્યા છે કે પાર્ટીને આર.એસ.એસ.ની કોઇ જરૂર જ નથી. કર્ણાટકના લોકો ખૂબ પાપી છે તેવું નરેન્દ્ર મોદી કહેતા હોય તેવો બનાવટી વીડિયો પણ ખૂબ પ્રસારિત થયો હતો. સલમાન ખાન-શાહરૂખખાન પ્રધાનમંત્રીને અપશબ્દો કહેતા હોય તેવો વીડિયો પણ ખૂબ ખરો ઊંચકાયો. આમ ફેક વીડિયો જનતાને છેતરી શકે તો એ જ વીડિયોથી ઉમેદવાર વૈતરણી’ તરી શકે.

એક વાત નક્કી છે કે ૧૦ વર્ષ પહેલાં ડિજિટલ માધ્યમનો ચૂંટણી સમયે કેવો અસરકારક ઉપયોગ કરવો એમાં નરેન્દ્ર મોદી ખૂબ આગળ હતાં, પરંતુ આ વખતે વિપક્ષોએ ફેક વીડિયોનો પ્રસાર – પ્રચાર કે અપપ્રચારમાં બાજી મારી લીધી.

અસલી વીડિયોમાં નેતા બોલતા કંઇક એક હોય અને તેની સાથે ચેડાં કરીને તે બીજું જ કંઇ બોલતા હોય તેવું આમ જનતાને સંભળાય ને ગેરસમજ ફેલાય. પ્રજાની મતિ મુંઝાય જાય. આ છેતરાયેલી પ્રજા પછી જેને મત આપે તેનાથી જૂઠાણાં ફેલાવનાર ઉમેદવારને પણ બખ્ખાં થઇ જાય.

નવાઇની વાત તો એ છે કે એકલ-દોકલ કિસ્સાને બાદ કરતાં ન શાસક પક્ષો કે ન ચૂંટણી કમિશન આ બાબતે કડક પગલા લઇ શક્યા. આવાં વીડિયો પ્રસાર થવાનું કારણ છે આપણા ચૂંટણી અંગેના નિમ્નસ્તરના કાયદા.

ચૂંટણી બાદ મોદી સરકાર ફરી ઍક્શનમાં આવી ગઇ છે. ઉત્તર પ્રદેશની યોગી સરકાર પણ જમીની અતિક્રમણને બુલડોઝરથી હટાવી રહી છે તેવાં દ્શ્યો ટી.વી. પર દશ્યમાન થાય છે, પરંતુ અપપ્રચાર કરતાં જૂઠા વીડિયોના અતિરેકને કેવી
રીતે ખાળવા એ પણ વિચારવું પડશે.

માત્ર રાજકીય દૃષ્ટિએ જ નહીં, પરંતુ સામાજિક, ધાર્મિક અને રાષ્ટ્રીય દષ્ટિએ પણ આ જોખમકારક સાબિત થઇ શકે એમ છે. ડિજિટલ પ્રસાર માધ્યમે હવે સરહદોના સીમાડા ભૂંસી નાખ્યા છે એ સંજોગોમાં માહિતીની જેમ ગેરમાહિતી અને અફવાઓનું બજાર પણ ગણતરીની પળોમાં ગરમ થઇ શકે છે.

બીજા વિશ્ર્વયુદ્ધ વખતે ગોબેલ્સ પ્રચાર અતિ કુખ્યાતિ પામ્યો હતો હવે પછી જો વિશ્ર્વયુદ્ધ છેડાય તો આ ડિજિટલ અપપ્રચાર ગોબેલ્સને પણ સારો કહેડાવશે એમાં શંકા ને કોઇ સ્થાન નથી. આ સંજોગોમાં ફેક વીડિયો ફેલાવનાર ને કડક સજા થાય એવા કાયદા ઘડવા જરૂરી છે. ડિજિટલ યુગ અનેક સગવડ અને સુવિધા તો લાવ્યો પણ તેને નિયંત્રિત નહીં કરી શકાય તો ઝેરીલો સાપ પાળ્યા જેવી સ્થિતિ આપણા સહુની થશે. જો સાવધાન નહીં થઇએ આવા કાળોતરા ખુદ આપણને જ દંશી જાય એવા દિવસો હવે દૂર નથી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વિજય માલ્યાની હજારો કરોડ રૂપિયાની લક્ઝરી પ્રોપર્ટીઝ એક કટોરી તુઅર દાલની કિંમત તુમ ક્યા જાનો રાહા કપૂરની જેમ જ એક્સપ્રેશન એક્સપર્ટ છે આ સ્ટારકિડ્સ… આ રાશિના જાતકો માટે લકી રહેશે July, બંને હાથે ભેગા કરશે પૈસા…